આજથી સુરતના ત્રણ ગ્રાઉન્ડ પર વિજય હજારે ટ્રોફીની એ ગ્રુપની મેચોનો પ્રારંભ

સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના નેજા હેઠળ તથા બી.સી.સી.આઈ. તથા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત, વડોદરા, છતીસગઢ, હૈદરાબાદ, ત્રિપુરા, ગોવા એમ ૬ રાજ્યોની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આવતીકાલે શનિવારથી વિજય હજારે ટ્રોફી એલાઈટ-એ ગ્રુપની ત્રણ મેચો સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે.

કુલ ૧૫ મેચોનું આયોજન તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૨૮ ફેબ્રુઆરી,૨૦૨૧ દરમિયાન સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના પર કરવામાં આવ્યુ છે. બી.સી.સી.આઈએ તમામ ટીમોને જુદા જુદા ૮ ગ્રુપોમાં વિભાજીત કરી છે. એ-ગ્રુપની તમામ લીગ મેચો સુરત ખાતે રમાનાર છે.

ગ્રુપની મોખરાની બે ટીમ નોકઆઉટ માટે કવોલીફાય થશે. કોવિડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ટીમો એરપોર્ટથી સીધી હોટલ પર બાયો-બબલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. સુરતના 3 ગ્રાઉન્ડ પર કૃણાલ પંડ્યા, પિયુષ ચાવલા, મિલિન્દ કુમાર, શુભમ અગ્રવાલ જેવા જાણીતા ક્રિકેટરો ઉપરાંત ઉપરાંત આઇપીએલ-2021 માટે પસંદગી પામેલા રિપલ પટેલ, લુકમાન મેરીવાલા અને સુયેશ દેસાઇ જેવા ખેલાડીઓ કૌશલ બતાવશે. બીસીસીઆઇની ગાઇડલાઇન પ્રમાણે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે નહી

રાષ્ટ્રીય પસંદગીકાર દેબાશિષ મોહંતી હાજર રહેશે
વિજય હજારે ટ્રોફીની પ્રારંભિક મેચો નિહાળવા માટે બીસીસીઆઇના રાષ્ટ્રીય પસંદગીકાર અને પૂર્વ ક્રિક્રેટર દેબાશિષ મોહંતી પણ હાજર રહેશે. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી આ મેચ રમાશે.

Related Posts