Sports

IPLમાં પોતાના પ્રદર્શનથી ઝળકેલા અનકેપ્ડ ખેલાડીઓએ સ્ટાર ખેલાડીઓને ઝાંખા પાડ્યા

હાલમાં જ પુરી થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં અમદાવાદ ખાતે રમાયેલી ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની હતી. આઇપીએલમાં હાલની સિઝનમાં જો કે જે મોટા સ્ટાર ખેલાડીઓ પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહોતા, પણ જો આઇપીએલના લીગ સ્ટેજને ધ્યાને લેતા એટલું સમજાયું છે કે દેશમાં એવા કેટલાક યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે કે જેઓ કોઇ સ્ટાર ખેલાડીથી કમ નથી. અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ ન રમી શકેલા આવા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડી કહેવાય છે અને આવા અનકેપ્ડ ખેલાડીઓએ જે ક્ષમતા આઇપીએલમાં દર્શાવી હતી તેનાથી સ્ટાર ખેલાડીઓ ઝાંખા પડી ગયા હતા એવું કહી શકાય. ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનનો લીગ સ્ટેજ પુરો થયા પછી દરવખતની જેમ આ વર્ષે  પણ આઈપીએલમાં કેટલાક યુવા અનકેપ્ડ ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી આ આઈપીએલને યાદગાર બનાવી હતી. આ ખેલાડીઓમાં સૌથી ઉપર છે મુંબઇ ઇન્ડિયન્સ માટે પ્રથમ વખત આઇપીએલ રમનારા તિલક વર્મા. તેણે પોતાની બેટીંગથી માત્ર એક અલગ ઓળખ જ નથી બનાવી પણ જ્યારે રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ જેવા બેટ્સમેનો પણ રન બનાવવા માટે સંઘર્ષ કરતાં હતા ત્યારે ત્યારે તેણે મુંબઇ ઇન્ડિયન્સ વતી રન બનાવ્યા હતા અને તે પણ ખુબસુરત ફટકાઓ મારીને. આ સિવાય અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, મોહસીન ખાન, ઉમરાન મલિક અને રિન્કુ સિંહ પણ આ સિઝનમાં ઝળકેલા નામ છે.

તિલક વર્મા :
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે આ સિઝન ભલે સૌથી ખરાબ રહી હોય, પરંતુ જો તેમના માટે આ સિઝનમાં કંઇ પોઝિટિવ રહ્યું હોય તો તે છે અનકેપ્ડ ખેલાડી તિલક વર્માની બેટિંગ. તેણે એવી બેટીંગ કરી છે કે જેના કારણે તેઓ સિઝનને ક્યારેય ભૂલી શકશે નહીં. તિલક વર્માએ આ સિઝનમાં મુંબઈ માટે 14 મેચમાં 36.09ની એવરેજ અને 131.02ના સ્ટ્રાઈક રેટથી 397 રન બનાવ્યા હતા અને તેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 61 રન હતો. મુંબઇ વતી સર્વાધિક રન બનાવનારાઓમાં તેનું નામ પણ સામેલ રહ્યું હતું.

અભિષેક શર્મા :
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પણ આઇપીએલની હાલની સિઝન કંઇ ખાસ રહી ન હતી પરંતુ આ સિઝનમાં કેપ્ટન કેન વિલિયમસનના ખરાબ ફોર્મ છતાં બેટીંગની જવાબદારી સંભાળીને ટીમને સારી શરૂઆત અપાવવાનું કામ અભિષેક કર્યું હતું. અભિષેક શર્માએ 14 મેચમાં 30.42ની એવરેજ અને 133.12ની એવરેજથી 426 રન બનાવ્યા છે. તેની ટીમ હૈદરાબાદે આ સિઝનનો અંત 14 મેચમાં 6 જીત સાથે કર્યો હતો, જેમાં ટીમ વતી સર્વાધિક રન કરવામા અભિષેકનું નામ આગળ પડતું રહ્યું હતું.

રાહુલ ત્રિપાઠી : 
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે મિડલ ઓર્ડરનો જીવ તરીકે ઓળખાતા રાહુલ ત્રિપાઠીએ પણ આ સિઝનમાં પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. સિઝનના પહેલા હાફમાં જ્યારે હૈદરાબાદની ટીમ સતત પાંચ મેચ જીતીને પ્લેઓફ તરફ ઝડપથી આગળ વધી રહી હતી ત્યારે ત્રિપાઠી તે સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો. ત્રિપાઠીએ 14 મેચમાં 158.23ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 413 રન બનાવ્યા હતા. જો કે આ શાનદાર પ્રદર્શન બાદ પણ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી.

ઉમરાન મલિક :
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ભલે લીગ સ્ટેજમાં બહાર થઈ ગઈ હોય પરંતુ આ ટીમના બોલર ઉમરાન મલિક માટે આ સિઝન યાદગાર બની ગઈ. તેણે આ સિઝનમાં 14 મેચમાં 22 વિકેટ લઈને સનસનાટી મચાવી છે. તેણે 9.03ની ઇકોનોમીથી બોલિંગ કરીને તેમની ટીમની સફર જ્યાં પુરી થઇ ત્યાં સુધીમાં 22 વિકેટ લીધી હતી. જો સનરાઇઝર્સ પ્લેઓફ રમી હોત તો કદાચ ઉમરાન મલિક પર્પલ કેપ હોલ્ડર પણ બની શક્યો હોત. તેને તેના પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં જગ્યા પણ મળી હતી.

રિન્કુ સિંહ :
ઉત્તર પ્રદેશના અલીગઢની મૂળ વતની રિન્કુ સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની એક અલગ ઓળખ બનાવી છે, પહેલા જે ક્રિકેટર માત્ર પોતાની ફિલ્ડીંગને કારણે ચર્ચામાં રહેતો હતો તેણે રાજસ્થાન રોયલ્સ સામે સોમવારે રમાયેલી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વતી માત્ર 23 બોલમાં 42 રન બનાવીને પોતાની ટીમને જીત સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને જે રિન્કુ પહેલા માત્ર સબસ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે પોતાની કાબેલિયત મેદાનમાં દર્શાવતો હતો તે હવે એક બેટ્સમેન તરીકે પોતીની ટીમને જીતાડી ગયો હતો.

કુમાર કાર્તિકેય :
મુંબઈ ઈન્ડિયન્સ વતી આઈપીએલ રમવાની શરૂઆત કરનારા ડાબા હાથના સ્પિનર કુમાર કાર્તિકેયે પોતાની પહેલી જ મેચમાં ખૂબ પ્રભાવિત કર્યા હતા. બોલીંગ કરતી વખતે બોલ પરના તેના નિયંત્રણ અને વિવિધતાની ક્રિકેટ નિષ્ણાતોએ ખૂબ પ્રશંસા કરી હતી. ટી-20માં સફળ કારકિર્દી બનાવવા માટે માત્ર છ મહિના પહેલા જ આ યુવા ખેલાડી ફિંગર અને રિસ્ટ સ્પિનર તરીકે પોતાની જાતને ઢાળી લીધી હતી. ડેબ્યૂ મેચમાં કાર્તિકેયે ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની મહત્વની વિકેટ લીધી હતી.

Most Popular

To Top