SURAT

સુરતમાં છેલ્લા 10 વર્ષમાં બે વખત ગરમીનો પારો 43 ને પાર, લોકો ત્રાહિમામ

સુરત: શહેરમાં એપ્રિલ (April) મહિનાનું છેલ્લું અઠવાડિયું અતિભારે સાબિત થયું છે. ગરમીએ એપ્રિલ મહિનાનો બે વર્ષનો રેકોર્ડ બ્રેક (Record break) કર્યો હતો. છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ મહિનામાં ચોથી વખત તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જો કે, આકરી ગરમી (Heat) અને ગરમ પવનના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.

  • શહેરમાં સૂર્યના પ્રકોપથી લોકો તોબા પોકારી ઉઠ્યા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ગરમીના તેવર વધુને વધુ આકરા બની રહ્યા છે. ગરમીમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાતા લોકોને પંખા નીચે પણ પરસેવો છૂટી ગયો હતો. શહેરમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી વધારા સાથે 42 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 25 ટકા ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. રાજ્યમાં બે દિવસથી ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવન શરૂ થયા છે. અને આ પવન શરૂ થતાની સાથે જ ગરમીનો પારો ગઈકાલે 42 ડિગ્રીએ પહોંચતા રેકર્ડ બ્રેક ગરમી અનુભવાઈ હતી. ગઈકાલે શહેરમાં કાળઝાળ ગરમી અને હિટવેવથી લોકો ત્રસ્ત થયા હતા. એપ્રિલ મહિનાની ગરમીનો મિજાજ જોઈને મે મહિનાની ગરમી કેવી રહેશે તેનો અનુમાન લગાવી શકાય છે. મે મહિનામાં ઉનાળો લોકો માટે અસહનીય બની શકે છે.

10 વર્ષમાં બે વખત પારો 43 ને પાર રહ્યો
છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ મહિનામાં ચાર વખત ગરમીનો પારો 42 ડિગ્રીએ કે તેથી વધારે નોંધાયો છે. જેમાં વર્ષ 2015 માં 42.2 ડિગ્રી, વર્ષ 2017 માં 43 ડિગ્રી, વર્ષ 2019 માં 43.6 ડિગ્રી અને અત્યારે 2022 માં 42 ડિગ્રી નોંધાયું છે. આ સિવાયના વર્ષોમાં ગરમીનો પારો 42 ડિગ્રીની નીચે રહ્યો હતો.

1952 માં એપ્રિલ મહિનામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીનો મિજાજ વધારે આકરો જોવા મળી રહ્યો છે. તેમાયે છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો વધતો વધતો ગઈકાલે બે વર્ષનો રેકર્ડ તોડ્યો હતો. એપ્રિલ મહિનાનો અત્યારસુધીનો રેકોર્ડ વર્ષ 1952 માં નોંધાયો હતો. જેમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સુરતમાં આકરી ગરમી વચ્ચે વીજ કંપનીના શટડાઉનને પગલે સેંકડો લોકો પરેશાન
સુરત શહેરમાં આજે ઉનાળાની સીઝનના સૌથી ગરમ દિવસ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લિંબાયત, ડિંડોલી, ગોદાડરા તેમજ અડાજણ અને રામનગર સહિતનાં વિસ્તારોમાં શટડાઉન આપવામાં આવતા લોકો આખો દિવસ ગરમીમાં હેરાન થયા હતાં.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા માર્ચ મહિનામાં લોકો રૂપિયા નહીં ભરે, અને કનેકશન લોસ થાય તેવા ભયનાં કારણે માર્ચ મહિનાનાં શટડાઉનને એપ્રિલ મહિનામાં ડાયવર્ટ કરવાની વિચિત્ર સિસ્ટમ અમલી બની છે. જેનાં કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી લોકો કાળઝાળ ગરમી વચ્ચે હેરાન થઇ રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં સિટી સર્કલના વિસ્તારોમાં જોવા જઇએ તો લિંબાયત, ડિંડોલી, ગોડાદરા, અડાજણ તેમજ રામનગર વિસ્તારમાં સવારે 10 વાગ્યાનાં ટકોરે વીજ કનેકશન બંધ કરી દેવામાં આવ્યાં હતાં અને સાંજે 5 વાગ્યા સુધી વીજલાઇન બંધ રહેતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા હતાં. દિવસ દરમિયાન લોકો ગરમી અને ઉપરથી વીજકાપનાં કારણે હેરાન થયા હતાં. જેટકોનાં શટડાઉનનાં કારણે જયારે અડાજણ વિસ્તારમાં મેઇન્ટેન્સની કામગીરીનાં ભાગરૂપે વીજકાપ રહ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. 42 ડિગ્રી ગરમી વચ્ચે સૌથી ખરાબ હાલત ભૂલકાંઓ તેમજ વ્યસ્ક લોકોની થઇ હતી.

Most Popular

To Top