Gujarat

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના થઈ

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) સોમનાથ (Somnath) ખાતે આગામી 17થી 30 એપ્રિલ સુધી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે તામિલનાડુના (Tamilnadu) મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન (Train) સૌરાષ્ટ્ર આવવા માટે રવાના થઈ ચૂકી છે. આ સ્પેશિયલ ટ્રેનને તામિલનાડુથી ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી. મદુરાઈથી ઉપડેલી આ વિશેષ ટ્રેનનું સાલેમ અને ચેન્નઈ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નઇ રેલવે સ્ટેશન પર આ વિશેષ ટ્રેનનું સ્વાગત કરવા માટે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.૧૭ એપ્રિલથી આ કાર્યક્રમનો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક મહેમાનોનું ખાસ વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ઓફિશિયલ વેબસાઇટ પર રજિસ્ટ્રેશનમાં પસંદગી પામેલા મહેમાનો વિશેષ ટ્રેન દ્વારા ગુજરાત આવશે. આ મહેમાનોને તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ છે. જ્યાં ૧૫ દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ-વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોના આયોજન કરવામા આવ્યા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની જાહેરાત 19 માર્ચ, 2023ના રોજ કરવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, થીમ સોંગ અને વેબસાઇટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે સમન્વય સ્થાપવા માટે ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પનાને સાકાર કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્વસ’ હેઠળ દેશમાં સાંસ્કૃતિક સાયુજ્ય સાધવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં વસી રહેલા આ સમુદાયને પુન: ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો વર્ષ 2005થી કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કર્યું હતું, જેમાં 50,000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વારાણસીમાં ‘કાશી-તમિલ સંગમ’નું પણ આયોજન કરવામાં આવ્યું.

Most Popular

To Top