Gujarat

પાલીતાણામાં હિંદુ અને જૈન સમાજ વચ્ચે વિવાદનું આ છે મૂળ કારણ…

ભાવનગર: ભાવનગરનાં પાલીતાણા ખાતે મંદિરની બહાર કરવામાં આવેલી તોડફોડ મામલે વિવાદ વકર્યો છે. આ મામલે સોમવારનાં રોજ પાલીતાણા તળેટી ખાત જૈન સમાજની એક વિશાળ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ વિવાદને લઇ ગૃહ રાજ્ય મંત્રી પણ એક્શનમાં આવી ગયા છે. તેઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત બે દિવસ અગાઉ તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપી હતી.

આ છે વિવાદ
ભાવનગરનાં પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજય પર્વત પર બે દિવસ અગાઉ નીલંકઠ મંદિરની બહાર તોડફોડ થઇ હતી. વાત એમ છે કે, પાલિતાણામાં નીલકંઠ મંદિરના પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે મંદિર બહાર મુકેલા સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. આ મામલે રવિવારનાં રોજ જૈન સમાજ દ્વારા વિશાળ ધર્મ સભા તેમજ ભવ્ય રેલી યોજાઈ હતી. સભામાં દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓ ઉપસ્થિત રહી છે. જ્યારે રેલીમાં 20 હજારથી વધુ યુવાઓ જોડાયા હતા. જૈન સમુદાયે આક્ષેપ કર્યો છે કે, શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર સામે CCTV લગાવતા મંદિરના પૂજારી અને તેના સાગરીતોએ તોડી પાડ્યા હતા. જેના કારણે જૈન સમાજ રોષે ભરાયો હતો. અગાઉ આણંદજી કલ્યાણજી પેઢીએ આ મંદિરનો કબજો લઈ પોતાનો પૂજારી અને ચોકીદાર નક્કી કરતાં હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો.

વિવાદ મામલે યોજાઈ વિશાળ સભા
આ ઘટના મામલે સોમવારનાં રોજ વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં ચેન્નઇ, બેંગલોર, મુંબઇ, સુરત, અમદાવાદ, ભાવનગરથી ભાવિકો ઉમટી પડ્યા હતા. અને જે લોકો જૈન મંદિરોમાં અને સાધુ ભગવંતોના મંદિરોમાં તોડફોડ કરી હિંદુ અને જૈન વચ્ચે વર્ગ વિર્ગહ ઉભો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. તેવા આતંકી તત્વો સામે તાત્કાલીક પગલા ભરવા માંગ કરી છે. આ સાથે તેના વિરોધમાં ગુજરાત તેમજ બીજા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા

Most Popular

To Top