Columns

તિરૂપતિ શ્રી વ્યંકટેશ્વર બાલાજીનું સત્ચરિત્ર

ભારતની દસે દિશાઓમાં અનેક મંદરો છે. એનો ખૂબ જ સુંદર મહિમા છે અને વર્ણન સાંભળતા મન પ્રસન્ન બને છે.  મંદિર અને દેવતાઓના દર્શનની ભૂખ અને તરસ વધે છે. આન્ધ્ર પ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી, શ્રી વ્યંકટેશ્વરનું શ્રી હરિ ભગવાન શ્રીનિવાસજીનું મંદિર વૈભવ અને ઐશ્વર્યની સોનાની ખાણ છે. ભારતમાંના સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ શ્રીમંત મંદિરોમાં આ મંદિરની ગણના અગ્રક્રમે થાય છે. દેશ-વિદેશથી ભકતો અવિરતપણે અહીં આવતા હોય છે. એ તિરુપતિ બાલાજી વ્યંકટેશ્વર ભકતોના મનોરથો પૂર્ણ કરે છે. મંદિરનો જવલંત ઇતિહાસ છે અને વાસ્તવિકતા છે. સત્યની પરિપકવતા છે.

ગોવિન્દા રે ગોવિન્દા નામનો ઘોષ કરતાં કરતાં ગિરિ બાલાજીના ઉપાસકો દર્શનાર્થી બનીને પાંચ પાંચ કલાક સુધી લાઈનમાં ઊભા રહે છે. એ જ ભકતોની તપસ્યા હોય છે. તો હવે આપણે તિરુમાલા તિરુપતિ શ્રી વ્યંકટેશ્વર બાલાજીનું પૌરાણિક ચરિત્ર અને મહાત્મ્યનું વર્ણન વ્યાસના શ્રેષ્ઠ શિષ્ય સૂતજીના મુખેથી સર્વ મુનિજનોએ સાંભળ્યું છે તેનો આસ્વાદ લઇશું. જે સાંભળવાથી મનુષ્યમાત્ર પાપ મુકત થઇ જાય છે. ઋષિઓએ પ્રાર્થના કરી- હે મહાજ્ઞાની સૂતજી મહારાજ! ‘કલિયુગસ્ય પ્રત્યક્ષ દેવમ’ શ્રી વ્યંકટેશ્વર બાલાજીની ચરિત્રકથાનું વર્ણન કરો.

સૂતજી મહારાજ શ્રોતાઓને જાગૃત રહેવા અનુરોધ કરે છે અને સત્ય પ્રતિપાદન કરે છે. આ પૃથ્વી પર કળીયુગમાં જન્મના સર્વ મનુષ્ય પ્રાણીઓને પાપાચારથી વિમુકત કરવા માટે જ શ્રી મહાવિષ્ણુ વ્યંકટેશ્વર બાલાજી નામથી વેંકટાચલ પર્વત પર અવતરિત થયા છે. જે કોઇ ભગવાન બાલાજીનું ચરિત્ર વાંચે, સાંભળે, કથન કરે અને દર્શન કરે એનો જન્મ પવિત્ર બનશે, જન્મ સાર્થક થશે. અહીંના ઉત્તમ ભોગનો લાભ લઇને તે જીવ પરમ પાવન મોક્ષને પ્રાપ્ત કરશે. આ જ જાગૃતિ આપીને સૂતજીએ પોતાના ગુરુદેવ  વ્યાસજીનું  સ્મરણ કર્યું અને ગુરુદેવ અનુગ્રહિત વ્યંકટેશ મહિમા વર્ણવવા લાગ્યા. શ્રી નારદ મુનિ બ્રહ્મદેવના પુત્ર છે. શ્રીહરિનું નામ, નારાયણ- નારાયણ બોલતાં બોલતાં ત્રિખંડમાં ફેરા મારે છે.

14 ભુવન ફરવું એમનો સ્વભાવ છે. નારદજી ઝગડો મટાડે છે પણ અને તકરારની શરૂઆત પણ કરાવે છે અને એમના કૃત્યનો અંત સુખદ આવે છે. નારદ દુષ્ટોનો નાશ કરવા માટે માનવોના કલ્યાણ માટે શ્રીમન્નારાયણને અવતાર લેવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. એક સમયે નારદ સત્યલોકમાં બ્રહ્માજીને મળવા ગયા હતા. ત્યાં બ્રહ્માજી સાથે દેવી સરસ્વતી પણ હતા. ચંદ્રમા, સૂર્યદેવ આદિ ઋષિમુનિ બધા જ હતા. નારદે બ્રહ્માજીને વંદન કર્યા, સમસ્ત સભાજનોને નમસ્કાર કર્યા. હવે નારદ કંઇ સમાચાર સંભળાવશે એટલે બધા ઉત્સુક બન્યા. 

નારદે કહ્યું, ‘‘હે પિતૃદેવા! દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના અવતાર પછી ઈશ્વરે કળીયુગમાં અવતાર ધારણ કર્યો નથી. તેથી પૃથ્વી પર મનુષ્ય પ્રાણી અજ્ઞાનવશ સાચા ધર્મનું અપમાન કરીને અધર્મને સ્વીકારી રહ્યો છે. સત્ય મૃત:પ્રાય બની રહ્યું છે અને અસત્યનો જયજયકાર થઇ રહ્યો છે. ત્યારે આપ કોઇ ઉપાય બતાવો.’’ ત્યારે બ્રહ્માજીએ કહ્યું, ‘‘હે પુત્રશ્રેષ્ઠ નારદ! તમે તો ત્રિલોકમાં સંચાર કરો છો. તમારા સંકલ્પથી મહાન કાર્યો પાર પાડયા છે. ત્યારે તમે જ એવો ઉપાય કરો કે મહાવિષ્ણુ અવતાર ધારણ કરશે અને માનવોનો ઉધ્ધાર થશે.’’ બ્રહ્મદેવનો ઉત્તર સાંભળીને નારદ પ્રસન્ન થયા અને નારાયણ- નારાયણ કરતા નીકળી ગયા. નારદજીની પ્રસન્ન મૂર્તિ જોઈને ઇન્દ્રાદિ દેવોને આનંદ થયો.

નારદ ભૂલોકમાં ગંગાના કિનારે આવ્યા. મુનિ કશ્યપ આદિ ઋષિઓ લોક કલ્યાણાર્થે મહાયજ્ઞ કરી રહ્યા હતા. નારદજીનો સત્કાર કરીને મુનિઓએ મહાયજ્ઞ વિશે માહિતી આપી. ત્યારે શંકાના સ્વરમાં નારદે કહ્યું કે ‘‘મુનિવર્યો! લોકહિતાર્થે આપ મહાયજ્ઞ કરી રહ્યા છો આ વાત સોનામાં સુગંધ જેવી છે પણ આ યજ્ઞનો ફળભોકતા કોણ છે? ત્રિમૂર્તિ બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી આ ત્રણોમાં કોને આ મહાયજ્ઞનું ફળ આપવા ચાહો છો?’’ કોઇ પણ કાંઇ જ ન બોલ્યા તો નારદે કહ્યું, ‘‘વિચાર કરો. નહીં તો કરેલ યજ્ઞ નિષ્ફળ નિવડશે.

બ્રહ્મા વિષ્ણુ- મહેશ ત્રણેમાં સત્ત્વગુણી અને શાંત સ્વભાવના જે હોય તેને જ આ યજ્ઞનું ફળ આપો.’’ નારદજીના મંતવ્યથી બધા મુનિઓ વિચાર કરતા થયા. કોણ સત્ત્વગુણી અને શાંત સ્વભાવના છે? શોધ શરૂ થઈ. કોઇ બ્રહ્મદેવનું નામ લે, તો કોઇ મહાવિષ્ણુ વિષયી બોલે તો કોઇ મહાદેવનું નામ આગળ કરે અને મુનિ લોકોમાં કલહ અને વિચારફેર નિર્માણ થયા ત્યારે નારદે કહ્યું, ‘‘ તમે પરસ્પર નારાજ ન થાવ. ત્રણેમાં કોણ સત્ત્વગુણી, શાંત સ્વભાવના છે એની પરીક્ષા લેવી પડશે. પણ પરીક્ષા લેવા કોઇ મુનિવર્ય આગળ આવ્યા નહીં તો નારદે કહ્યું. હું આપને યોગ્ય ઋનિનું તમને પસંદ પડે એવું નામ આપીશ, ધીરજ રાખો અને નારદ નીકળી ગયા.                 ( ક્રમશ:)

Most Popular

To Top