Dakshin Gujarat

સુરત જિલ્લાની આ 13 ગ્રામ પંચાયતમાં હવે સરપંચ નહીં પરંતુ વહીવટદાર મુકાશે

સુરત: (Surat) ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Assembly Election) મોસમ વચ્ચે પ્રવર્તમાન એપ્રિલ મહિનામાં સુરત જિલ્લાના ઉમરપાડા, માંગરોળ અને માંડવી તાલુકાની ૧૩ ગ્રામપંચાયતોના (Gram Panchayat) સરપંચ તથા સભ્યોની મુદત સમાપ્ત થતા પહેલી નવી ચૂંટણીનું જાહેરનામું પાડવાનું રહી જતા હવે વહીવટદારો નીમવા પડશે. સુરત જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકારને આ અંગે ગઇકાલે દરખાસ્ત મોકલી દેવાઇ છે.

જિલ્લા પંચાયતના સૂત્રોથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ, જિલ્લાની માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોની ચાલુ એપ્રિલ માસમાં મુદત પૂરી થઈ રહી છે. આ ૧૩ ગામોના નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો માટેનું ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઈએ પરંતુ શરતચૂક કે અન્ય કારણોસર જાહેરનામું બહાર ન પડતા ખુદ સુરત જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીના નિયમો પ્રમાણે મુદત પૂરી થાય એ પહેલા દોઢ માસ અગાઉ જાહેરનામું પ્રસિધ્ધ થાય છે. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેરનામું બહાર પડે, સાથે સાથે ગ્રામપંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્યોના રૉટેશન પણ જાહેર થતા હોય છે. પરંતુ હવે તો ચાલુ મહિને ઉપરોક્ત ૧૩ ગ્રામ પંચાયતોની મુદત પૂરી થાય છે છતાં કોઈ પ્રક્રિયા આરંભાઈ નથી.

આ ઉપરાંત મે માસમાં અન્ય ૭ ગ્રામ પંચાયતોની પણ મુદત પૂરી થાય છે. ગ્રામપંચાયતોની મુદત પૂરી થતી હોવાની સુચના કે જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી અથવા તો કોઈ નિર્દેશ ન મળે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી શરૂ થતી નથી અને ચૂંટણી જાહેર ન થાય તો ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂંક કરવી પડે તેવી હાલત ઉભી થઇ છે. રાજ્ય ચૂંટણી આયોગના કોઈ નિર્દેશ નહીં મળવાને કારણે ૧૩ ગ્રામ પંચાયતમાં નવા સરપંચ નસીબ નહીં થાય, અને જિલ્લા પંચાયતે આ મામલે ગતરોજ વહીવટદારની નિમણુંક માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપી છે. અગાઉથી જે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સદસ્ય બનવા લોકો જાગૃત છે એવા લોકોના ઓરતા પણ હાલ પૂરતા અધૂરા રહી ગયા છે. એક સાથે ૧૩ ગ્રામ પંચાયતમાં સામૂહિક ધોરણે વહીવટદારની નિમણૂક કરવી પડશે. અને વધુમાં આગામી મે માસમાં સાત ગ્રામ પંચાયતની મુદત પૂરી થાય છે તેનું શું થાય છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Most Popular

To Top