Business

આ છે મળવા જેવાં મહારાણી…

એ જાહેરમાં આવે તો એને જોઈને જ બ્રિટિશ ગોરાબાબુઓ ખડખડાટ હસવા માંડે. એ પાર્ટી કે તખ્તા કે ફિલ્મમાં કોમેડી કરે તો હાસ્યનું હુલ્લડ મચી જાય.… એ આમ પ્રજાની નજરે બ્રિટિશ ક્વિન એલિઝાબેથ છે… ના, હકીકતમાં એ મહારાણીની હમશકલ -ડિપ્લિકેટ છે. આજે સાચુકલાં રાજમાતાની આવી ૭-૮ ડુપ્લિકેટ જાહેરમાં મહારાણીનો રોલ ભજવીને સારી કમાણી કરે છે.

 બીજી તરફ, જાણે-અજાણે પણ ભણેલી ગણેલી બ્રિટિશ પ્રજા વ્યક્તિપૂજામાં વધુ પડતું માને છે. એમાંય રાજવી પરિવાર માટે એમને વિશેષ અનુરાગ. પ્રજાની પ્રીતિને લાયક ઠરાવે એવા મહારથીઓ પણ એમને મળ્યા છે. તમે વિન્સટન ચર્ચિલથી લઈને માર્ગારેટ થેચર – પ્રિન્સેસ ડાયના સુધીનાં નામ યાદ કરી લો. એક યા બીજા કારણસર, એ બધી વ્યક્તિ ગોરી પ્રજાની માનીતી રહી છે. આ સદાબહાર માનીતાની નામાવલિમાં રાજમાતા ક્વિન એલિઝાબેથ-ટુ માટેની ચાહના બ્રિટિશ પ્રજામાં અવ્વલ રહી છે. ગ્રેટ બ્રિટનની પ્રજા આ મહારાણીને ખરા અર્થમાં પૂજે છે-ચાહે છે.

આવાં રાજમાતાની બે બર્થ-ડે છે. એક સાચુકલી ૨૧ એપ્રિલના દિવસે છે,પણ એપ્રિલ મહિનામાં બહુ ઠંડી હોવાથી પ્રજા એમનો બીજો જન્મદિવસ મોસમની અનુકુળતા મુજબ મે કે જૂન મહિનામાં ઉજવે  છે !

આમ તો એલિઝાબેથ ‘મહારાણી’ તરીકે શોભાના ગાંઠિયા જેવી સત્તા ભોગવે છે. બ્રિટન-ઈંગ્લેન્ડનું ખરું શાસન તો ચૂંટાયેલા પક્ષના પ્રતિનિધિઓ કરે છે. આમ છતાં વિશ્વભરના મહારાજા-મહારાણીઓનો ઈતિહાસ તપાસો તો આ બ્રિટિશ રાજમાતાના નામે અનેક વિક્રમ નોંધાયા છે. 

તાજેતરમાં ક્વિન એલિઝાબેથ-ટુ એ સિંહાસન પર સાત દાયકા-૭૦ વર્ષ પૂરાં કર્યાં છે, જે એક અનોખો વિક્રમ છે, કારણ કે છેલ્લાં એક હજાર વર્ષમાં એમનાં કોઈ પણ પૂર્વજો કે પૂર્વગામી આટલો લાંબો સમય રાજસિંહાસન પર રહ્યાં નથી. આ પહેલાં અપવાદ રુપે બ્રિટન બહાર બે જ મહારાજા એવા હતા, જેમણે ક્વિન એલિઝાબેથ કરતાં વધુ વખત સિંહાસનને શોભાવ્યું હોય. આમાંના એક હતા ફ્રાન્સના લ્યૂ-૧૪, જે ૭૨ વર્ષ સુધી સત્તા પર રહ્યા. બીજા હતા સ્વાઝિલેન્ડના મહારાજા સોભહુઝા-ટુ, જે ૮૩ વર્ષ સુધી રાજસિંહાસન પર રહ્યા.

વિધિની એક ખૂબી એ છે કે આ એલિઝાબેથને ક્યારેય મહારાણીનું પદ મળવાનું જ નહોતું. યુવાનવયે એમને સત્તા કરતાં સૈન્યમાં વધુ રસ. એ સમયે રાજવી કુંવર માટે લશ્કરી તાલીમ ફરજિયાત હતી. જરુર પડે તો એમને યુદ્ધમોરચે પણ જવું પડે. બીજા વિશ્વયુદ્ધ વખતે પ્રિન્સેસ એલિઝાબેથે લશ્કરમાં જોડાવાની જબરી જિદ પકડી. જોડાવા તો ન મળ્યું, પણ એમણે સૈન્ય ટુકડીઓ સાથે રહીને લશ્કરી તાલીમ ધરાર લીધી. અત્યાર સુધીના રાજવી ઈતિહાસમાં એ એક માત્ર મહિલા છે,જેમણે સૈન્યની સત્તાવાર તાલીમ મેળવી છે. 

આમ તો રાજશિરસ્તા મુજબ બ્રિટનની રાજગાદીના હકદાર હતા એમનાં કાકા એડવર્ડ -આઠમા,પરંતુ કાકા વાલિસ સિમ્પસન નામની એક અમેરિકન ત્યકતાના ગાઢ પ્રેમમાં હતા.આવા સંબંધને રાજવી પરિવારે મંજૂરી ન આપી એટલે એમણે એ ત્યકતા માટે ગાદી ત્યાગી અને કાકાને બદલે ભત્રીજી એલિઝાબેથને રાજ સિંહાસન એનાયત થયું. આ રાજમાતાએ સત્તા સંભાળી ત્યારે સ્ટેલિન (રશિયા)- માઓ (ચીન)- ટ્રુમેન (અમેરિકા) અને ચર્ચિલ (બ્રિટેન) જેવાં ધૂર્ંધરો સત્તા પર હતા.

આ બ્રિટિશ રાજમાતાના નામે વધુ એક રસપ્રદ વિક્રમ એ છે કે એમની આ ૭૦ વર્ષની રાજસત્તા દરમિયાન જગતભરમાં અનેક શાસકો આવ્યા ને ગયા,પણ મહારાણી અડીખમ રહ્યાં. …એમની નજર સામેથી ૧૪ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર અને અમેરિકાના ૧૪ પ્રેસિડન્ટ આવીને ઈલિહાસનાં પૃષ્ઠોમાં ખોવાઈ ગયા…!

આવાં ૯૫ વર્ષીય રાજમાતાએ કેટલીય લીલી-સૂકી જોઈ છે. એમનો રાજમહેલ લગભગ લફરાંસદન થઈ ગયો હતો. મોટા પુત્ર ચાર્લ્સના ફૂટડી ડાયના સાથે મેરેજ થયાં હતા, છતાં પાટવી કુંવર ચાર્લ્સનું એક પરણેલી સ્ત્રી કેમિલા પાર્કર સાથેનું લફરું પછી પૂત્રવધૂ ડાયનના પણ લગ્નેત્તર સંબંધો – લગ્નભંગાણ અને અંતે ડાયનાનું કાર અક્સ્માતમાં ક્મોતથી લઈને બીજા પુત્ર અને પૂત્રવધૂનાં લગ્નબાહ્યના સંબંધને લીધે ડિવોર્સ અને આજે પણ પુત્ર એન્ડ્રુના એક કરતાં વધુ સેકસ સ્કેન્ડલ વચ્ચે ગાજતાં રહે છે. આ દરમિયાન જ પૌત્ર હેરી પત્ની – સંતાનો સાથે રાજવી પરિવારના બધા જ હક્ક અને સુવિધાઓ ત્યાગીને સ્વચ્છાએ પરિવારમાંથી અલગ થઈ ગયા. એ અમેરિકા જઈને સામાન્ય નાગરિક તરીકે વસી ગયા. એનો આઘાત શમ્યો નહોતો ત્યાં ૯૯ વર્ષના પતિ ફિલિપ્સનું અવસાન પણ મહારાણીને હચમચાવી દેવા માટે પૂરતું છે….

આવી માનભંગ કરે એવી ઘટનાઓ વચ્ચે તાજેતરમાં એક અમેરિકન મૉડલ વર્જિનિયા ગ્યુફ્રીએ આક્ષેપ કર્યો છે કે થોડાં વર્ષ અગાઉ પ્રિન્સ એન્ડ્રુએ એના પર બળાત્કાર કર્યો હતો. એની ફરિયાદને લઈને અત્યારે મેનહટનની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને લઈને રાજમાતાના ફરમાન પછી એન્ડ્રુએ એના શાહી ખિતાબ અને સૈન્યની પદવીઓ પણ પરત કરવી પડી છે.

 હવે પેલી મૉડલ પરના બળાત્કાર અને અન્ય જાતીય શોષણના આક્ષેપોની કોર્ટ બહાર પતાવટ કરવાની વાત ચાલે છે ત્યારે એન્ડ્રુએ પેલી મૉડલને ૧૨ મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા ૧૨ કરોડ રૂપિયા)ની રકમ વળતરરૂપે આપવાની ઓફર કરી છે…. આ વાત બહાર આવતા લફરાંબાજ પ્રિન્સ પર ગોરા નાગરિકો ઉપરાંત રાણીમા પણ સખત નારાજ થયા છે. રાજમાતાને મન પુત્રનાં આવાં સેકસકાંડ એમનાં વિક્રમસર્જક ૭૦ વર્ષના શાસનની શાનદાર ઉજવણી વખતે એમની પ્રતિષ્ઠાને જબરી બદનામી કરે તેવાં  છે…. 

આમ છતાં, જીવનની આવી ઘણી પછાડાટ ખાધા પછી પણ મહારાણી હાર્યા નથી.૯૫ વર્ષની જીવનસંધ્યાએ પણ ખુશનુમા મિજાજ સાથે તબિયતને ફૂલગુલાબી રાખે છે. એમને પ્રાચીન શિલ્પ તેમજ જૂની-પ્રાચીન ટપાલ ટિકિટ સંગ્રહનો ગાંડો શોખ છે. અપ્રાપ્ય એવાં એમના સ્ટેમ્પસ કલેક્શનની કિંમત કરોડોની ગણાય છે. રાણીમાતા કોઈ પણ નિષ્ણાતને મહાત કરી દે તેવું શ્વાન અને અશ્વ ઉછેરનું જ્ઞાન ધરાવે છે. એમને કાર ડ્રાઈવિંગનો જબરો શોખ છે. તક મળે તો કાર લઈને એ નીકળી પડે…. અને હાં, ૧૨૦થી વધુ રાષ્ટ્રની મુલાકાત લેનારાં આ મહારાણી ગ્રેટ બ્રિટનની એક માત્ર એવી મહિલા છે જેમના નામે આજે પણ કાયદેસર પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસન્સ નથી…!

Most Popular

To Top