Business

ટ્રમ્પનો મોટો નિર્ણય વર્ષોથી ચાલતી રસીકરણ નીતિમાં મોટો ફેરફાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાળ રસીકરણને લઈને નવી નીતિ જાહેર કરી છે. 10 ઓગસ્ટે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને સરકારની “Gold Standard Childhood Vaccine Recommendations” જાહેર કરી. નવી નીતિ હેઠળ તમામ બાળકો માટે નિયમિત રીતે ભલામણ કરવામાં આવતી રસીનો દાયરો 18 રોગોમાંથી ઘટાડીને 11 રોગો સુધી કરવાનો નિર્ણય લેવાયો છે.

11 રોગો સામે રસી રહેશે મુખ્ય સૂચનો

નવી વ્યવસ્થા હેઠળ તમામ બાળકો માટે સૂચન કરવામાં આવતી રસીમાં ઓરી, ગાલપચોળિયાં, રૂબેલા, ડિફ્થેરિયા, ટિટનસ, કાળી ઉધરસ, પોલિયો, Hib, ન્યુમોકોકલ બીમારી, HPV અને ચિકનપોક્સનો સમાવેશ થાય છે. કેટલાક અન્ય રસીકરણને હવે દરેક બાળક માટે નિયમિત ભલામણને બદલે વ્યક્તિગત જોખમ અને ડોક્ટરની સલાહ આધારે નક્કી કરવાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

આ નીતિ અગાઉના અમેરિકન રસીકરણ કાર્યક્રમની સરખામણીએ મોટો ફેરફાર છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ 2024માં અમેરિકામાં 18 રોગો સામે બાળકો માટે રસીકરણનો સુચનો હતા. હવે સરકારનું કહેવું છે કે અન્ય વિકસિત દેશોની પ્રથાઓ સાથે અમેરિકાની નીતિને વધુ નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

MMR રસીમાં પણ મોટો ફેરફાર

ટ્રમ્પ પ્રશાસને ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા સામેની MMR રસી ચાલુ રાખી છે, પરંતુ તેને એક જ સંયુક્ત રસી તરીકે આપવાને બદલે 3 અલગ રસી તરીકે આપવાની ભલામણ કરી છે.

અમેરિકાના CDC મુજબ MMRની 2 ડોઝ ઓરીથી બચાવવામાં લગભગ 97% અસરકારક છે, જ્યારે 1 ડોઝ લગભગ 93% અસરકારક છે. સામાન્ય રીતે બાળકોને પ્રથમ ડોઝ 12થી 15 મહિનાની ઉંમરે અને બીજો ડોઝ 4થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે.

માતા-પિતાને વધુ નિર્ણય અધિકારનો દાવો

ટ્રમ્પે નવી નીતિને માતા-પિતાની પસંદગી અને સ્વતંત્રતા સાથે જોડીને રજૂ કરી છે. તેમના પ્રશાસનનું કહેવું છે કે દરેક બાળક માટે એકસરખી રસીની સમયસૂચિ નક્કી કરવાને બદલે માતા-પિતા અને ડોક્ટરને બાળકની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની વધુ તક મળવી જોઈએ.

અમેરિકાના આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડીએ પણ કહ્યું છે કે રસી સુધી લોકોની પહોંચ જળવાઈ રહેશે, જ્યારે સલામતીની દેખરેખ અને સંશોધનને વધુ મજબૂત બનાવવામાં આવશે.

રસીની સુરક્ષા અંગે વિવાદ ફરી ગરમાયો

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં બાળ રસીકરણની સલામતી અને અસરકારકતા અંગે રાજકીય તથા જાહેર ચર્ચા ચાલી રહી છે. કેનેડી અગાઉ MMR રસી અંગે પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. જોકે જાહેર આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ લાંબા સમયથી MMR રસીની અસરકારકતા અને સલામતી અંગે ઉપલબ્ધ પુરાવાઓ પર ભાર મૂકે છે.

CDC હજુ પણ બાળકો માટે MMRની 2 ડોઝની ભલામણ કરે છે અને કહે છે કે ગંભીર આડઅસરો દુર્લભ છે. બીજી તરફ, ઓરી પોતે ન્યુમોનિયા અને મગજમાં સોજો જેવી ગંભીર જટિલતાઓ ઊભી કરી શકે છે.

આ નિર્ણયની શરૂઆત ક્યાંથી થઈ?

ટ્રમ્પ પ્રશાસને ડિસેમ્બર 2025માં અમેરિકાની બાળ રસીકરણ નીતિની અન્ય વિકસિત દેશો સાથે સરખામણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારબાદ 29 મે 2026ના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં CDC અને તેના સલાહકાર સમિતિને નવી વૈજ્ઞાનિક સમીક્ષા આધારે રસીકરણ સમયસૂચિમાં ફેરફાર કરવાની પ્રક્રિયા આગળ વધારવા કહેવામાં આવ્યું હતું.

હવે 10 ઓગસ્ટના નવા આદેશથી 11 મુખ્ય રસીની ભલામણ અને MMRને અલગ-અલગ આપવાની દિશાને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાજ્યોને પણ શાળાઓમાં રસીકરણ સંબંધિત પોતાના નિયમો નવી ભલામણો અનુસાર બદલવાની જરૂરિયાત અંગે વિચારવા કહેવામાં આવ્યું છે. જોકે શાળાના રસીકરણના નિયમો નક્કી કરવાની સત્તા મુખ્યત્વે રાજ્યો પાસે છે

Most Popular

To Top