Comments

જગતમાં હાલમાં ગરીબી અને બેરોજગારી છે એટલાં કયારેય ન હતાં

જગતીકરણને પ્રતાપે જગતમાં ગરીબ અને સમૃધ્ધ લોકો વચ્ચેની અસમાનતા અને અંતર (ખાઇ)માં ઘટાડો થશે એવી સુંદર ધારણા આજથી પચ્ચીસથી ત્રીસ વરસ અગાઉ બાંધવામાં આવી હતી. એમ મનાતું હતું કે સમૃધ્ધોનાં નાણાં ધીમે ધીમે નીતરતાં નીતરતાં ગરીબ લોકો સુધી પહોંચશે. પરંતુ જાગતીકરણનાં અમુક સારાં પરિણામોની વચ્ચે એ જૂની ચિંતાઓ અને ચર્ચાઓ હજી ચાલુ છે કે અસમાનતાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકશાહીઓ પર તેની અવળી અસર પડી રહી છે.

વાસ્તવમાં બે પ્રકારના દેશો ગરીબ અને સમૃધ્ધ વિકસી રહેલા અને વિકસિત વચ્ચેની ખાઇ વધુ પહોળી થઇ નથી. અસમાનતા છે પરંતુ તેમાં વધારો થયો નથી. તેનું કારણ એ છે કે ઘણા ઔદ્યોગિક અથવા વિકસિત દેશોની સરખામણીમાં જે વિકસી રહેલા દેશો છે, તેઓનો આર્થિક વિકાસ વધુ ઝડપે થઇ રહ્યો છે. બીજા શબ્દોમાં વિકસિત દેશોની ઝડપ વધી નથી પણ વિકસી રહેલા દેશોએ વિકાસની ગતિ વધારી છે. પરંતુ અમુક એવા દેશો છે, જેની સંખ્યા ઝાઝી છે, તે દેશોની અંદર સમૃધ્ધ અને અસમૃધ્ધ લોકોનું અંતર વધ્યું છે. જો કે તમામ વિકસી રહેલા દેશોમાં આ સ્થિતિ જોવા મળતી નથી. દક્ષિણ અમેરિકાના અને ઉત્તર આફ્રિકાના કેટલાક દેશોમાં ગરીબો અને તવંગરો વચ્ચેની ખાઇ હમણાનાં વરસોમાં ઘટી છે. છતાં સમગ્ર દુનિયાનો હિસાબ માંડવામાં આવે તો છેલ્લા ત્રણ દશકમાં જગતમાં આવકની અસમાનતા એકંદરે વધી રહી છે.

ક્રેડીટ સ્વીસ બેન્કના તાજેતરના એક રિપોર્ટ મુજબ અમેરિકા જેવા સમૃધ્ધ દેશમાં લોકોની સંપત્તિ બાબતમાં જે અસમાનતા જોવા મળે છે તે ચોંકાવનારી છે. અસમાનતા આત્યંતિક છે. શ્રીમંતોનું ધન ગળાઇ, ચળાઇને આખરે ગરીબો સુધી પહોંચશે એવી જે ધારણાઓ અમેરિકા અર્થ તજજ્ઞોએ બાંધી હતી તે બર આવી નથી. ઉલટાનું હજી ૨૦૩૦ સુધી અસમાનતા વધતી જશે. કારણ કે અમેરિકાની તળિયાની પચાસ ટકા અથવા અરધી આબાદી વાર્ષિક છ ટકાના દરે વૃધ્ધિ પામશે જયારે ટોચના એક ટકા લોકોની સમૃધ્ધિ વરસના ચાલીસ ટકાના દરથી વધશે. ક્રેડિટ સ્વીસ બેન્કનો રિપોર્ટ એમ પણ જણાવે છે કે જગતની કુલ સંપત્તિની અરધોઅરધ સંપત્તિ જગતના ટોચના માત્ર એક ટકા લોકોએ એકઠી કરી લીધી છે. બાકીની ૫૦ ટકા સંપદા બાકીના ૯૯ ટકા લોકોમાં વહેંચાયેલી છે.

જો કે છેલ્લા એક-બે દશકમાં જોવા મળ્યું છે કે જગતના અમુક હિસ્સાઓ અથવા પ્રદેશોમાં જે અંતિમ કક્ષાની ગરીબી પ્રવર્તતી હતી તેમાં ઘટાડો થયો છે. ૧૯૯૦ ના દશકમાં જગતમાં એકસ્ટ્રીમ અથવા હળાહળ ગરીબીનું પ્રમાણ ૩૬ ટકા હતું તે ૨૦૨૦ સુધીમાં ઘટીને દસ ટકા રહી ગયું છે. ૨૬ ટકાનો પેર્સેન્ટેજ પોઇન્ટ ઘટાડો નોંધપાત્ર જરૂર ગણી શકાય. દુનિયાના અને ખાસ કરીને એશિયાના કેટલાક વિકસી રહેલા દેશોએ વિકાસની ઝડપ હાંસલ કરી તેથી દારુણ ગરીબીમાં આ માતબર ઘટાડો નોંધાયો છે. વિકસી રહેલા દેશોનાં ગરીબ લોકોને યોગ્ય ખોરાક, આરોગ્ય, શિક્ષણ, આવાસ વગેરેની સુવિધાઓ મળતી થઇ છે.

જો કે કોવિડે છેલ્લાં બે વરસમાં આ ગતિમાં પંકચર પાડયું હતું અને હજી ગાડી માંડ માંડ પાટે ચડી રહી હતી ત્યારે રશિયા – યુક્રેનનું યુદ્ધ આવી ચડયું. એટલે હજી બધું ઓલ વેલ (આલબેલ) છે એવો પોકાર થઇ શકે એમ નથી. આવી રહેલું નવા પ્રકારનું શીતયુદ્ધ (ચીન રશિયા અને અમેરિકા વચ્ચે) વિકાસની ઝડપને હજી અનેક વરસો સુધી બ્રેક મારતું રહેશે. પણ બધા દિવસો એકસરખા હોતા નથી. ખરાબ આવે અને જાય છે તેમ સારા જતા અને આવતા રહેશે. પરંતુ હાલનાં વરસોના વિપરીત સંજોગોને કારણો ફરીથી કરોડો લોકો ગરીબીની ગર્તામાં ઊતરી ગયાં છે.

આ બન્ને સ્થિતિ ઉપરાંત ઘરઆંગણેના કેટલાક અવિચારી નિર્ણયોને કારણે શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોનો એક મોટો સમુદાય સાવ ગરીબ બની ગયો. વર્તમાન યુદ્ધ અને કોરોનાના પડઘાઓએ જગતમાં મોંઘવારી વધારી દીધી છે. બ્રિટન, યુરોપ અને અમેરિકાનાં નાગરિકોને હવે બેઠક તપી રહી હોય એવું લાગે છે. દરેક ચીજની કિંમતોમાં વીસથી ત્રીસ ટકાનો વધારો થયો છે પણ ભારતના સરકારી બાબુઓ સિવાય કોઇની આવક એ પ્રમાણમાં વધી નથી, બલ્કે ઘટી છે. પગાર ઘટયા અને મોંઘવારી વધી. જેમની પાસે હતી એ બચતો ખવાઇ ગઇ. છતાં સોનાના ભાવ વધે છે. કારણકે ઉપરનો એકથી પાંચ ટકાના વર્ગની આવકમાં કોઇ ફરક પડયો નથી. હંમેશા આ વર્ગ જ સોનું ખરીદતો હોય છે.

ગ્લોબલાઇઝેશન (વૈશ્વિકીકરણ)નો ઘણાને અતિશય ફાયદો મળ્યો છે, પણ બધાને મળ્યો નથી. નવી ટેકનોલોજીને લગતા ઉદ્યોગો ખૂબ વિકસ્યા. નવી ઇકોનોમી નવી સંપત્તિ પેદા કરે છે પણ તેના ફાયદા સમાજના દરેક તબકકાને સપ્રમાણ મળ્યા નથી. દેશોનાં અર્થતંત્રો પર પણ આ પ્રકારની જ અસર પડી છે. કેટલાંક ખૂબ સમૃધ્ધ થયાં, જે ઓલરેડી સમૃધ્ધ હતાં અથવા જેણે પ્રગતિની રાહ પકડી હતી. પણ કેટલાક દેશો પર કરજ અને વ્યાજનો બોજ વધી ગયો. આ સ્થિતિમાં કેટલાક વિકસી રહેલા દેશો પણ મૂકાઇ ગયા છે. પરિણામે વિકસિત અને વિકસી રહેલા દેશોનાં લોકોની માથાદીઠ આવકમાં પણ ખૂબ મોટો ફરક, મોટું અંતર પેદા થયાં. જગતમાં આજે ગરીબો અને બેરોજગાર લોકોની સંખ્યા છે એટલી અગાઉ કયારેય ન હતી. જો આ કુલ ફલશ્રુતિને ધ્યાનમાં લેવામાં આવે તો વિકાસ થયો હોય તો પણ થયેલો ન ગણાય. જેમાં ગરીબો અને બેરોજગાર વધુ હોય. જો કે આ સમગ્ર વિશ્વની સ્થિતિ છે જેમાં અન્ય ગરીબ દેશોની સ્થિતિ અત્યંત વિકટ છે જયાં લોકોને બે ટંકનું ખાવાનું મળતું નથી. દવા, શિક્ષણ વગેરેની વાત બાજુએ રહી.

અફઘાનિસ્તાનના લોકો કિકડીઓ, લિવર અને પોતાનાં બાળકો વેચીને જીવતાં રહેવાની મથામણ કરી રહ્યાં છે. ભારતમાં એવી બેરોજગારી નથી કે લોકોને સાવ કામ ન મળે. ભારતના અમુક ઉદ્યોગોમાં યોગ્ય માણસો મળતાં નથી. આજે કારીગરો ખૂબ ઊંચો ચાર્જ લગાવે છે તેનો અર્થ એ કે કારીગરોની, કડિયા, ઇલેકિટ્રશ્યન, પ્લમ્બર (એમ જ), સુથાર વગેરેની તંગી છે. હજારો રૂપિયા લઇ, બાથરૂમની દીવાલમાં ટાઇલ્સમાં છૂપાવેલી (કન્સીલ્ડ) પાઇપ, કે જેના પર કાણું પાડવું ન જોઇએ તેના પર પાડીને જતા રહે. બીજા ત્રીસ, ચાલીસ હજારનો નિશ્ચિત ખર્ચ આપીને જાય, આ પ્રકારના કારીગરોને પણ કામ મળી જાય છે. ભારતમાં જે બેરોજગારી છે તેમાં પૂર્ણપણે નહીં, પણ આ પ્રકારના બિનકુશળ, શીખવાની ધગશ નહીં ધરાવતા, આળસુ અને હળદરની ગાંઠે ગાંધી થયેલાં લોકોની ટકાવારી પણ મોટી હશે. પ્રજા અને નેતાઓ બન્ને સરખા હોય ત્યારે સમસ્યાઓનું કદ બેવડાતું હોય છે. આફ્રિકા અને એશિયાના દેશોને આ સમસ્યા પણ પજવે છે.

વરસ ૨૦૨૦ માં, કોરોનાને કારણે જગતમાં બોંતેરથી બ્યાશી કરોડ લોકોએ પૂર્ણ અથવા ભૂખમરાનો સામનો કરવો પડયો હતો. કોરોના લંબાયો તેથી શકય છે કે આંકડાઓમાં વધારો થયો હોય. જે દેશોમાં પહેલેથી જ આર્થિક અસમાનતા વધુ હતી ત્યાંનાં ગરીબોએ કોરોના સંકટમાં, ઓછી અસમાનતાવાળા દેશોના નાગરિકોની સરખામણીમાં ખૂબ સહન કરવું પડયું. યુનોના આર્થિક અને સમાજ વિભાગનો ૨૦૨૦ નો એક રિપોર્ટ કહે છે કે દુનિયાની સિત્તેર ટકા વસતિમાં અસમાનતા (ખાઇ)નું પ્રમાણ વધી રહ્યું છે, જે અમુક પ્રદેશોની રાજકીય સ્થિરતા માટે પણ સારી વાત નથી. લોકશાહીય દેશોમાં પણ આ ખાઇ વધુ પહોળી બની છે.

ઓર્ગેનિઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓસીઇડી) સંગઠનના ૩૮ સભ્ય દેશો છે. આ દેશોની ટોચની દસ ટકા વસતિની જરૂરિયાત સિવાયની આવકમાં તળિયાનો દસ ટકા આબાદીની આવકની સરખામણીમાં નવ ગણો વધારો થયો છે. તેમાંય કોવિડ સંકટનાં બે વરસમાં અસમાનતાએ માઝા મૂકી. દુનિયાના અબજોપતિઓએ કોરોના અગાઉના ચૌદ વરસમાં જે કુલ કમાણી કરી હતી એટલી કમાણી તેઓએ કોરોના સંકટના બે વરસમાં કરી નાખી. તેમાંય ટોચના દસ અબજપતિઓની સંપદા માત્ર બે વરસમાં જ બમણી થઇ ગઇ. દાગ અચ્છે હૈ ની માફક કોરોના અચ્છા હૈ. વધુ ખરાબ વાત એ રહી કે કોરોના સંકટમાં જગતની ૯૯ ટકા વસતિની આવક ઘટી હતી. શું તેનો અર્થ એમ કરવો કે સંકટ સમયે ભગવાન પણ અતિ શ્રીમંતોને સાથ આપે છે? અરે આ શું બોલી નાખ્યું? ભજ ગોવિંદમ્, ભજ ગોવિંદમ્‌ મૂઢમતે!

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top