Gujarat Main

વડોદરા ગેંગરેપ કેસ: બળાત્કારીઓ પહેલાંથી જ યુવતીને ઓળખતા હતા, ડાયરીમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

દિવાળીના દિવસે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં યુવતીની ડાયરીના આધારે એવી હકીકત બહાર આવી હતી કે તેની સાથે વડોદરામાં બે યુવકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. રાજ્યની પોલીસ આ કેસમાં ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. યુવતી સાથે થયેલા અમાનુષી બળાત્કારની વિગતો યુવતીએ પોતાની ડાયરીમાં લખી હતી, જેના અંશો રોજ બહાર આવી રહ્યાં છે. આજે વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. યુવતીએ ડાયરીમાં લખ્યું છે કે તે બળાત્કારીઓ પહેલાથી તેને ઓળખતા હોય એવું લાગતું હતું.

પીડિતાએ ડાયરીમાં લખ્યું છેકે, ‘બળાત્કારીઓ પહેલાંથી મને ઓળખતા હોય અને મારો પીછો કરતા હોય એવું લાગતું હતું’ બળાત્કારીઓ ના કપડાંમાંથી સેન્ટની સારી સુગંધ આવતી હતી. બન્ને કોઈ ટપોરી ટાઈમના લાગતા નહોતાં. બંને આશરે 20 થી 21 વર્ષના હોય તેવું લાગતું હતું. એટલું જ નહીં બંને ઘણાં સમયથી મને ઓળખતા હોઈ અને પીછો કરતા હોઈ તેવું તેમની વાતો પરથી લાગતું હતું. તેઓ વાત વાતમાં મારા નામનો ઉલ્લેખ પણ કરતા હતા. રાતે મેં મારો સ્કાર્ફ ફેંકી દીધો, હું વારંવાર મોઢું ધોવું છું. મેં પીલો ટાઇટ પકડી રાખ્યો છે, હું એકલતા અનુભવી રહી છું. દુષ્કર્મ કરનારા મવાલી ટાઇપના ન હતા.

મેં કોઈનું શું બગાડ્યું હતું? મને દુ:ખ કેમ આપ્યું? યુવતીએ પોતાની જાતને અનેક સવાલો કર્યા હતા

યુવતીએ ડાયરીમાં લખી પોતાની જાતને અનેક સવાલો કર્યા હતા. યુવતીએ પોતાની જાત વિશે લખ્યું હતું કે, મારી સાથે જ કેમ આવું થયું? મે કોઈનું શું બગાડ્યું હતું? મને અડધું દુઃખ કેમ આપ્યું? મને મારી કેમ ન નાંખી? હું Oasisમાં શું જવાબ આપીશ? આ શહેર છોડી દૂર જતી રહું? પીડિતાની ડાયરીમાં મળેલાં આ પ્રકારના લખાણને કારણે પોલીસને ખૂટતી કડી મળી રહી છે. નોંધનીય છે કે આ કેસની તપાસ પોલીસની 35 ટીમ કરી રહી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 2 શકમંદોની અટકાયત કરી છે. ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવતી જ્યાં કામ કરતી હતી તે જગ્યાએ પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. NGO ઓએસીસની ઓફિસ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં છે, તેથી પોલીસે યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ સાથે વાત કરી છે.

પીડિત યુવતીનો વિસેરા રિપોર્ટ આવ્યો, આવતીકાલે FSL નો રિપોર્ટ આવશે

વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતના મામલામાં યુવતીનો વિસેરા રિપોર્ટ આવ્યો છે. વિસેરા રિપોર્ટમાં પોઈઝન કે અન્ય કેફી પદાર્થ ન આપ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિસેરા સેમ્પલ લઈ સુરત ખાતે લેબોરેટરીમાં મોકલ્યો હતો. હજી યુવતીનો એફ.એસ.એલ. રિપોર્ટ આવવાનો બાકી છે. આવતીકાલે એફ.એસ.એલનો રિપોર્ટ આવશે. કાલે યુવતી પર દુષ્કર્મ થયું કે કેમ તે સ્પષ્ટ થશે

Most Popular

To Top