Columns

ક્રોધ કરવો કે ન કરવો

એક વ્યક્તિ એરપોર્ટથી બહાર નીકળીને એક ટેક્સીમાં બેસે છે.ટેક્સી સાફ અને સુંદર રીતે સજાવેલી હતી.ટેક્સીમાં પ્રવાસી માટે પાણી અને છાપાની વ્યવસ્થા હતી.યુવાન ટેક્સીમાં બેઠો. તેને પૂછીને ટેક્સીવાળાએ મ્યુઝિક ચાલુ કર્યું.ટેક્સીવાળો એકદમ વ્યવસ્થિત સુરક્ષિત રીતે ટેક્સી ચલાવતો હતો. અચાનક સામેથી  એક કાર તેજ ગતિમાં આવી અને ટેક્સી સાથે અથડાતાં અથડાતાં ટેક્સીવાળાની સમયસૂચકતાને  લીધે બચી અને પોતાની ભૂલ સમજવાને બદલે કારમાંથી ઊતરીને તે યુવાન, ટેક્સીવાળા પર  એકદમ ગુસ્સે થઇ ગયો અને ક્રોધના આવેશમાં તે ટેક્સીવાળાને એલફેલ બોલવા લાગ્યો.

પરંતુ ઝઘડો આગળ વધ્યો નહિ, કારણ કાર ચલાવનાર યુવાન ક્રોધવશ ગમેતેમ બોલ્યો પરંતુ ટેક્સીવાળો સામે કંઈ જ બોલ્યો નહિ અને માત્ર હસીને  પોતાની ટેક્સી કાઢી આગળ વધી ગયો.ટેક્સીમાં બેઠેલા પ્રવાસીએ ટેક્સીવાળાને પૂછ્યું, ‘દોસ્ત, એક વાત પૂછું? તારી કોઈ ભૂલ ન હતી. બધી ભૂલ પેલા યુવાનની હતી અને તેં તો એક્સિડન્ટ થતાં બચાવી લીધો, છતાં તે તો તને જ ગુસ્સો કરી ગમે તેમ બોલવા લાગ્યો અને બધું તેં સાંભળી લીધું. તેને સામે કોઈ જવાબ પણ ન આપ્યો અને તેને હસીને જવા દીધો.આમ શું કામ કર્યું?? તારે જ તેને બરાબર સંભળાવી દેવું હતું.’

ટેક્સી ડ્રાઈવર હસ્યો અને બોલ્યો, ‘સાહેબ, મેં તેને સામે સંભળાવ્યું હોત તો હજી આપણે ત્યાં જ હોત અને ઝઘડો ચાલતો હોત.આ દુનિયામાં બધા પોતપોતાની સમસ્યામાં ઘેરાયેલા હોય છે.કોઈને આર્થિક તકલીફ હોય છે.કોઈને પરિવારમાં ઝઘડા હોય છે.કોઇ કામકાજના ભાર હેઠળ હોય છે.કોઈ ભાગાદોડીથી થાકેલું હોય છે અને આ બધી તકલીફોને કારણે બધાના મનમાં એક ભારેલો અગ્નિ હોય છે અને જયારે કૈંક ન ગમતું બને છે ત્યારે શું સાચું છે અને શું ખોટું છે તે નક્કી કર્યા વિના આ બધી તકલીફોનો ભાર ગુસ્સા રૂપે ક્યાંક ને કયાંક કાઢવાનો મોકો મળે ત્યારે લોકો પોતાની તકલીફોને ગુસ્સા રૂપે કાઢે છે.

હું આ વાત બરાબર સમજું છું અને બીજાની તકલીફો અને પરેશાનીઓનો ભાર મારા પર લેવા માંગતો નથી.એટલે હું હંમેશા હસી કાઢું છું અને આવું કંઈ પણ થાય ત્યારે ઝઘડો ટાળવા હું હસીને આગળ વધી જાઉં છું.તેનાથી મારું મગજ શાંત રહે છે’ પ્રવાસીને ટેક્સીવાળાની સમજ પર માન થયું. આજે દરેક જણ ઉપર કોઈ ને કોઈ પરેશાનીનો ભાર હોય છે. તેને કારણે નાની નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને મનની શાંતિ દૂર થઈ જાય છે.એટલે હંમેશા ક્રોધ કરવો કે ન કરવો તે નક્કી કરવું અને વિવાદથી બચતા રહેવું અને હસતાં હસતાં જીવવું.    
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top