National

કોંગ્રેસ સરકારને હચમચાવનાર બોફોર્સ કાંડનો 40 વર્ષ પછી અંત, સુપ્રીમ કોર્ટે છેલ્લી અરજી પણ ફગાવી

બોફોર્સ કૌભાંડનો લગભગ ચાર દાયકાથી ચાલતો કાનૂની વિવાદ હવે આખરે પૂર્ણ થયો છે. દેશના સૌથી ચર્ચિત અને રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં ગણાતા આ મામલે સુપ્રીમ કોર્ટે છેલ્લી બાકી રહેલી અરજી પણ ફગાવી દીધી છે. આ સાથે વર્ષ 2005માં દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામેનો છેલ્લો કાનૂની પડકાર પણ સમાપ્ત થઈ ગયો છે. હવે બોફોર્સ કેસને કાયદાકીય રીતે સંપૂર્ણપણે બંધ માનવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ભાજપના નેતા અને વકીલ અજય કે. અગ્રવાલે દિલ્હી હાઈકોર્ટના 2005ના નિર્ણયને પડકારતી અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન તેમણે સ્વર્ગસ્થ શ્રીચંદ હિંદુજા અને ગોપીચંદ હિંદુજાના નામ અરજીમાંથી દૂર કરવા માટે વધુ સમય માંગ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આ માંગ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યારે દિલ્હી હાઈકોર્ટ ઘણા વર્ષો પહેલાં જ તમામ આરોપીઓને કેસમાંથી મુક્ત કરી ચૂકી છે, ત્યારે હવે આ અરજી ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો ઘણા વર્ષોથી કાયદાકીય રીતે પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે તેને વધુ લંબાવવાની જરૂર નથી. ત્યારબાદ અરજી ફગાવી દેવામાં આવી હતી. આ નિર્ણય સાથે બોફોર્સ કેસમાં છેલ્લો કાનૂની વિકલ્પ પણ સમાપ્ત થઈ ગયો છે. આ પહેલાં વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અપીલ પણ ફગાવી દીધી હતી. સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે લગભગ 4,522 દિવસના વિલંબ બાદ અપીલ કરી હતી, પરંતુ આટલા લાંબા વિલંબનું સંતોષકારક કારણ રજૂ કરી શકી નહોતી. તેના કારણે કોર્ટએ તે અરજી પણ નામંજૂર કરી દીધી હતી. 31 મે, 2005ના રોજ દિલ્હી હાઈકોર્ટે હિંદુજા બંધુઓ અને સ્વીડનની હથિયાર નિર્માતા કંપની એબી બોફોર્સ સામેના તમામ આરોપો રદ કર્યા હતા. કોર્ટે તપાસમાં રહેલી ખામીઓ અંગે સીબીઆઈની ટીકા પણ કરી હતી. ત્યારથી આ કેસમાં કોઈ મોટી કાનૂની પ્રગતિ થઈ નહોતી અને હવે સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણય બાદ આ પ્રકરણનો સત્તાવાર અંત આવ્યો છે.

બોફોર્સ કૌભાંડની શરૂઆત 1986માં થઈ હતી. તે સમયે ભારત સરકારે સ્વીડનની એબી બોફોર્સ કંપની સાથે ભારતીય સેના માટે 400 હોવિત્ઝર તોપોની ખરીદી માટે આશરે 1,437 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. આ સોદો દેશના સૌથી મોટા સંરક્ષણ સોદાઓમાંનો એક માનવામાં આવતો હતો. પરંતુ એપ્રિલ 1987માં સ્વીડિશ રેડિયોના એક અહેવાલે સમગ્ર દેશમાં રાજકીય ભૂકંપ સર્જ્યો હતો. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સોદો મેળવવા માટે કેટલાક ભારતીય રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને મધ્યસ્થીઓને કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. આ ખુલાસા બાદ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચ્યો હતો અને વિરોધ પક્ષોએ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કૌભાંડની સીધી અસર દેશની રાજનીતિ પર પણ પડી હતી. વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું અને રાજીવ ગાંધીની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ. બોફોર્સ મુદ્દો તે સમયની ચૂંટણીમાં સૌથી મોટો રાજકીય મુદ્દો બન્યો હતો અને લાંબા સમય સુધી દેશની રાજનીતિમાં તેની ચર્ચા ચાલતી રહી.

જાન્યુઆરી 1990માં સીબીઆઈએ આ કેસમાં ગુનાહિત કાવતરું, ભ્રષ્ટાચાર અને છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ તપાસ આગળ વધતાં ઈટાલિયન વેપારી ઓત્તાવિયો ક્વાત્રોચી સહિત અનેક લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક દેશોમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ઘણા મહત્વના પુરાવા અને આરોપીઓ સુધી તપાસ એજન્સીઓ પહોંચી શકી નહોતી. સમય જતાં કેસ વધુ જટિલ બનતો ગયો. વર્ષ 2004માં દિલ્હી હાઈકોર્ટે રાજીવ ગાંધીને આ કેસમાં કોઈ ગુનાહિત જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ઓત્તાવિયો ક્વાત્રોચીને ભારત લાવવા માટે પણ અનેક પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. અંતે વર્ષ 2011માં ટ્રાયલ કોર્ટે તેને પણ કેસમાંથી મુક્ત કર્યો હતો.

આ દરમિયાન કેસ સાથે જોડાયેલા અનેક મુખ્ય આરોપીઓ અને સાક્ષીઓનું અવસાન થઈ ગયું. લાંબા સમય સુધી ચાલેલી તપાસ, અદાલતી કાર્યવાહી અને પુરાવાઓના અભાવે કેસ ધીમે ધીમે નબળો પડતો ગયો. પરિણામે એક પછી એક આરોપીઓને રાહત મળતી ગઈ. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બોફોર્સ કૌભાંડનો છેલ્લો કાનૂની અધ્યાય પણ પૂર્ણ થઈ ગયો છે. લગભગ 40 વર્ષ સુધી દેશની રાજનીતિ, સંરક્ષણ સોદાઓ અને ન્યાયિક પ્રક્રિયામાં ચર્ચાનું કેન્દ્ર રહેલો આ કેસ હવે ઇતિહાસનો ભાગ બની ગયો છે.

Most Popular

To Top