Gujarat Main

ગુજરાતમાં ઓમિક્રોનનું સંક્રમણ વધ્યું, આ શહેરમાં 2 નવા કેસ આવ્યા, કુલ કેસની સંખ્યા 3 પર પહોંચી


જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા બાદ વધુ બે કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીની (Patient) સંખ્યા 3 પર પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગ માટે જામનગરથી વધુ ચિંતાજનક સમાચાર આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ સામે આવ્યા છે. જામનગરમાં પ્રથમ દર્દીના સંપર્કમાં આવેલા તેના બે સંબંધીઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આ અગાઉ ગઈ તા. 28મી નવેમ્બરના રોજ હાઈરિસ્ક કન્ટ્રી ઝિમ્બાબ્વેથી (Zimbabwe) ગુજરાત આવેલા 72 વર્ષીય દર્દીને ઓમિક્રોન થયો હોવાનું બહાર આવ્યું હતું. આ દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો અને સંબંધીઓના પણ આરોગ્યતંત્ર દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. ત્યારે દર્દીના પત્ની અને સાળાને પણ ઓમિક્રોન થયો હોવાનું બહાર આાવ્યું છે. 72 વર્ષીય દર્દી અને તેના પત્નીને મુંબઈ એરપોર્ટ પરથી જામનગર તેમનો સાળો લાવ્યો હતો. તેથી તે પણ ઓમિક્રોનમાં સપડાયો છે. આ બંને દર્દીને કોરોનાના કોઈ લક્ષણ નહોતા. છતાં તેઓ પોઝીટીવ આવ્યા છે. હાલ તબિયત સ્થિર છે.

ગુજરાત અને ખાસ કરીને જામનગરમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા વધીને 3 પર પહોંચતા રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જામનગર કલેક્ટરની સીધી નિગરાની હેઠળ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમજ તેઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. 72 વર્ષીય વૃદ્ધ જે મકાનમાં રહેતા હતા ત્યાં ટ્યૂશન ચાલતું હોવાનું સામે આવ્યા બાદ વિદ્યાર્થી તેમના વાલીઓને પણ હોમ આઈસોલેટ કરી દેવાયા હતા.

Most Popular

To Top