Comments

વેકેશનનું “હોમ વર્ક” થોડાક કરવા જેવા પ્રયોગ

“મારો દીકરો વેકેશનમાં આપેલું હોમ વર્ક નહીં કરે’’.એક માથાફરેલ વાલીએ બાળકના વર્ગ શિક્ષકને આવો પત્ર દિવાળી વેકેશન વખતે મોકલી અને વર્ગશિક્ષકની સહી કરાવી. શાળાઓ વેકેશનમાં હોમવર્કના નામે વિદ્યાર્થીઓએ કરવાના કામનું એવું લીસ્ટ બનાવે છે, જાણે વેકેશન એ વેકેશન નહીં, પણ  વર્ક ફ્રોમ હોમ હોય. માતા પિતા પણ હોંશે હોંશે આ ફોર્મલ શિક્ષણનું ઘરમાં સ્વાગત કરે છે. વેકેશનમાં બાળકને શિક્ષણથી નાતો તૂટી ના જાય એ માટે, આ લેખિત ગોખણપટ્ટીનું કાર્ય આપવામાં આવે છે. સારી શાળાઓને બાદ કરતાં શિક્ષકો વચ્ચે કોર્ડીનેશન ના હોવાથી ઘણી વાર બાળકને એટલું બધું હોમવર્ક અપાય છે કે બાળક ખુદ એમ કહે કે આના કરતાં તો સ્કૂલ ચાલુ રાખો થોડું રમવા મળશે!

આપણે ત્યાં દીવાલ પર લખેલા શિક્ષણનાં સુવાક્યો એટલાં બધાં ઉત્તમ અને તત્ત્વજ્ઞાનથી ભરેલાં હોય છે કે તેને વાંચીને આપણી શિક્ષણવ્યવસ્થા વિષે વિચાર કરનારાને તો એમ જ થાય કે ભારતમાં મહાનતમ રીતે શિક્ષણ અપાઈ રહ્યું હશે. શિક્ષણ એટલે બાળકમાં માહિતી ભરવાની પ્રક્રિયા નહીં, કેળવણી એટલે બાળકના સર્વાંગી વિકાસની પ્રક્રિયા વગેરે. હા, તો જો તમે જાગૃત વાલી તરીકે ખરેખર બાળકના સર્વાંગી વિકાસ માટે કામ કરતા હો તો વેકેશનમાં એ જ પરમ્પરાગત હોમવર્કને બદલે બાળક પાસે વિવિધ પ્રવૃત્તિ કરાવજો.ખાસ તો દિવાળીનું વેકેશન અને ઉનાળુ વેકેશન આ બે અલગ કારણોસર પડતાં વેકેશન છે તે યાદ રાખજો. આ વેકેશન ઉત્સવ માટે છે ઉજવણી માટે છે. તહેવારોનું ખરું મહત્ત્વ ,પરંપરાઓમાં વહેતી વિચારધારા આ બધાથી બાળક પરિચિત થાય તે વાત તેને કરવાની છે.

સાથે સાથે આપણે એવાં કામ તેને શીખવવાં છે, જે શાળામાં શીખી શકતો નથી. વેકેશનને ખરેખર ઘડતરની પ્રક્રિયામાં સામેલ કરવું હોય તો કેટલાંક કામ બાળકની સાથે રહીને આપણે કરી શકીએ. એક તો બાળકને ઘરકામમાં મદદરૂપ થવું એ નાનપનું કામ નથી એ સમજાવો. ઘરમાં નાનો મોટો કચરો વાળવો, વાસણ ગોઠવવાં કે જમ્યા પછી ઉટકવા મૂકવાં, રસોડામાં બહેન કે મા ને મદદ કરવી, ચા કોફી બનાવતાં શીખવાડવી ખાસ તો જેમને પોતાનાં બાળકોને કેનેડા, ઓસ્ટ્રેલિયા કે બીજા દેશમાં ભણવા મોકલવાં છે તે આઈ એલ ટી એસ કે ટોફેલ સાથે ઘરકામની પણ તૈયારી કરાવે.

ખીચડી બનાવતાં કે  જાતે ચા કોફી બનાવતાં શીખેલાં સૌ ત્યાં ગયા પછી એવું ગૌરવ અનુભવે છે કે ના પૂછો વાત. માતા પિતા પણ હોંશે હોંશે કહે છે અમારા લાલાને બધું જાતે બનાવતાં આવડે છે એટલે આમ કોઈ તકલીફ નહીં. ઘરમાં નાનો બગીચો હોય, પોળ, સોસાયટીમાં વૃક્ષો હોય તો ત્યાં સંભાળ લેવાનું શીખવાડો. ખાસ તો છોકરીઓને થોડાં છોકરાઓનાં અને છોકરાઓને થોડાં છોકરીઓનાં કામ શીખવાડો, તો જ તેના મનમાં જે ગ્રંથી પડી છે કે આ કામ તો સ્ત્રીઓ જ કરે અને આ કામ પુરુષો તે નીકળશે. છોકરીઓ પાસે ખીલી લગાવવી, ખોદાકામ કરાવવું, વજન ઉપાડાવવું અને છોકરાઓ પાસે ગાજ બટન કરાવવાં.  મૂળ આ વિચાર ગાંધીજી આપીને જ ગયા છે. તમામ ગાંધીવાદી સંસ્થાઓમાં અઠવાડીએ એક વાર સફાઈનો વારો દરેકનો આવે તેવું હતું. હવે આ બહુ ઓછું થતું જાય છે.

બાળકોને કોમ્પ્યુટર અને મોબાઈલ વગરની આપણી પરમ્પરાગત રમતો સાથે બેસીને રમાડો. ઉત્તમ પુસ્તકો પરાણે વંચાવો. સારી ફિલ્મો બતાવો અને તેની ઘરમાં ચર્ચા કરો. પહેલાં દરેક મધ્યમ વર્ગીય ઘરોમાં ટેપરેકોર્ડર હતાં, જેમાં ગીત વાગતાં, ભજન વાગતાં, હવે સૌ એકલાં પડી ગયાં છે. મોબાઇલે આપણા મનોરંજનને વ્યક્તિગત બનાવી દીધું છે. આપણે ફરી ઈરાદાપૂર્વક તેને સામુહિક બનાવવું જોઈએ. સપ્તાહે જમીએ, સાથે ગીતો સાંભળીએ સાથે ફિલ્મ જોઈએ, સાથે ફરીએ.આ વેકેશનમાં કરવાં જેવાં કામ છે. આપણે શાળાઓને કહેવું જોઈએ કે  અમારાં બાળકોને વેકેશનમાં હોમ વર્ક ના આપશો. અમારી પાસે તેમને શીખવાડવાનું બીજું ઘણું છે.

આમ જુવો તો, કોરોના કાલ પછી ગુજરતમાં આ પ્રથમ વેકેશન છે, જે ખરા અર્થમાં વેકેશન છે. આ વેકેશનમાં ફરી વર્ક ફ્રોમ હોમની જેમ ઓૈપચારિક શિક્ષણમાં બાળપણ હોમી ના દેશો. ઘણાં માતા પિતા બાળકને વેકેશનમાં ટ્યુશન કે વિવિધ વર્ગોમાં મૂકી દે છે, આ યોગ્ય નથી. દિવાળી વેકેશનમાં બાળકને ઉત્સવ ઉજવવા દો. ચિત્રના, માટીકામના, સ્કેટિંગના, કરાટેના આવા વિવિધ  ટાઈમટેબલમાં આ વેકેશન ના પૂરો ,, એને ઘરે જ ચિત્રો દોરવા દો, રમતો રમવા દો, રંગોળી પુરાવો, આસોપાલવનાં તોરણો બંધાવો, ફૂલોના હાર બનાવવા દો, જાતે જ કાર્ડ બનાવવા દો. એના હાથમાં સતત મોબાઈલ હોય તો લઇ લો, એટલે એને વેકેશનનો અનુભવ થાય!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top