Madhya Gujarat

વિદ્યાનગર શરમમાં મુકાયું: ટ્યૂશનના બહાને આવતા શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે દૂષ્કર્મ આચર્યું

આણંદ : વિદ્યાધામ વિદ્યાનગરમાં ઘરે અભ્યાસ કરાવવા આવતા આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલના શિક્ષકે સગીર વયની વિદ્યાર્થિનીને ઓછા માર્ક્સ આપવાની ધમકી આપી જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આથી, વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વિદ્યાનગરની આઈ.બી. પટેલ ઇંગ્લીશ સ્કૂલમાં અભ્યાસ કરાવતા દર્શન સુથાર નામના શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને હચમચાવી નાંખતું કૃત્ય આચર્યું હતું. દર્શન સુથારના વર્ગમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિ ઇંગ્લીશ વિષયમાં નબળી હોવાથી તેને વધુ અભ્યાસ કરાવવા તેના ઘરે જતાં હતાં. માર્ચ માસ દરમિયાન તેઓએ તેના ઘરે જઇ ટ્યુશન શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન વિદ્યાર્થિનીના ઘરે કોઇ ન હોવાથી દર્શન સુથારની દાનત બગડી હતી અને તેણે કોમ્પ્યુટરના પેપરમાં માર્ક્સ નહીં અપાવે તેમજ બોર્ડની પરીક્ષાના પેપર તેઓ ચેક કરવાના હોય પરીક્ષામાં પાસ નહીં કરે તેવી ધાક ધમકીઓ આપી વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. અવાર નવાર મરજી પડે ત્યારે દૂષ્કર્મ આચરતાં હોવાથી વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો હતો. આથી, દર્શન સુથારે તેને આ બાબતે કોઇને જાણ કરીશ તો હું તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. આખરે આ બાબતે વિદ્યાર્થિનીએ માતા – પિતાને વાત કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે દર્શન સુથાર (આઈબી પટેલ ઇંગ્લીશ સ્કૂલના શિક્ષક) સામે ગુનો નોંધી તેની અટક કરી હતી.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
વિદ્યાનગરના દર્શન સુથારના વર્ગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઇંગ્લીશ વિષયમાં નબળી હોવાથી તેના ટ્યુશન માટે ઘરે જતાં હતાં. જોકે, બે માસમાં તેણે વિદ્યાર્થિનીનું જીવતર નર્ક બનાવી દીધું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, વિદ્યાર્થિનીના માતા – પિતા શિક્ષિત વર્ગમાંથી આવે છે અને બન્ને વ્યવસાય અર્થે દિવસભર બહાર હોય છે. આ સમયે  વિદ્યાર્થિની ઘરે એકલી જ રહેતી હતી અને ટ્યુશનને બહાને આવતા દર્શન સુથારે એકલતાનો ગેરલાભ લીધો હતો.

Most Popular

To Top