Editorial

માણસજાતને કપાળે લખાયેલી કમનસીબી: ભૂકંપ

સોમવારનો દિવસ તુર્કી માટે ખૂબ દુ:ખદ સંજોગો લઇને ઉગ્યો. ત્યાં વહેલી સવારે આવેલા પ્રચંડ ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને બીજા હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે અને માલ મિલકતને વ્યાપક નુકસાન થયું છે. પાડોશના સિરીયામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં જાનહાનિ થઇ છે. ભૂકંપના આ સમાચારોએ આખી દુનિયાને હચમચાવી નાખી છે. સેંકડો લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય સેવાય છે જ્યારે આ વિસ્તારના શહેરો અને નગરોમાં બચાવ કાર્યકરો કાટમાળમાં શોધખોળ ચલાવી રહ્યા છે.

સરહદની બંને બાજુએ ઠંડી, વરસાદ અને બરફવર્ષા યુક્ત રાત્રિમાં સૂઇ રહ્યા હતા ત્યારે વહેલી સવારે સૂર્યોદય પહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોએ બચવા માટે દોડા દોડી કરી મૂકવી પડી હતી. તૂટી પડેલી ઇમારતો હેઠળ હજારો લોકો દબાયા હતા અને ધરતીકંપ પછીના આંચકાઓએ આ પ્રદેશને હચમચાવવાનું ચાલુ રાખ્યું હતું. તુર્કીયેના અનેક શહેરોમાં બચાવ કાર્યકરો કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને કાઢવા માટે પ્રયાસો કરી રહ્યા છે. દરેક મોટા ભૂકંપ પછી ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જે દ્રશ્યો જોવા મળે છે તે જ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. તૂટી પડેલી ઇમારતો, લાશોના ઢગલાઓ અને ઇજાગ્રસ્તોને લઇને દોડતા રાહત કાર્યકરો અને એમ્બ્યુલન્સ જેવા વાહનો. એક વાર જ્યાં મોટો ભૂકંપ આવી જાય તેના પછી તે વિસ્તારને ફરી બેઠો થતા અને ત્યાં જનજીવન થાળે પડતા ઘણો સમય લાગે છે અને સ્વાભાવિક રીતે અહીં પણ એવું જ થશે.

આ ભૂકંપ એક તુર્કીશ પ્રાંતના પાટનગર ગાઝીએન્તેપની ઉત્તરે ઉદગમબિંદુ ધરાવતો હતો અને પ્રથમ આંચકો છેક ઇજિપ્તના કેરો શહેર સુધી લાગ્યો હતો. દમાસ્કસ શહેરના લોકો પણ ઘરોની બહાર નિકળી આવ્યા હતા. લેબેનોનના બેરૂત શહેરમાં પણ લોકો પથારીઓમાંથી જાગી ગયા હતા. તુર્કીશ પ્રમુખ રિસપ તૈયિપ એર્દોગને જણાવ્યું હતું કે ભૂકંપ ઝોનમાં ઘણી ઇમારતોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે તેથી મૃતકો અને ઇજાગ્રસ્તોનો આંકડો કેટલો વધશે તે હાલ અમે જાણતા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે એક રાષ્ટ્ર તરીકે એકતા સાથે આ હોનારતભર્યા દિવસોમાંથી બહાર આવી જઇશું.

હવે જેનું નામ બદલીને તુર્કીયે કરવામાં આવ્યું છે તે તુર્કીનો આ પ્રદેશ મોટી ભૂગર્ભ ફોલ્ટ લાઇન પર વસેલો છે અને ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે. ઉત્તર પશ્ચિમ તુર્કીમાં ૧૯૯૯માં એક મોટા ભૂકંપમાં ૧૮૦૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા. આ પહેલા ત્યાં ૧૯૩૯માં તો એક વિસ્તારમાં થયેલા પ્રચંડ ધરતીકંપમાં ૩૩૦૦૦ જેટલા લોકો માર્યા ગયા હતા. આમ તો વિશ્વના મોટા ભાગના વિસ્તારો પર થોડે ઘણે અંશે ધરતી કંપનું જોખમ તોળાતું હોય છે પરંતુ કેટલાક વિસ્તારો ભૂકંપનું મોટું જોખમ ધરાવતા હોય છે. ખાસ કરીને ફોલ્ટ લાઇન પર વસેલા પ્રદેશો ભૂકંપનું વધુ જોખમ ધરાવતા હોય છે. આપણા ગુજરાતનો કચ્છનો વિસ્તાર આવી જ ફોલ્ટ લાઇન પર આવેલો વિસ્તાર છે અને ત્યાં આપણે ૨૦૦૧માં પ્રચંડ ભૂકંપ જોયો છે.

આપણા હિમાલયના વિસ્તારો પણ સક્રિય ભૂગર્ભ હિલચાલ ધરાવતા વિસ્તાર છે અને ભૂકંપનું મોટું જોખમ ધરાવે છે. તુર્કીયે કરતા સીરિયામાં ભૂકંપથી જાનહાનિ ઓછી છે, ઇજાઓ પણ ઓછા લોકોને થઇ છે પરંતુ તેમ છતાં હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ભરાઇ ગઇ છે કારણ કે અહીં ખાસ કરીને બળવાખોરોના વિસ્તારમાં તો પુરતી આરોગ્ય સવલતો જ નથી. સીરિયામાં એક દાયકા જેટલા સમયથી સરકાર અને બળવાખોરો વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તેનાથી અસરગ્રસ્ત લોકોની સ્થિતિ આ ભૂકંપે વધુ મુશ્કેલ બનાવી છે.

બળવાખોરોના વિસ્તારમાં અનેક ઇમારતો સરકારી દળો અને તેને મદદ કરતા રશિયન દળોના બોમ્બમારાથી આમ પણ નબળી પડી ગઇ છે અને તેમાં રહેતા લોકોની હાલત વધુ મુશ્કેલ બની શકે છે. પાકૃતિક આપત્તિઓમાં માનવ સર્જિત મુશ્કેલીઓ પીડિત જનોના દુ:ખમાં કેવો વધારો કરી શકે છે તેનું આ ઉદાહરણ છે. આપણે અગાઉ જ જોયું તેમ ફોલ્ટ લાઇન પર વસેલા કે મોટા પાયે ભૂગર્ભ હિલચાલો ધરાવતી જમીન પર વસેલા પ્રદેશોમાં ભૂકંપનું જોખમ વધારે રહેલું હોય છે. પરંતુ ભૂકંપ કહો કે ધરતીકંપ, તેની બાબતમાં બીજી પણ એક નોંધપાત્ર બાબત એ છે કે આ આપત્તિ અન્ય પ્રાણીઓ કરતા માણસને જ વધુ પીડા પહોંચાડે છે અને માણસની જ જાનહાનિ વધુ સર્જે છે.

મકાનો બનાવીને તેમાં સગવડો સાથે અને ટાઢ, તાપ, વરસાદ જેવા પરિબળો સામે રક્ષણની સાથે માણસ રહે છે પરંતુ મકાનોમાં રહેવાનું તેને ભૂકંપ વખતે ભારે પડી જાય છે. મકાનો પડી જવાથી જ વ્યાપક જાનહાનિઓ, ઇજાઓ અને વ્યાપક નુકસાનના દ્રશ્યો ધરતીકંપ વખતે સર્જાય છે. ખુલ્લામાં રહેતા, ગુફામાં વસતા કે માળો બનાવીને રહેતા પશુ-પક્ષીઓને ભૂકંપથી નહીંવત નુકસાન થાય છે. હા, માણસની સાથે વસતા પાલતુ પશુઓને ભૂકંપથી નુકસાન થઇ શકે છે કે તેમનો જીવ પણ જઇ શકે પરંતુ ભૂકંપ એ એક એવી આપત્તિ છે જે મહદઅંશે માણસને માટે જ દુ:ખદ સંજોગો સર્જતી હોય છે.

Most Popular

To Top