Comments

અમેરિકામાં અભૂતપૂર્વ કહી શકાય એવી બે ઘટના બની રહી છે

એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે અને જાહેરજીવનમાં ભાગ્યે જ દેખા દે છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખો જીમ્મી કાર્ટર, બીલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ, બરાક ઓબામા હજુ હયાત છે, પણ તમે તેમના ચહેરા કે રાજકીય નિવેદન ભાગ્યે જ જોયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પ આમાં અપવાદ છે. પહેલી વાત તો એ કે તેમણે પ્રમુખપદની ગઈ ચૂંટણીમાં તેમના થયેલા પરાજયને હજુ સુધી સ્વીકાર્યો નથી અને હજુ પણ કહે છે કે ચૂંટણીમાં રમત રમાઈ હતી અને તેમના વિજયને છીનવી લઈને તેમને પરાજિત કરવામાં આવ્યા હતા. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયદનની પ્રમુખ તરીકેની સોગંદવિધિમાં ભાગ નહોતો લીધો, કહો કે બહિષ્કાર કર્યો હતો અને એવું અમેરિકન લોકતાંત્રિક ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું. અત્યારે તેઓ સતત તેમના રિપબ્લિકન પક્ષમાં ધરાર કેન્દ્રસ્થાને રહેવા ઉધામા કરી રહ્યા છે અને પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગે છે.

સાધારણ રીતે પ્રમુખપદની પહેલી મુદત પછી પરાજીત થનાર પ્રમુખ બીજીવાર ઉમેદવારી નથી કરતા. જીમ્મી કાર્ટર આનું હયાત ઉદાહરણ છે. તેઓ તેમના પોતાના પક્ષના પ્રમુખપદના હરીફ ઉમેદવાર વિષે એવું બોલે છે જેવું સભ્ય માણસ વિરોધ પક્ષના નેતા વિષે પણ ન બોલે. પણ એવા તેમના સંસ્કાર છે ત્યાં કોઈ શું કરે! બીજી ઘટના મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોની છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાય એ પછી બરાબર બે વરસે નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાના મંગળવારે સેનેટ અને પ્રતિનિધિગૃહની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાય છે જેને મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે.


આપણી જેમ બેઠક ખાલી થાય એના છ મહિનામાં ચૂંટણી યોજવામાં નથી આવતી. હવે અત્યાર સુધીનો મહદ્ અંશે ઈતિહાસ એવો છે કે મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી પક્ષનું મોટા પ્રમાણમાં ધોવાણ થતું હોય છે. કેનેડી, ક્લીન્ટન કે ઓબામા જેવા લોકપ્રિય અને પ્રતિભાવાન પ્રમુખોને પણ પરાજય ખમવો પડ્યો છે, જ્યારે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાયડન તો પ્રતિભાશૂન્ય નબળા પ્રમુખ તરીકેની ઈમેજ ધરાવે છે. ડેમોક્રેટો અને ઉદારમતવાદી અમેરિકન નાગરિકો ચિંતા કરતા હતા કે બાયડનનું રગશિયું ગાંડું જે રીતે ચાલી રહ્યું છે એ જોતાં ૨૦૨૪માં ડેમોક્રેટિક પક્ષ બીજી વાર સત્તામાં આવશે કે કેમ! અને એકવાર આવે તો પણ વાંધો નહીં, ટ્રમ્પ નામનો બેવકૂફ અને અસંસ્કારી માણસ પાછો આવ્યો તો?

પણ અમેરિકામાં કમાલ થઈ રહી છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનું એટલું ધોવાણ નથી થયું જેટલું મધ્યસત્ર ચૂંટણીઓમાં શાસક પક્ષનું થતું આવ્યું છે અને ઉપરથી રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પસમર્થકોનો ખાસ પરાજય થઈ રહ્યો છે.
પરિણામોને કારણે રિપબ્લિકન પક્ષમાં અચાનક સવાલ પેદા થયો છે કે હવે આ ટ્રમ્પનું કરવું શું? ટ્રમ્પ નામનો માણસ પક્ષ માટે પનોતી છે કે પછી તાકાત છે? ૧૬૮ વરસ જુના પક્ષની તાકાત શેમાં છે; ટ્રમ્પના પૈસા અને માથાભારેપણામાં કે પછી વિવેક, મર્યાદા અને સભ્યતામાં?

અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓને લાગતું હતું કે જે અસભ્ય ભાષામાં આપણે નથી બોલી શકતા એ ભાષામાં એ બોલી શકે છે અને પક્ષના સમર્થકોને એ ભાષા ગમે છે માટે ટ્રમ્પને ચલાવી લેવો જોઈએ. એ ગમે તેની ગમે તેવી ઠેકડી ઉડાડી શકે છે અને પક્ષના સમર્થકોને એવી વિકૃતિમાં સુખ મળે છે માટે તેને ચલાવી લેવો જોઈએ. એ શરમાયા વિના બેધડક જુઠું બોલી શકે છે અને બેવકૂફ સમર્થકો તેને સ્વીકારી લે છે જ્યારે આપણે એ નથી બોલી શકતા માટે તેને ચાલાવી લેવો જોઈએ. એની પાસે પુષ્કળ પૈસા છે, જોઈએ એટલા પૈસા ગમે ત્યાંથી લઈ આવે છે અને પૈસા દ્વારા વિરોધ પક્ષ ઉપર સરસાઈ મેળવી શકાય છે માટે ટ્રમ્પને સાંખી લેવો જોઈએ. ટૂંકમાં એ સત્તા સુધી પહોંચાડે છે ને! મમમમથી કામ છે કે ટપટપથી!

પણ હવે ચૂંટણીનાં પરિણામો જોઇને રિપબ્લિકનો હેબતાઈ ગયા છે. બાયડન જેવો નબળો પ્રમુખ હોય અને ટ્રમ્પ જેવો સર્વ-અવગુણ-સંપન્ન અને પૈસાની રેલમછેલ કરનારો માથાભારે સ્પર્ધક હોય ત્યારે આવાં અણધાર્યા પરિણામ કેમ આવ્યાં? એમાં વળી ટ્રમ્પના માણસો કેમ ખાસ પરાજીત થઈ રહ્યા છે? એક વાત તો નક્કી છે કે મતદાતાઓએ પ્રમુખ જો બાયડનને વિજયી નથી કર્યા, કારણ કે તેમને વિજયી કરવા માટે કોઈ કારણ જ નથી. તો તાત્પર્ય એટલું જ નીકળે છે કે મતદાતાઓએ ટ્રમ્પ અને ટ્રમ્પવૃત્તિની વિરુદ્ધ મત આપ્યા છે?

પણ કોણે? જવાબ દેખીતો છે. એ લોકોએ જેઓ નથી ડેમોક્રેટિક પાર્ટીના કે નથી રિપબ્લિકન પાર્ટીના સમર્થક. અંગ્રેજીમાં જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય તેણે ટ્રમ્પને અવરોધવાનું મિશન હાથ ધર્યું છે. અને એ લોકોએ પણ જેઓ રિપબ્લિકન પાર્ટીના સમર્થક તો છે, પણ તેમને ટ્રમ્પનું અસંસ્કારી અમેરિકા નથી ખપતું. પક્ષના સમર્થકોએ સંસ્કારી સભ્ય અમેરિકાને બચાવવા પક્ષના ટ્રમ્પસમર્થક ઉમેદવારોને વીણીવીણીને પરાજીત કર્યા છે. જો આ તારણ સાચું હોય અને ખોટું હોવા માટે કોઈ કારણ નથી તો એનો અર્થ એ થયો કે જગત આખામાં વિવેકી અને અવિવેકી અથવા કહો કે ઉદાર અને અનુદાર પ્રજા વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે.

પક્ષીય ધ્રુવીકરણ પ્રજાકીય ધ્રુવીકરણમાં ફેરવાઈ રહ્યું છે. ઇઝરાયેલ જેવા ઇઝરાયેલમાં પહેલીવાર પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે, જ્યારે કે ત્યાનું રાજકારણ ઇઝરાયેલની સ્થાપનાથી લઈને આજ સુધી યહૂદીઅસ્મિતા, યહૂદીઓનું માદરેવતન ઇઝરાયેલ અને ઇઝરાયેલ સામેનાં અસ્તિત્વનું સંકટ એમ ત્રણ મુદ્દે ચાલતું આવ્યું છે. એક પ્રકારની પ્રજાકીય રાષ્ટ્રીય સર્વસંમતી હતી. આજે ઇઝરાયેલની પ્રજા વચ્ચે સંસ્કારી યહૂદીઓ અને અસંસ્કારી યહૂદીઓ જેવું ધ્રુવીકરણ થયું છે. બેન્જામીન નેતાન્યાહૂની ઝનૂની નીતિનું આ પરિણામ છે. ભારતમાં પણ આવું પ્રજાકીય ધ્રુવીકરણ નજરે પડી રહ્યું છે અને રાહુલ ગાંધીની પદયાત્રાએ એ ધ્રુવીકરણને વેગ અને દિશા આપ્યાં છે. વિવેકનિષ્ઠ ભારતીય પ્રજાને બંધારણ દ્વારા આકાર પામેલું સહિયારું ભારત ટકાવી રાખવું છે જેના કેન્દ્રમાં કાયદાનું રાજ હોય અને પ્રજાકીય વિકાસ હોય, પ્રજાકીય તિરાડ નહીં. આ આકાર લેતું ધ્રુવીકરણ આગળ જતાં કેવો રાજકીય પડઘો પાડે છે એ તો સમય કહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top