Comments

તાલિબાન સમસ્યા ગંભીરતાપૂર્વક સમજવાની જરૂર છે

‘તાલિબાન’  શબ્દ વૈશ્વિક સ્તરે હવે પ્રખ્યાત છે. કોરોનાની ચિંતામાં ડૂબેલા વિશ્વ સામે કદાચ આ નવો પડકાર છે. આમ તો ‘જેણે તાલીમ લઇ લીધી છે તેવા લોકો એટલે તાલિબાન.’ ‘તાલીમ’ અગત્યની છે એવું માનનારા માટે આ મુદ્દો હવે અગત્યનો છે કે તાલીમ અગત્યની પણ કેવી તાલીમ? આમ જોવા જાવ તો અફઘાનિસ્તાનમાં સત્તાનું હસ્તાંતર (ખૂંચવીને) થયું છે. લોકશાહી દેશોમાં જે ચૂંટણીથી થાય છે તે અહીં બંદૂક – સ્ટેનગનથી થયું છે. સામાન્ય રીતે લોકશાહી દેશોમાં કાયદાનું શાસન હોય છે, દેશ કાયદાથી ચાલે છે. પણ આ લોકો હવે પોતાના કાયદાથી દેશ ચલાવશે. અફઘાની રાષ્ટ્રપતિ વેળાસર દેશ છોડી ગયા અને સૈન્યને આદેશ જ ન મળ્યો. માટે તે લડયું જ નહિ, પરિણામે તાલિબાન સંગઠન સત્તામાં પહોંચી ગયું.

અફઘાનિસ્તાન એ વર્ષોથી આફતગ્રસ્ત અને આધુનિક આર્થિક વિકાસમાં પાછળ રહેલો દેશ છે. અરબ રાષ્ટ્રો પાસે જે ખનિજ સંપત્તિ અને ક્રુડ ઓઇલના ભંડાર છે તેવો કુદરતી ખજાનો પણ અફઘાન પાસે નથી. બે આર્થિક વિચારધારાની લડાઇમાં ત્રીજી જ વિચારધારા મોટી થાય એનો પુરાવો અફઘાનિસ્તાન છે. વિશ્વમાં બે આર્થિક વિચારધારાઓ વિકસી, જેમાં એક મૂડીવાદ જયાં ઉત્પાદનનાં સાધનોની માલિકી ખાનગી અને આર્થિક નિર્ણયોની સ્વતંત્રતા અને બે સામ્યાવાદ જેમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી સામુહિક અને આર્થિક નિર્ણયો અંકુશિત, કેન્દ્રિત સત્તા દ્વારા લેવાય તેવા.

મૂળ રાજાશાહીમાં તૂ મૂડીવાદ વિકસ્યો, પણ સમય જતાં સાધનોની સામુહિક માલિકીની વિચારધારા વિકસી. રશિયામાં સામ્યવાદ ફેલાયો અને અમેરિકા મૂડીવાદ મુજબ ચાલ્યું. આધુનિક લોકશાહી રાષ્ટ્રોના વિકાસ સાથે આ બન્ને વિચારધારાએ પોતાના ગૃપ ઊભા કરવા સ્પર્ધા આદરી માટે મૂડીવાદી રાષ્ટ્રો માનતાં થયાં કે વધુ ને વધુ નવાં રાષ્ટ્રો મૂડીવાદ અપનાવે અને સામ્યવાદીઓ ઇચ્છી રહ્યા હતા કે નવા દેશ સામ્યવાદ મુજબ ચાલે! મૂળમાં તો બન્ને વેપારી ગૃપ બનાવવા માંગતા હતા. એમાં મહાસત્તા બનવાની હોડ ઉમેરાઇ માટે જ રશિયાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો, ભારત સામ્યવાદ તરફ ઢળ્યું. ચીન 1949 માં સામ્યવાદી બન્યું. એક કોરિયા અને એક જર્મની સામ્યવાદ તરફ નમ્યા.

મૂળમાં ઇરાક – ઇરાનના તેલના ખજાના પર કાબૂ કરવાની વાત અને તે માટે પડોશી રાષ્ટ્રો દ્વારા દબાણ ઊભાં કરવાની રાજનીતિ ભારત રશિયા તરફ નમ્યું તો પાકિસ્તાનને અમેરિકાએ ટેકો આપ્યો એવું જ અફઘાનિસ્તાનમાં થયું! અફઘાનિસ્તાનમાં રશિયાએ સૈનિકો ઊતાર્યા તો એમના વિરોધીઓને અમેરિકાએ શસ્ત્રો આપ્યાં. સમય જતાં આ સશસ્ત્ર વિદ્રોહીઓ અમેરિકાના કાબૂમાં જ ન રહ્યા! બૂશથી માંડીને ટ્રમ્પ સુધી સૌએ યુદ્ધ અને અશાંતિનો ઉપયોગ પોતાના અને પોતાના મિત્ર રાષ્ટ્રોના હથિયાર વેચવામાં કર્યો અને વાંદરાને તલવાર આપો તો એ કદી તમારા પર પણ હુમલો કરે. યુદ્ધ ખર્ચ દ્વારા ઘટતી ઇકોનોમીને ટેકો આપવાની વ્યૂહરચના કયાં સુધી ચાલે! રશિયાના નીકળી ગયા પછી અફઘાનિસ્તાનમાં મોટા ભાઇની ભૂમિકા અમેરિકાએ શરૂ કરી અને હવે નવી વ્યૂહરચના મુજબ તે ત્યાંથી ખસી ગયું અને તાલિબાન અફઘાનિસ્તાનમાં શાસક બન્યા.

આમ જુઓ તો આ લખાય છે ત્યાં સુધી તાલિબાનોએ વ્યાપક સામુહિક હિંસા કરી નથી. એમના અગાઉનાં પરાક્રમો અને સંભવિત અંધાધૂંધીથી બચવા સૌ નાસી રહ્યા છે. તાલિબાનો પણ કહી શકે કે આ ‘શાંતિપૂર્ણ’ હસ્તાંતરણ છે. પણ આ શાંતિ ડરની છે. આતંકની છે. ધૂંધળા ભવિષ્યની સંભાવનાની છે. પણ એક વાત કયાંય કોઇ ગંભીરતાપૂર્વક ચર્ચતું નથી કે આતંકીઓ પાકિસ્તાનના હોય, આઇ.એસ.આઇ.ના હોય કે તાલિબાનના હોય, એમના હાથમાં આ જે મિસાઇલ્સ અને મશીનગનના આધુનિક વર્જન છે તે બધાં જ પશ્ચિમના વિકસિત યુરોપીય દેશ, અમેરિકા કે રશિયાનાં છે.

દુનિયાના સૌથી વધુ શસ્ત્રો ખરીદનારા દેશના પ્રથમ પાંચમાં ભારત છે. પણ પ્રથમ પાંચ વેચનારામાં કોણ છે? વિશ્વશાંતિની વાતો કરનારા, દુનિયામાં આતંકને ખતમ કરવાના બણગા ફૂંકનારા આ આતંકીઓને હથિયાર વેચવાનું કેમ બંધ નથી કરતા? હથિયારનું ઉત્પાદન જ બંધ કેમ નથી કરતા. દુનિયાના જે દેશોને યુદ્ધ કરવાનું હોય એ ભલે ભાલા-તલવારથી કરે! આર.ડી.એકસ, લાઇટવેટ મશીનગન ઉત્પન્ન જ શા માટે કરવાં. પોતાના બદલા માટે જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર અણુબોમ્બ ફેંકનારું અમેરિકા કેમ અફઘાનને તાલિબાન ભરોસે છોડીને નીકળી ગયું!

કેમ ઇસ્લામિક આતંકવાદ અને કયારેક તો હિન્દુ આતંકવાદ જેવા શબ્દોની હેડલાઇન બનાવનારું મીડિયા મિશનરીની વટાળ પ્રવૃત્તિ અને અનિયંત્રિત બજારવાદના સંયુકત પરિપાક રૂપે દુનિયામાં આતંકવાદ ફેલાયો છે તેનું વિશ્લેષણ નથી કરતું?

સૌથી ચાલાક પ્રજાએ સૌથી આક્રમક પ્રજાને બદનામ કરી દુનિયાના રાજકીય – આર્થિક સમીકરણો બદલવાનું વિચાર્યું છે કદાચ! અફઘાનિસ્તાન સરકારનું વર્તમાન પતન એ રોમન સામ્રાજયના અંત એવા કોન્સ્ટનટીનોપોલના પતનની જેમ નવો ઐતિહાસિક વળાંક ન સર્જે તે જોવાનું રહ્યું! કારણ જો તાલિબાનો વૈશ્વિક સમુદાયને પડકારશે તો હવાઇયાત્રા માટેના અફઘાન આકાશી માર્ગો ભયજનક બનશે. યુરોપનો એશિયન ખાસ તો ભારત સાથેનો માર્ગ બદલાશે. ભારતની નાની સરહદ પટ્ટી અફઘાનિસ્તાનથી નજીક છે. પણ પાકિસ્તાનને તો તાલિબાન સાથે વાટકી વ્યવહાર કર્યા વગર છૂટકો નથી.

આ ન્યાયે તાલિબાનો છેક કાશ્મીર સુધી છે તેમ માનવું પડે અને આ તરફ દુશ્મનનો દુશ્મન દોસ્ત એ ન્યાયે ચીન તાલિબાન – પાકિસ્તાનને સપોર્ટ કરે તો આ ઉપખંડમાં ચિત્ર બદલાય! આ તરફ ઇરાક – ઇરાન – સિરિયા અને ત્યાંનાં ઉપદ્રવી સંગઠનો તાલિબાન સાથે જાય તો એક આખો ભૂ-ભાગ નવું જ વિશ્વ સર્જી અને સ્વતંત્રતા – સમાનતા અને બંધુતાની ભાવનાથી થયેલી રાજયક્રાંતિવાળા રાષ્ટ્ર લઘુમતિમાં આવે!
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top