Comments

શિક્ષક ભરતી કૌભાંડ મમતાને ભારે પડશે

પશ્ચિમ બંગાળમાં ભાજપ ૨૦૧૯ કરતાં વધુ કોર કરવા ચાહે છે અને એમાં કેટલીક ઘટનાઓ ભાજપને મદદરૂપ બની શકે એમ છે. સંદેશખાલી પછી શિક્ષક ભરતી કૌભાંડ મમતા બેનરજીને ભારે પડે એવી પૂરી શક્યતા છે. ૨૦૧૯માં ટીએમસીને ૨૪ બેઠકો મળી હતી અને ભાજપને ૧૮. અને બંનેમાં વોટ શેરમાં ત્રણ ટકાનો તફાવત હતો. આ વેળા એ અંતર વધુ ઘટી શકે એમ છે.
દેશમાં સાત તબક્કામાં મતદાન થઇ રહ્યું છે અને એમાં બંગાળનો પણ સમાવેશ થાય છે. અહીં મોદી – શાહની સભા , રેલીઓ થઇ ચૂક્યાં છે અને એમાં સંદેશ્ખાલીનો કિસ્સો ચર્ચામાં રહે એ સ્વાભાવિક છે.

સંદેશખાલી નાનકડું ગામ છે, જ્યાં ટીએમસીના નેતા શાહજહાં શેખ દ્વારા જમીનો પડાવવી અને મહિલાઓ સાથે દુર્વ્યવહારની વાતો બહુ ચર્ચામાં હતી. આ કિસ્સાઓ હદ વળોટી જતાં ભાજપે એને મુદો્ બનાવ્યો અને સ્થાનિક લોકોમાં ય ઓરસ હતો. મમતા સરકારે શરૂઆતમાં શાહજહાંને પકડવામાં ઢીલ દાખવી પણ હાઈકોર્ટે ફરજ પાડી અને શાહજહાંની ધરપકડ થઇ પણ એ પછી ય એનઆઈએની ટીમ પર ત્યાં હલ્લો થયો. આ બધી ઘટનાઓનો લાભ ભાજપ ઉઠાવે એ સમજી શકાય એમ છે.

બાકી હતું તેમાં બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ મુદે્ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કદાચ આખા દેશમાં આ સૌથી મોટી ભરતી કૌભાંડ છે. ૨૦૧૬માં બંગાળમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માટે શિક્ષકો અને બિનશિક્ષકની ૨૪,૦૬૦ જગ્યાઓ માટે પરીક્ષાઓ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા યોજાઈ. એ વેળા મમતા સરકારમાં શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી હતા. અત્યારે એ ટીએમસીનાં મહામંત્રી છે.

આ ભરતીઓમાં ૨૩ લાખ લોકોએ અરજી કરી હતી અને પરીક્ષાઓ લેવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયા પૂરી થઇ અને પસંદગીની યાદી બહાર પડી એ પછી વિવાદ શરૂ થયો હતો. કેટલાક નોકરીવાંછુએ કોર્ટમાં પીટીશન કરી હતી ત્યારથી આ કેસ ચાલુ હતો. બાદમાં ઈડીએ એમાં એન્ટ્રી લીધી અને પાર્થ ચેટરજીને ત્યાં દરોડા પાડ્યા અને એમાં રૂ. ૨૮ કરોડ રોકડા અને ૫ કિલો સોનું મળ્યું. એ પછી ચેટરજીનાં સાથીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. બીજી તપાસ આગળ ચાલતી ગઈ અને કોર્ટમાં એવા પુરાવા રજૂ થયા, જેમાં ભરતી માટે ઘણા પાસેથી લાંચ લેવાઈ હતી એમ જણાયું. ઓએમઆર પધ્ધતિએ પરીક્ષા લેવાઈ અને એમાં કોરી સીટ જોવા મળી, રેન્ક વધારી દેવાયાના પુરાવા રજૂ થયા અને આખરે હાઈકોર્ટે આખી ભરતી પ્રક્રિયા ગેરવાજબી ઠેરવી. એટલું જ નહિ, જેમની ભરતી થઇ છે એ બધા શિક્ષકોને વ્યાજ સાથે એમના પગાર જમા કરવા કહેવાયું,માત્ર ત્રણ અઠવાડિયાનો સમય અપાયો અને સી.બી.આઈ.ને ત્રણ માસમાં બાકીની તપાસ પૂરી કરવા કહેવાયું છે.

આ કૌભાંડથી મમતા બેનર્જીને નુકસાન થાશે એ નક્કી છે. પણ કેટલાક સવાલો પણ પેદા થયા છે. બધાએ તો લાંચ ના આપી હોય. બધાને ફેવર ના કરાઈ હોય તો જે મેરીટ પર પાસ થયા એમની નોકરી જાય એ કેટલું વાજબી? આ મુદે્ કેટલાંક શિક્ષકો કોર્ટમાં ગયા છે અને વિરોધ પ્રદર્શનો પણ થયાં છે. બીજી બાજુ એક પ્રશ્ન એ પણ ઊભો થયો છે કે, જે ભરતી રદ થઇ છે એમાં ઘણાને ચૂંટણી પંચ દ્વારા ફરજ અપાઈ છે તો એનું શું? એમને બદલવામાં આવશે? ચૂંટણી બોર્ડ ગેરબંધારણીય જાહેર કરાયા પણ એ બોન્ડ થકી જેમણે નાણાં મેળવ્યા એમને તો સુપ્રીમ કોર્ટે પાછા વળવાનું કહ્યું નથી.

બીજી બાજુ , મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કોર્ટનો ચુકાદો આવે એ પહેલાં કહેલું કે, આવતા અઠવાડિયે ધડાકો થવાનો છે. તો એમને કોર્ટના ચુકાદાની આગોતરી જાણ હતી? સુવેંદુ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો હતા અને એ ભાજપમાં ગયા પછી એમની સામે તપાસ બંધ થઇ ગઈ. પણ મમતાએ આ મુદે્ સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત થઇ છે. પણ રાજકીય રીતે મમતા અને એમના પક્ષને કેટલું નુકસાન થયું એ તો લોક્સભાની ચૂંટણીનાં પરિણામો જ બતાવશે. પણ નુકસાન નક્કી છે.

યુપીની ત્રણ બેઠક ચર્ચામાં?
યુપીની ત્રણ બેઠક ચર્ચામાં છે. રાયબરેલી , અમેઠી અને કેસરગંજ. રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવારનું રાજ રહેતું આવ્યું હતું પણ ગઈ ચૂંટણીમાં રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હાર્યા અને રાયબરેલીમાં આ વેળા સોનિયા ગાંધી લડવાનાં નથી , એ રાજ્યસભામાં ગયા છે. આ બંને બેઠક પર કોન્ગ્રેસમાંથી કોણ લડશે? સપા દ્વારા આ બંને બેઠક કોંગ્રેસને અપાઈ છે. રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી લડશે એવી વાતો ઘણા સમયથી ચાલે છે, પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને આ કારણે ભાજપે પણ કોઈ નામ નક્કી કર્યું નથી. અમેઠીમાંથી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટને ચૂંટણી લડવાની ઇચ્છા છે અને એમના સમર્થનમાં અમેઠીમાં પોસ્ટર પણ લાગ્યાં છે. જો કે, કોઈ નિર્ણય લેવાયો નથી. સ્મૃતિ ઈરાની સામે કોણ લડશે? રાહુલ તો વાયનાડથી લડી જ રહ્યા છે.

આ ઉપરાંત કેસરગંજની બેઠક પર પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠક પરથી બ્રીજ્ભૂષણ શરણ સિંહ દાવેદાર છે. એ અહીંથી ચૂંટાય છે પણ પહેલવાનોના મામલે એ વિવાદમાં છે. પહેલવાન સંઘની ચૂંટણીમાં બ્રીજભૂષણે પોતાનાં સગાંઓને ઊતાર્યા, પણ એ ચૂંટણી રદ કરવામાં આવી. આટલા વિવાદો બાદ પણ બ્રીજભૂષણ સામે ભાજપ પગલાં લેવાની હિંમત દાખવી શક્યો નથી અને હવે આ નેતાને ફરી ટીકીટ અપાશે કે કેમ એ ય નક્કી નથી. બ્રીજભૂષણ કહે છે, અહીં જાનૈયા તૈયાર છે, પણ વરરાજા ગુમ છે. એમણે તો એમ પણ કહ્યું કે, ફોર્મ ભરવાના આખરી દિવસે એક કલાક પહેલાં પણ મારા નામની જાહેરાત થઇ તો ભાજપની જીત પાક્કી છે. ભાજપ માટે આ નેતા માથાનો દુખાવો બની ગયા છે.

કોંગ્રેસ તૂટવી ચાલુ છે
કોન્ગ્રેસમાંથી ભાજપ જવાનો સીલસીલો જરા ય અટક્યો નથી. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે રહેનારા કર્નાટકનાં નેતા ડો. શ્રુશુત ગૌડા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઇ ગયા છે. એમને હમણાં જ કર્નાટક કોન્ગ્રેસના મહાસચિવ બનાવાયા હતા. એ વોક્ક્લીગા નેતા છે. ભાજપ સમજે છે કે, એ કારણે એમને ફાયદો થશે. પણ કોંગ્રેસ કહે છે કે, એમના જવાથી કોઈ ફર્ક પડવાનો નથી અને ગૌડા પણ હવે ભાજપનાં વખાણ કરવા લાગ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top