Columns

મંઝિલ સુધી પહોંચવા

એક દિવસ આશ્રમમાં ગુરુજીએ બધાને માટે એક કાર્યશાળા રાખી.આશ્રમની બાજુની જગ્યા સાફ કરી તેમાં કુટીર બાંધી, તેને શણગારાવી.આ કાર્ય માટે એક અઠવાડિયું આપવામાં આવ્યું અને પાંચ શિષ્યોની એક ટુકડી એવી દસ ટુકડી બનાવવામાં આવી.આ કાર્યશાળામાં બીજા કોઈ નિયમો ન હતા અને પરિણામ કઈ ટુકડી કામ પહેલાં પૂરું કરે છે…કેવું કરે છે તેના પર આધારિત હતું. બધા શિષ્યોની ટુકડીઓએ પોતાનું કામ પોતાની રીતે નક્કી કરવાનું હતું.કોણ શું કામ કરશે થી લઈને કુટીરનું બાંધકામ, સાધનો અને શણગાર બધું જ શું કરવું અને કેવું કરવું તે જાતે જ નક્કી કરી કરવાનું હતું.

અમુક ટુકડી તરત જમીન સાફ કરવાના કામે લાગી …અમુક ટુકડી કાગળ કલમ લઈને શું કરશું કેવી રીતે કરશું તે નક્કી કરવા બેઠી..અમુક ટુકડીએ એકને આગેવાન બનાવી તે નક્કી કરે તેમ આગળ વધવાનું નક્કી કર્યું…અમુક ટુકડીએ કામ વહેંચી લીધાં અને બધા પોતપોતાનાં કામ કરવા લાગ્યા…અમુક ટુકડીમાં પહેલા દિવસે જ કોણ શું કરશે તેમાં ઝઘડા થઇ ગયા.આમ બધા કામે લાગ્યા તો હતા જ..એક ટુકડી હતી જે કંઈ કરી રહી ન હતી, બધા શું કરે છે માત્ર તે જ જોઈ રહી હતી અને બધાનાં કામ કરવાની રીતમાંથી કૈંક ને કૈંક શીખવાને બદલે ખામી કાઢી હસી રહી હતી.

તે ટુકડીએ એક દિવસ આખો એમ જ બગાડી નાખ્યો…અમુક ટુકડીએ લખવામાં અને અમુક ટુકડીએ ઝઘડવામાં દિવસ બગાડ્યો.એક ટુકડીના બધા સભ્યો પોતાને મળેલી જમીન સાફ કરવામાં તુરંત લાગી ગયા હતા. તેમની જમીન સાફ અને સમથળ થઇ ગઈ અને પછી ત્યાં જ પાણી છાંટી તેઓએ કુટીરનો આકાર અને બાંધકામનાં સાધનો નક્કી કરી ભેગાં કરી લીધાં.બધી ટુકડી કરતાં તેઓ આગળ હતા. તેમને જોઇને બધી ટુકડીઓને થયું, જલ્દી જલ્દી કામ કરવું પડશે, ધીમે ધીમે નહિ ચાલે.બધી ટુકડીઓ પોતપોતાનાં કામ કરતાં બીજા શું કરે છે અને કયાં સુધી પહોંચ્યા તે જોવા બીજે દિવસે વધારે વ્યસ્ત થઈ ગઈ હતી કારણ કે બધાને જાણવું હતું કે કોણ આગળ છે…બધાનું ધ્યાન પોતાની કુટિરના બાંધકામ કરતાં બીજાની કુટીર કેવી બને છે તેની પર વધારે હતું.એક ટુકડી સાથે મળીને કામ કરી રહી હતી તે પહેલેથી આગળ હતી કારણ કે તે માત્ર પોતાનું કામ જ કરી રહી હતી અને બીજા નંબર પર હતી, જે ટુકડીએ આવડત પ્રમાણે કામ વહેંચી લીધા હતા.ત્રીજા નંબર પર હતી, જેણે બધું જ નક્કી કરી લખી લીધું હતું અને હવે તે પ્રમાણે કામ કરી રહ્યા હતા.

આમ સાત દિવસ થઇ ગયા. દસમાંથી માત્ર ત્રણ ટુકડીઓની કુટીર સંપૂર્ણ રીતે તૈયાર હતી, બાકી બધીમાં કામ બાકી હતું. ગુરુજી આવ્યા અને બોલ્યા, ‘આ કાર્યશાળા તમને જીવનમાં આગળ વધવાની ,મંઝિલ સુધી પહોંચવાની રીત સમજાવવા માટેની હતી.જીવનમાં મંઝિલ મેળવવા માટે સૌથી પહેલાં કામે લાગવું જરૂરી છે …આવડત પ્રમાણે કામ કરવું અને ન આવડતું શીખવું જરૂરી છે…અને ખાસ બીજા શું કરે છે ..કઈ રીતે કરે છે..શા માટે કરે છે ..સારું કરે છે કે ખરાબ કરે છે તે બધું જોવામાં ,જાણવામાં સમય વ્યર્થ બરબાદ કરવો નહિ.માત્ર પોતાના કામ પર ધ્યાન આપવું જરૂરી છે.હું અહીં આ ત્રણ ટુકડીને બિરદાવું છું અને બાકી બધા તમે સમજી જ ગયા હશો કે કોની કયાં ભૂલ થઈ છે. ’ગુરુજીએ સુંદર સમજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top