Gujarat

RTE હેઠળ પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ 13મે સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે

ગાંધીનગર: RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં (School) પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં બાળકોને પ્રવેશ (Admission) આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ ૯૮,૫૦૧ જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૬૮,૧૩૫ જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. ૧૪,૫૩૨ જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી જ્યારે ૧૫,૮૩૪ જેટલી અરજીઓ અરજદાર દ્વારા રદ કરવામાં આવી હતી.

સચિવાલયમાં શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતુ કે, રાજયની કુલ ૯૮૫૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૨૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં ૨૭,૯૧૭ જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMSથી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top