National

ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ 30 એપ્રિલ સુધી સ્થગિત

ઈઝરાયલ અને ઈરાન (Israel And Iran) વચ્ચે વધતા તણાવને જોતા ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ (Air India) 30 એપ્રિલ સુધી તેલ અવીવ માટે તેની તમામ ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક પોસ્ટમાં આ નિર્ણયની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ તેની પોસ્ટમાં કહ્યું છે કે મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 30 એપ્રિલ 2024 સુધી તેલ અવીવ જતી અને આવતી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે અમારા પેસેન્જરોને સહાય પૂરી પાડી રહ્યા છીએ જેમણે પહેલાથી જ તેલ અવીવ માટે અને ત્યાંથી ફ્લાઇટ્સ બુક કરાવી છે. કંપનીએ કહ્યું કે ગ્રાહકો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વિદેશ મંત્રાલયે એડવાઈઝરી પણ જારી કરી
આ પહેલા વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરી હતી. વિદેશ મંત્રાલયે ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન અને ઈઝરાયેલની યાત્રા ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે એવા તમામ ભારતીયોને પણ વિનંતી કરી છે જેઓ હાલમાં ઈરાન અને ઈઝરાયેલમાં રહે છે. મંત્રાલયે કહ્યું છે કે આ દેશોમાં રહેતા ભારતીયોએ તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. મંત્રાલયે વિનંતી કરી છે કે તેઓ તેમની સલામતી અંગે સાવચેત રહે અને તેમની પ્રવૃત્તિઓ મર્યાદિત સંખ્યામાં લોકો સાથે શેર કરે. આ સિવાય ભારતે હાલમાં પોતાના કામદારોને ઈઝરાયેલ મોકલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. એપ્રિલ-મેમાં છ હજાર બાંધકામ કામદારોને ઈઝરાયેલ મોકલવાની યોજના હતી.

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલે શુક્રવારે ઈરાન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. અમેરિકન મીડિયાએ ટોચના અમેરિકન અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. ઈરાનના એરપોર્ટ પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ પણ દાવો કર્યો છે કે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. નોંધનીય છે કે ઈરાનના ઘણા પરમાણુ મથકો ઈસ્ફહાન પ્રાંતમાં આવેલા છે જેમાંથી ઈરાનમાં યુરેનિયમ સંવર્ધનનું મુખ્ય કેન્દ્ર પણ અહીં સ્થિત છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના એરસ્પેસમાં ઘણી ફ્લાઈટ્સના રૂટ બદલવામાં આવ્યા છે.

તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે આ મિસાઇલો અને ડ્રોન ઇઝરાયલના એર ડિફેન્સમાં પ્રવેશી શક્યા નથી. વાસ્તવમાં દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઈરાનની સેનાના બે ટોચના કમાન્ડર સહિત સાત લોકો માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો. હુમલા બાદ ઈરાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ તેમના પર હુમલો કરશે તો તેઓ વધુ તાકાતથી જવાબ આપશે.

Most Popular

To Top