Dakshin Gujarat

7 દિવસ બાદ નેશનલ હાઈવે નં. 48 પર ચક્કાજામ કરવા 35 ગામોનું અલ્ટીમેટમ, આ છે કારણ

વલસાડ: (Valsad) વલસાડ ખેરગામ રોડનાં (Road) નવીનીકરણની કામગીરી મહિનાથી બંધ કરી દેવાતાં આગામી ચોમાસા દરમિયાન રસ્તાની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જવાની પરિસ્થિતિ પામી ગયેલા વલસાડ અને ખેરગામ તાલુકાના 35 ગામના સરપંચોએ, વલસાડ જિલ્લા કલેકટરને (Collector) આવેદનપત્ર આપી 7 દિવસમાં રસ્તાની કામગીરી ચાલુ નહીં કરાય તો નેશનલ હાઇવે નં. 48 ચક્કાજામ કરવાની ચીમકી આપતાં દોડધામ મચી ગઈ છે.

વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ 100થી વધુ ગામડાઓને વલસાડ સાથે જોડતો સીધો માર્ગ છે. રોજિંદા હજારો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને ધંધાદારીઓ આ માર્ગ પરથી અવર-જવર કરે છે. વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગનું છેલ્લા આઠેક વર્ષોથી નવીનીકરણ થયું ન હતું. તેવામાં રાજ્ય સરકારે લગભગ 17 કરોડ રૂપિયા ફાળવી આ રસ્તાનું નવીનીકરણ શરૂ કરાવ્યું છે. પરંતુ ફોરેસ્ટ ક્લિયરન્સ ન આપી છેલ્લા 1 મહિનાથી વનવિભાગે આ રસ્તાનું કામ બંધ કરાવ્યું છે. હાલમાં આ માર્ગ પહોળો કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુંદલાવ, ધમડાચી પાસે ડામર રોડની બાજુમાં ખોદવામાં આવેલા પટ્ટામાં મટીરીયલ નાંખવામાં આવ્યું નથી. જે મોટા ખાડાઓને કારણે અકસ્માતો થઈ રહ્યા છે.

આ ઉપરાંત ઓવાડા પાસે તથા પીઠા પાસે નવા પુલ બનાવવા જુના નાના પુલ તોડી નાખવામાં આવ્યા છે અને કોતરોમાંથી કામચલાઉ ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે. હાલમાં વાહન વ્યવહાર આ કોતરોમાંથી ચાલુ રાખવામાં આવ્યો છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પૂલના કામ પૂર્ણ ન થાય તો ચોમાસા દરમિયાન કોતરડામાંથી પાણી વહેતા વાહનોની અવર-જવર બંધ થઈ જશે અને આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય એમ છે. ત્યારે ચોમાસા પહેલા આ પુલ નવા બનાવી રસ્તો ચાલુ રાખવું અત્યંત જરૂરી છે.

વનવિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આડોડાઈને કારણે આગામી દિવસોમાં હજારો લોકો વિના કારણે દુઃખી થાય એમ હોવાથી, રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરાવવા 35 ગામના સરપંચોએ વલસાડ જિલ્લા કલેકટરને આજરોજ લેખિત રજૂઆત કરી છે. સાથે જ 7 દિવસમાં કામ શરૂ નહીં થાય તો નેશનલ હાઇવે નં. 48 ચક્કાજામ કરી વાહન વ્યવહાર બંધ કરાવવાની ચીમકી પણ આપી છે. સરપંચોએ સૌથી વધુ વ્યસ્ત અમદાવાદથી મુંબઈનો હાઈવે બ્લોક કરવાની ચીમકી આપતા તંત્ર દોડતું થઈ ગયું છે.

7 દિવસ બાદ અમે ને. હા. નં. 48ને ચકાજામ કરી દઈશું: મિતેશ પરમાર, સેગવા સરપંચ
સેગવા ગામના સરપંચ મિતેશ પરમારે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ થાય તે માટે રજૂઆત કરી કરીને થાકી ગયા છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી અમારે નાછૂટકે આંદોલનના માર્ગે આગળ વધવું પડી રહ્યું છે. અમે સરપંચોએ નક્કી કર્યું છે કે જો કામ ચાલુ નહીં થાય તો અમે મિટિંગ કરી હાઇવે બ્લોક કરવાનું સ્થળ નક્કી કરી 7 દિવસ બાદ અમે નેશનલ હાઇવે નંબર 48ને ચક્કાજામ કરી વાહનવ્યવહાર અટકાવી દઈશું, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. અમારે રસ્તાની પાયાની જરૂરિયાત મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે.

ચોમાસા દરમિયાન અમારે ક્યાંથી જવું તે મોટો પ્રશ્ન: શિરીષ પટેલ, ફણસવાડા
ફણસવાડા ગામના માજી સરપંચના પતિ શિરીષ પટેલે જણાવ્યું હતું કે અમારે દરરોજ વલસાડ ખાતે અવરજવર કરવાની થાય છે. પરંતુ રસ્તા પર પુલો ન બનતા ચોમાસા દરમિયાન અમારે ક્યાંથી જવું તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. અમારા આસપાસના તમામ સરપંચો આ મુદ્દે લડી લેવા મક્કમ છે અને ધરણાં પ્રદર્શન, રસ્તા રોકો આંદોલન સહિતનાં આંદોલન કરવા તૈયાર છીએ. અમે આ બાબતે અમારા ધારાસભ્યોને પણ જાણ કરી દીધી છે.

ખાડામાં કોઈનો જીવ જઈ શકે, હજારો લોકોને સ્પર્શતો આ પ્રશ્ન છે: નીતિન પટેલ, ગુંદલાવ સરપંચ
ગુંદલાવ ગામના સરપંચ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તા ઉપર ખાડા ખોદાયેલા છે, જે યથાવત સ્થિતિમાં છે. જેમાં ઘણી વખત વાહનો પડે છે. લોકોને ઇજાઓ પણ થાય છે. ચોમાસા દરમિયાન આ ખાડાઓમાં પાણી ભરાયેલું હશે અને એમાં અકસ્માતોથી કોઈ જીવ પણ ગુમાવી શકે છે. હજારો લોકોને સ્પર્શતો આ પ્રશ્ન છે. તાકીદે આ કામ પૂર્ણ કરાય તે ખૂબ જરૂરી છે. આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ ન થાય તો ચોમાસા દરમિયાન સંપૂર્ણ રસ્તો બંધ થઈ જાય એમ હોવાથી અમારે તમામ લોકો વતી નાછૂટકે આ લડત ઉપાડવી પડી છે.

Most Popular

To Top