Gujarat

મોંધવારી-બેરોજગારી માટે ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિ જવાબદાર: કોંગ્રેસ

અમદાવાદ : એક સમય હતો જ્યારે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી (Inflation) અને બેરોજગારીથી (Unemployment) મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું. આનાથી વિપરિત આજે તેમણે લોકોને રેકૉર્ડ બ્રૅકિંગ ભાવવધારો અને 45 વર્ષોમાં સૌથી વધુ બેરોજગારીની ભયાવહ સ્થિતિમાં નાખી દીધા છે. છેલ્લા આઠ વર્ષમાં મોદી સરકારનો રેકૉર્ડ આ વાસ્તવિકતાને ઉજાગર કરે છે, 2014માં સત્તામાં આવ્યા પછી વડા પ્રધાન મોદી માત્ર મોંઘવારીને નિયંત્રણમાં લાવવામાં તો નિષ્ફળ રહ્યા જ છે, પણ આ ઉપરાંત તેમની ખોટી નીતિઓ અને છેતરપિંડીએ ખરેખર લોકોની તકલીફોમાં અનેક ગણો વધારો કર્યો છે, તેવું મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી યશોમતિ ઠાકુરે જણાવ્યું હતું.

આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં સોમવારે યશોમતિ ઠાકુરે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાને 2019માં મતદારોને વચન આપ્યું હતું કે, ખાદ્યાન્ન, દહીં, લસ્સી અને છાસ જેવી આવશ્યક વસ્તુઓને જીએસટીના વર્તુળની બહાર રાખવામાં આવી છે, પણ 2022માં તેમણે આ વસ્તુઓ પર પણ જીએસટી લગાડ્યો. તેમણે 2019ની ચૂંટણીઓમાં લોકોના મત લેવા માટે ઉજ્જવલા યોજનાનો જોરદાર પ્રચાર કર્યો, પણ ચૂંટણી પુરી થતાં જ તેમણે સંવેદનહીનતા દેખાડતા ગૅસ પર અપાતી સબસિડી દૂર કરી નાખી, રાંધણ ગૅસના ભાવમાં બમણાથી વધુનો વધારો કરીને તેને સિલિન્ડર દીઠ 1,053-1200 રૂપિયા સુધી પહોંચાડી દીધો અને કરોડો વપરાશકર્તાઓ આજે પોતાના ખાલી સિલિન્ડરને રિફિલ કરાવવી શકે એવી સ્થિતિમાં નથી. આ એ બધી જ બાબતોમાંથી એવા માત્ર બે ઉદાહરણો છે જ્યાં વડા પ્રધાને ભારતના લોકોના મતો મેળવ્યા પછી તેમની સાથે દગો કર્યો છે અને પોતાની ‘ડૂબી મરો’ની વિચારધારાને અનુસરતાં તેમણે લોકોની પીઠમાં ખંજર ખોસ્યું છે. જનતા સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે.

યશોમતિ ઠાકુરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની દિશાવિહિન નીતિઓએ બેકારીની સ્થિતિને વિનાશકારી વણાંક પર લાવી મૂકી છે. નોટબંધી અને ઉતાવળે લાગુ કરાયેલી જીએસટી પ્રણાલી પહેલેથી જ અર્થતંત્ર પર બહુ ગંભીર અને ઊંડો આઘાત કરી ચૂકી છે, આ બધાથી ઉપર મોદી સરકાર સાર્વજનિક ઉપક્રમોને એક પછી એક બંધ કરી રહી છે, તેનું ખાનગીકરણ કરી રહી છે તથા બહુમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિને પોતાના મૂડીવાદી મિત્રોના હાથમાં સોંપી રહી છે. સરકારની આ યુવાનો વિરોધી નીતિઓને કારણે કેન્દ્ર સરકારમાં દસ લાખ નોકરીના પદ ખાલી પડ્યા છે, જે કુલ મંજૂર પદોના 24 ટકા છે.

4થી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લાબોલ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઊભી છે. સંસદથી સડક સુધી અમે ભાજપ સરકારની અક્ષમતા અને આ દિશાવિહીન નીતિઓ જેના કારણે ભારતમાં મોંઘવારી અને બેકારીમાં અભૂતપૂર્વ વધારો થયો છે તેની સામે અવાજ ઉપાડ્યો છે. જૂન 2021થી અત્યાર સુધીમાં અમે સાત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને જન જાગૃતિનાં કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પાંચમી ઑગસ્ટ મોંઘવારી વિરુદ્ધ પોતાના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો પછી કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી પર હલ્લા બોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top