Business

અદાલતોમાં AIના ઉપયોગમાં ગંભીર ભયસ્થાનો રહેલા છે

છેલ્લાં કેટલાક વર્ષોમાં, જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ હેલ્થકેરથી લઈને શિક્ષણ, મનોરંજનથી લઈને ફાઇનાન્સ અને કાયદા ક્ષેત્ર સુધીના ઘણા ઉદ્યોગોમાં નોંધપાત્ર ફેરફારો આપ્યા છે. પરંતુ કાયદાના કે અદાલતી ક્ષેત્રમાં એઆઇનો ઉપયોગ કરવામાં કેટલાક ગંભીર ભયસ્થાનો જણાઇ આવ્યા છે. વકીલ મહાશયો મહેનત ઓછી કરવી પડે તે આશયથી એઆઇનો ઉપયોગ કરવા માંડ્યા. એઆઇ વડે પિટિશનો તૈયાર કરવા માંડ્યા અને જવાબો તૈયાર કરવા માંડ્યા અને અને આ એઆઇ અદાલતી અરજીઓ અને રજૂઆતોમાં ચુકાદા ટાંકીને આપવા માંડી અને ઘણા કિસ્સાઓમાં પોલ પકડાઇ કે એઆઇ તો જેનું અસ્તિત્વ જ નહીં હોય તેવા કપોળકલ્પિત ચુકાદાઓ કે કિસ્સાઓ દલીલોના ટેકામાં ટાંકે છે! અદાલતી ચુકાદાઓમાં ‘જનરેટિવ એઆઈ’ (gen AI) નો ઉપયોગ ન્યાય પ્રક્રિયા માટે મોટા જોખમો ઉભા કરે છે. જ્યારે આ ટેક્નોલોજીને અદાલતોમાં લાવવામાં આવે છે ત્યારે કાલ્પનિક/ખોટી માહિતીથી ઉત્પન્ન થતા ભૂલભરેલા પરિણામો, ભેદભાવપૂર્ણ નિર્ણયો અને પારદર્શિતાનો અભાવ એ તમામ ચિંતાના વિષયો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા તૈયાર કરાયેલા અસ્તિત્વમાં ન હોય તેવા, નકલી અને ભ્રામક  ચુકાદાઓના ઉપયોગ સામે લાલ આંખ કરતા, સુપ્રીમ કોર્ટે હાલમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના એક ચુકાદાને રદબાતલ ઠેરવ્યો હતો અને જણાવ્યું હતું કે અદાલતોએ AI-જનરેટેડ પૂર્વચુકાદાઓ ટાંકવા અથવા તેનો ઉપયોગ કરવા સામે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઇએ. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને આલોક અરાધેની ખંડપીઠે જણાવ્યું હતું કે, નકલી, અસ્તિત્વમાં ન હોય તેવી અને ભ્રામક સામગ્રીનું ઉત્પાદન અને કાયદામાં પૂર્વચુકાદા તરીકે તેનો ઉપયોગ, કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં મિથાઈલ આઈસોસાયનાઈડ ગેસ છોડવા સમાન છે: જે અદ્રશ્ય, કપટી અને કોઈનું ધ્યાન જાય ત્યાં સુધીમાં તો વિનાશક સાબિત થાય છે. તે ન્યાયિક નિર્ણયની પ્રક્રિયાને માત્ર દૂષિત જ નથી કરતું, પરંતુ તેના મૂળ આત્માને જ છીનવી લે છે. જજોનો રોષ બિલકુલ વાજબી જ છે. એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના નાદારીના કેસ પરના NCLT ના ચુકાદાને સુપ્રીમ કોર્ટે એ બાબતની નોંધ લીધા પછી રદ કર્યો હતો કે ટ્રિબ્યુનલે AI ટૂલ્સ દ્વારા જનરેટ કરાયેલા અસ્તિત્વમાં ન હોય તેવા, નકલી અને કાલ્પનિક ચુકાદાઓના પૂર્વઉદાહરણો પર ભરોસો મૂક્યો હતો.

ચુકાદામાં જણાવાયું હતું કે, અદાલતો માટે એ જરૂરી છે કે તેઓ ચકાસણી કર્યા વિના AI-જનરેટેડ પૂર્વચુકાદાઓ રજૂ કરવા, ટાંકવા અથવા તેનો ઉપયોગને બિલકુલ પણ ચલાવી નહીં લે. ચકાસણી કર્યા વિના આવા ચુકાદાઓ ટાંકવા એ વકીલના પક્ષે ગેરવર્તણૂક છે. ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઈ ન્યાયાધીશ પોતાના નિર્ણયના સમર્થનમાં પૂર્વચુકાદા તરીકે આવી નકલી અથવા ભ્રામક AI-જનરેટેડ સામગ્રી પર આધાર રાખે છે, તો તે પણ એટલી જ ગંભીર બેદરકારી છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, “અમને એ જાહેર કરવામાં કોઈ સંકોચ નથી કે આવો નિર્ણય કાયદાની નજરમાં કોઈ નિર્ણય જ નથી, પછી ભલે આવી સામગ્રીની નિર્ણય લેવાની પ્રક્રિયા પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર પડી હોય કે ન પડી હોય.

જો નિર્ણય લેવાની પ્રક્રિયામાં નકલી કે ભ્રામક સામગ્રીનો સહેજ પણ અંશ પ્રવેશે તો પણ આવા નિર્ણયોને રદ કરવા પાત્ર છે, કારણ કે તે ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ બિલકુલ યથાયોગ્ય છે. જેનું અસ્તિત્વ જ નહીં હોય તેવા ચુકાદાઓ અને ખોટી માહિતીઓના આધારે કોઇ અદાલત ચુકાદો આપે તે કેટલી ગંભીર બાબત છે. બેન્ચે યોગ્ય રીતે જ કહ્યું કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રામાણિકતા અને અખંડિતતા જાળવવી અત્યંત જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આવી સામગ્રી ટાંકવા, તેનો સંદર્ભ આપવા કે પછી તેના પર નિર્ભર રહેવા સામે ઝીરો-ટોલરન્સની વાત કરી છે અને આવું થવું જ  જોઇએ. સાવ ગપગોળા જેવી વાતોના આધારે ચુકાદા કઇ રીતે આપી શકાય?

આજે એઆઇનો ઉપયોગ ઘણો વધ્યો છે અને તેનો લાભ વકીલો પણ ઉઠાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઘણા વકીલો આળસના કારણે કે પછી અક્ષમતાને કારણે અરજી લખવામાં એઆઇની મદદ લેવા માંડ્યા. પરંતુ એઆઇની સૌથી મોટી મર્યાદા એ જણાઇ આવી છે કે તે પોતાને ખબર નહીં હોય તેવી વાત અંગે પણ એમ નથી કહેતી કે મને આ વાતની માહિતી નથી! તેના બદલે તે ઠોકાઠોક કરે છે.

કોઇ વકીલ પોતાના અસીલ વતી પિટિશન તૈયાર કરે કે જવાબ તૈયાર કરે અને તેમાં એઆઇની મદદ લે તો એઆઇ આ અરજીમાં દલીલોના ટેકામાં સાવ કપોળ કલ્પિત, જે ક્યારેય કોઇ અદાલત દ્વારા અપાયા જ ન હોય તેવા ચુકાદાઓ ટાંકે છે! વકીલો જરાયે તપાસ કરવાની તસ્દી લીધા વિના આવી અરજી રજૂ કરી દે  છે અને તેવી અરજીઓના આધારે કેટલાક ચુકાદા કે આદેશો તો અપાઇ પણ ગયા છે! આ સ્થિતિ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી તે યોગ્ય જ છે. જયાં સુધી એઆઇ પુરતી વિશ્વસનીય બને નહીં ત્યાં સુધી અદાલતી ક્ષેત્રમાં તેના આધારે અરજીઓ વગેરે તૈયાર કરવા પર પ્રતિબંધ જ મૂકી દેવામાં આવે તે જ યોગ્ય છે.

Most Popular

To Top