Gujarat

ગુજરાતના બે વેટલેન્ડનો હવે રામસર સાઈટની યાદીમાં સમાવેશ

ગાંધીનગર: રામસર કન્વેન્શન હેઠળ ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારોને હવે રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં થોળ પક્ષી અભ્યારણ્ય અને વઢવાણ વેટલેન્ડ વિસ્તારનો સમાવેશ થાય છે.પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વીટ કરી કહ્યું હતું કે, ગુજરાતના બે વેટલેન્ડ વિસ્તારો સહિત ભારતમાં ચાર વેટલેન્ડને હવે રામસર સાઈટની યાદીમાં સમાવવામાં આવ્યા છે.

તે આપણા માટે ગૌરવની વાત છે. આ સાથે ભારતમાં રામસર સાઈટની સંખ્યા વધીને 46 થઈ છે. થોળ પક્ષી અભ્યારણ્યમાં 320 પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. જ્યારે વઢવાણ પક્ષી અભ્યારણ્યમાં 80 પ્રકારનાં પક્ષી શિયાળામાં સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત 2012માં નળ સરોવરનો પણ રામસર સાઈટની યાદીમાં સમાવેશ કરાયો હતો.

રામસર એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય કરાર છે. જેના પગલે વેટલેન્ડની જાળવણી અને તેના સંવર્ધન માટે પગલાં લેવાઈ રહ્યાં છે. 2 ફેબ્રુઆરી-1971ના રોજ ઈરાનના રામસર શહેર ખાતે આ આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યો હતો. જેના પગલે તેને રામસર કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે.

રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે. જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકો સિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા ટકાઉક્ષમ માનવજીવન માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.
જળ સંતૃપ્ત જમીનો ભોજન, પાણી, રેસા, ભૂગર્ભ જળ રિચાર્જ, પાણીનું શુદ્ધીકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત વ્યાપક શ્રેણીમાં મહત્ત્વપૂર્ણ સંશાધનો અને ઇકો સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે અને આપણો તાજા પાણીનો મુખ્ય પૂરવઠો સંખ્યાબદ્ધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે.

ગુજરાતમાં આવેલું થોળ તળાવ વન્યજીવ અભ્યારણ્ય એશિયન ફ્લાઇવેમાંથી એક છે અને 320 કરતાં વધારે પ્રજાતિઓ અહીં મળી આવે છે. આ જળ સંતૃપ્ત ભૂમિ 30 કરતાં વધારે લુપ્ત થવાનું જોખમ ધરાવતી જળાશયોની પ્રજાતિઓને સમર્થન આપે છે. જેમાં અત્યંત જોખમી સ્થિતિમાં રહેલાં સફેદ પીંછાવાળાં ગીધ અને મિલનસાર લેવપિંગ તેમજ લુપ્ત થવાના આરે રહેલા સારસ, સામાન્ય પોચર્ડ (બતક) અને કલહંસ (ઓછાં સફેદ ફ્રન્ટેન્ડ બતક) સામેલ છે.

વઢવાણમાં આવેલી જળ સંતૃપ્ત ભૂમિ તેના પક્ષી જીવન માટે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે. કારણ કે, તે જળાશયોનાં યાયાવર પક્ષીઓ માટે શિયાળામાં આશ્રયસ્થાન છે. જેમાં મધ્ય એશિયન ફ્લાઇવેમાંથી આવતાં 80થી વધારે પ્રજાતિનાં પક્ષીઓ છે. તેમાં કેટલાક લુપ્ત થવાની નજીકમાં હોય અથવા અત્યંત લુપ્ત થવાનું જોખમ હોય તેવા પક્ષીઓ જેમ કે પલ્લાસનાં ફીશ ઇગલ, જોખમી સ્થિતિમાં રહેલા સામાન્ય પોચર્ડ (બતક) અને લુપ્તપ્રાપ્ય ડાલ્મેટિયન પેલિકન, ભૂખરા માથાવાળી ફીશ ઇગલ અને ફેરગિનસ બતક સામેલ છે

Most Popular

To Top