Comments

આપણું ભવિષ્ય આપણા હાથમાં..!

એવી અંધશ્રદ્ધા તો રાખવી જ નહિ કે, ૨૦૭૭ નું સંવત બદલાયું, એટલે ભલીવાર થવાનો.   સમય પ્રમાણે ભવિષ્ય પણ પાટલી બદલે દાદૂ..!  એ પણ હથેળી છોડીને બાવડાનો ખેસ પકડે. ભવિષ્યના ઘડતરની સાચી વિદ્યાપીઠ એટલે બાવડું!  બાવડે બાંધેલા ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવની માફક વધ-ઘટ થાય, પણ બનાવટ નહિ  થાય! આજકાલ તો ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો લુખેશ પણ ભવિષ્ય કાઢી આપે. એક વાર રડમુખાને હસમુખા તો બનાવે! જ્યારથી આ મોંઘવારી સ્વૈરવિહારી બની છે, ત્યારથી અમારા શ્રીશ્રી ભગાએ પણ બે  ટાંટિયા મેળવવા ‘પોપટવાળી’ ફ્રેન્ચાયસી લીધી. શ્રીશ્રી ભગો પણ મશહુર ભવિષ્યવેત્તા બની ગયો. સંવત ૨૦૭૮ ના વર્ષનું કાઢી આપેલું ભવિષ્ય એક વાર વાંચી તો જુઓ! વાંચશો એટલે ખબર પડશે, કે હસવાનો બફર સ્ટોક તો એની મંગલ મસ્તીમાં છે!

મેષ : સંવત ૨૦૭૮ નું વર્ષ તમારા માટે ખીચડી જેવું છે. ભાત અને ખીચડીના ભેદની પોલ આ વર્ષમાં ખુલવાના  યોગ છે. દર મંગળવારે વાયવ્ય ખૂણામાં બેસી ‘ગુજરાતમિત્ર’ની ‘મંગલ-મસ્તી’ કોલમ વાંચવી. તન-મન-ધન અને બુદ્ધિની વૃદ્ધિ પણ થશે અને યુવાની પાછી વળશે ને ટકી રહેશે એ બોનસ!  કાળજી એટલી જ રાખવાની કે જે વારે જનમ થયો હોય એ વારે  જમણી બાજુના ખિસ્સાવાળું ખમીશ પહેરવું. મેલી નજરમાંથી મુક્તિ મળશે. હૃદયભંગ થવાના યોગ હોવાથી પ્રેમ રતન ધન પાયોના ઉન્માદમાં કૂદકા મારવા નહિ!

વૃષભ : આ રાશીવાળાના જીવનમાં, સંવત ૨૦૭૮ થી ૩૦૦૦ સુધી સફળતા જ સફળતા છે.  સફળતાનાં સરિયામ વર્ષોનો કુંભઘડો આ વર્ષમાં મુકાવાનો છે. એક જ કાળજી રાખવી કે, ખોંખારો આવે તો દિલ્હીની દિશામાં મોં રાખીને ખાવો નહિ.  નવમે કેતુ હોવાથી કાન ભંભેરણીના યોગ છે. કાન ઉપર ‘માસ્ક’ બાંધવો ફળદાયી છે. મંગળનો ગ્રહ વક્રી હોવાથી, માગસર મહિનામાં આઈસ્ક્રીમ સાથે ભાત ખાવો હિતાવહ છે. સૂર્યાસ્ત સુધીમાં પાંચ સફેદ બળદના રોજ દર્શન કરવા હિતકારી છે.

મિથુન : તમારી રાશિમાં આ વરસે ચાર-પાંચ ગ્રહોનું ગઠબંધન થાય છે. એટલે કમર-ઘૂંટણ-માથું-ટેટાને પગના તળિયાનો દુખાવો રહેશે. બને તો કોઈની જાનમાં જવું નહિ. આ રાશિવાળી કુંવારી બહેનો માટે લગનના યોગ છે. પણ સંસારમાં સુખી થવું હોય તો, જેના નાકે કાળો તલ હોય એવા ઉમેદવારને બિનચૂક ‘રીજેક્ટ’ કરવો. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીએ, ધણીને ધાકમાં રાખવા માટે દર ગુરુવારે ‘પતિદેવ શરણં મમ’ ની ૧૧ માળા કરવી ને દર રવિવારે ૪૧ મીનીટનું મૌન પાળવું ને જાતે જ ઘરનાં કાતરિયાં સાફ કરવાં.

કર્ક :    સવારે ઊઠીને કરોળિયાનાં દર્શન કર્યા વગર કરવા ચા-પાણી નહિ કરવા એ આ જાતકો માટે લાભદાયી છે. નબળા ગ્રહોનો પડછાયો પડતો હોવાથી, દર શનિવારે પોતાના પડછાયાનું પૂજન કરવું. આ વર્ષ તમારા માટે થોડું કઠણ છે. એટલે શીર્ષાસનની સ્થિતિમાં જ ભોજન લેવાની સલાહ છે. સવારે દક્ષિણ દિશામાં દશ ડગલાં ચાલ્યા પછી જ, બાકીની દિશામાં વિહાર કરવો.

સિંહ : આ વર્ષ ફળદાયી હોવાથી, ફળો વધારે ખાવાં. પપૈયું ખાવાથી પેટ ભલે પપૈયા જેવું થાય, પણ પપૈયું  ખાવાથી જ લક્ષ્મીમાં ધરખમ વધારો થવાનો છે.  ડીઝલવાળા વાહનમાં જ મુસાફરી કરવી અને પાછલી સીટ ઉપર ઊંધા બેસવું. સરકારી કર્મચારીઓ માટે આ વર્ષ  લાભદાયી છે. એટલે ચાલુ નોકરીએ ઊંઘવું નહિ, સૂતેલા હશે તો લક્ષ્મીજી ઉઠાડવાનાં નથી ને ચાલી જશે. યાદ રાખવું કે ‘જો સોવત હૈ વો ખોવત હૈ! જો ખોવત હૈ, વો ફિર નહિ આવત હૈ!’

કન્યા : વરિષ્ઠ નાગરિકો માટે આ શ્રેષ્ઠ વર્ષ છે. અઠવાડિયામાં એક વાર સાસર પક્ષે વ્હોટસેપ કરવાની બાધા રાખવાથી વયવૃદ્ધિ વધવાના યોગ છે. દર અમાસે આખા કાંદાના કે અખંડિત રતાળુનાં ભજીયાં ખાવાં. જેમના દાંત મુંહ-ત્યાગ કરી ગયા હોય, એમણે પોતાની રાશિવાળાં બાળકોને દર રવિવારે ચોકલેટ ખવડાવવી. મીઠાશની વૃદ્ધિ થશે ને ગ્રહો સીધી લીટીમાં ચાલતા રહેશે.

તુલા :  આ રાશિઓવાળી સાસુઓએ સંભાળીને રહેવું. બારમે રહેલો રાહુ વહુઓને તપેલી રાખશે.  ચાહના મસાલાને બદલે, ગરમ મસાલો નાંખીને ચાહ પીવડાવે તો પણ, થેંક્યું કહેવું,  બને ત્યાં સુધી ચૌદશના દિવસે ‘હેર ડાય’ કરવી ટાળવી.  કચુંબરમાં કોબી, મૂળા કે કોબીઝને બદલે વેંગણનું કચુંબર  ખાવાથી, ઓડકારો સુગંધી આવશે ને વહુઓ વશમાં રહેશે. નવરા બેસીને માખી-હત્યા કરવાને બદલે, બાળકોનું ‘બેબી સીટીંગ’ કરવું.

વૃશ્ચિક : આ જાતકોને સંવત ૨૦૭૮ માં આકરી ગ્રહ દશા હોય, આખું વર્ષ સફેદ વસ્ત્રો જ ધારણ કરવાં. હાથમાં સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જમણા કાંડે ઊંધી પહેરવી. છીંક આવે તે દિવસે નકોરડો ઉપવાસ કરવો. રમેશ ચાંપાનેરીની હાસ્યની કોલમ વાંચવાથી મગજ શાંત થશે ને વિચારો ચગડોળે ચઢવાને બદલે વિમાનમાં મુસાફરી કરતાં હોય એવી ફીલિંગ આવશે. દર મંગળવારે પાંચ કલાકારોને મગની દાળનો શીરો ખવડાવવો અથવા રોજનું ટી.વી.માં કે રૂબરૂ  રાહુલદર્શન કરવું ફાયદાકારક છે.

ધન : આ વર્ષમાં કબજિયાત રહેવાના યોગ છે. રોજ સવારે સાયગલનાં બે ગીત સાંભળવાથી રાહત થશે. ચંદ્રની મહાદશા હોય, પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહિ. બેરોજગાર યુવાનોને રોજગાર મળવાના સંકેતો છે.  ત્રણ તાળીના ગરબા ગાવા નહિ. ઉંદરને રોજ સિંગદાણાનો અડધો લાડુ ધરાવવો, ને અડધો પોતાની કે કોઈની પણ સાસુને ખવડાવવાથી સંજોગો કાબૂમાં રહેશે.

મકર : આ રાશિવાળા ઉપર ઇન્કમ ટેક્ષવાળાની નજર રહેવાની છે. માટે ઊડતા વિમાન સામે જોવું નહિ. ગુટખાનું વ્યસન હોય તો ત્યાગ કરવો ને ગુટખાનું તોરણ પહેરીને સસરાને પગે લાગવાથી પનોતીમાં રાહત થશે. ખિસ્સામાં મગરનો ફોટો રાખી, આંખ ખુલ્લી રાખીને ઊંઘવાની પ્રેકટીસ કરવી. ગ્રામ-દેવતાના મંદિરે જઈને, પીળાં વસ્ત્રો ધારણ કરીને પગે લાગવાથી રાહત રહેશે. આ વર્ષમાં દાઢી-મૂછ વધારવી લાભકારી નથી.

કુંભ : આ વરસે કોઈ પણ નેતાની અડફટે ચઢવું નહિ. ઉપલા ખિસ્સામાં કમળનું ફૂલ રાખીને ફરવું, બહેનો અંબોડામાં કમળનું ફૂલ રાખે તો ગ્રહોને નડતરરૂપ નથી. વર્ષ દરમ્યાન ‘ગાયનેક’ પ્રોબ્લેમ એટલે કે, ગાય શીંગડાં મારે એવા બનાવો બનશે તેથી ચેતતાં રહેવું.  ચૂનો લાગી જવાની પૂરી સંભાવના છે. દાઢીને ડાય કરવાથી  શનિદેવ  નારાજ થશે, દાઢીને ડાય નહિ કરવા સલાહ છે.

મીન : આ રાશિનાં જાતકો, ફણીધરની માફક મુશ્કેલીમાંથી બહાર નીકળી રહ્યા છે. શનિની સાડા સાતી પૂરી થવાની તૈયારી છે. ગોળના ખાલી માટલામાં તુલસી રોપી પૂર્વ દિશામાં ઘડો મૂકવાથી તમામ ગ્રહો વશમાં રહેશે. કિન્નર કરતાં સ્થિતિ સારી હોય તો કિન્નરને દાન કરતાં રહેવું, વર્ષમાં એક મહિનો ધોતિયું પહેરવાની બાધા રાખવી. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી ફિલ્મોનાં સ્વપ્નાઓ આવવાના યોગ છે. રાખી (સામંત) સ્વપ્નમાં આવે તો, પથારીમાંથી ઊભા થઇ જવું, પણ ઊંઘવું નહિ.

લાસ્ટ ધ બોલ

શ્રીશ્રી ભગાએ હસવા-હસાવવા માટે રાશિ ભવિષ્યમાં જે કંઈ બતાવ્યું હોય તે,  પણ એક વાત નક્કી કે, શેરડી ખાવાની માંડ મઝા આવે ત્યાં ગાંઠ આવે જ. મૂળ નકલના જેટલી કીંમત ઝેરોક્ષની હોતી નથી. વિશ્વાસ સ્ટીકર જેવો છે, એક વાર ઉખેડી લીધા પછી પાછો પહેલાંની માફક વળગતો નથી. માણસની છાપ અને છાપું સારું બાંધેલું સારું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top