Editorial

શું માણસોની જેમ રાષ્ટ્રો-પ્રદેશોના પણ ભાગ્ય હોય છે?

નાનકડા કેરેબિયન દેશ હૈતીમાં ગયા શનિવારે એક પ્રચંડ ધરતીકંપ થયો. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે આ ભૂકંપથી મૃત્યુઆંક બે હજાર જેટલો થયો છે, હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે અને માલમિલકતને વ્યાપક નુકસાન થયું છે. આ ભૂકંપ પછી બચાવકાર્ય ચાલતું જ હતું ત્યાં એક વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડું બહુ શક્તિશાળી તો ન હતું પરંતુ તેને કારણે ખેંચાઇ આવેલા વરસાદને કારણે બચાવ અને રાહત કાર્યોમાં અવરોધ સર્જાયો. આ બધી કરૂણાંતિકા એના થોડા સપ્તાહો પછી જ સર્જાઇ છે જ્યારે હૈતીના રાષ્ટ્રપ્રમુખ મોઇઝની રહસ્યમય સંજોગોમાં હત્યા થઇ ગઇ. તેમની હત્યાનો ભેદ હજી પણ ઉકેલાયો નથી ત્યાં હૈતીવાસીઓ પર આ આફત આવી પડી છે.

હૈતી માટે ભૂકંપો અને વાવાઝોડાઓ નવી વાત નથી. વારંવાર ત્યાં આ આપત્તિઓ ત્રાટકતી રહી છે. આ પહેલા ૨૦૧૦માં થયેલા વિનાશક ભૂકંપમાં તો ત્યાં એક લાખ કરતા વધુ લોકો માર્યા ગયા હતા. આ વખતનો ભૂકંપ ૨૦૧૦ના ૭ની તીવ્રતાના ભૂકંપ કરતા વધુ શક્તિશાળી હતો, આ વખતે ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ હતો, પણ અત્યાર સુધીના અહેવાલો પ્રમાણો તો બે હજાર જેટલા લોકોના મૃત્યુ થયા છે અને આશા રાખીએ કે મૃત્યુઆંક બહુ ઉંચો નહીં જાય. આ હૈતીમાં ભૂકંપોનો લાંબો ઇતિહાસ રહેલો છે. આ નાનકડો દેશ અનેક અસ્થિર ટેકટોનિક પ્લેટોની વચ્ચે વસેલો છે અને તેથી ત્યાં ભૂગર્ભીય હલચલ વધારે થાય છે અને વારંવાર તે ભૂકંપોનો ભોગ બનતો રહે છે. તેના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનને કારણે તે અનેક વખત વિનાશક વાવાઝોડાઓના માર્ગમાં પણ આવી જાય છે.

દુનિયામાં ફકત હૈતી જ આવો દેશ નથી. પ્રાકૃતિક આફતોની બાબતમાં કદાચ સૌથી કમનસીબ દેશ પ્રશાંત મહાસાગરમાં આવેલો દેશ ફિલિપાઇન્સ છે. ધરતીકંપ, જ્વાળામુખી, વાવાઝોડા, ભારે વરસાદ અને તેને પગલે સર્જાતા પૂરો વગેરે અનેકાનેક પાકૃતિક આપત્તિઓ આ દેશ પર ત્રાટકતી રહી છે. તેની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિને કારણે તે વાવાઝોડા અને ભારે વરસાદનું નિશાન બને છે. ભૂગર્ભીય અસ્થિરતાને કારણે ત્યાં ભૂકંપો સર્જાતા રહે છે અને જવાળામુખી પ્રવૃતિ પણ તીવ્ર રહે છે. રિંગ અોફ ફાયર પર વસેલા ઇન્ડોનેશિયાના ટાપુઓ અને જાપાન પણ વારંવાર ભૂકંપના ભોગ બનતા રહે છે.

આપણા દેશની વાત કરીએ તો બંગાળની ખાડીના કિનારે વસેલા ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યો તેમના વિશિષ્ટ સ્થાનને કારણે વારંવાર વાવાઝોડાનો ભોગ બનતા રહે છે. કેટલાક દેશો અને પ્રદેશો એવી જગ્યાએ આવેલા હોય છે કે ત્યાં ભાગ્યે જ ભૂકંપ થાય છે. વારંવાર ભૂકંપો કે અન્ય પ્રાકૃતિક આફતોનો ભોગ બનતા દેશો કે પ્રદેશોનું સ્થાન તો માણસજાત બદલી શકે તેમ નથી, તેવા સંજોગોમાં આ રાષ્ટ્રોને આફતોના સમયે યોગ્ય સહાય પહોંચાડીને તેમનું દુ:ખ હળવું કરી શકાય. વૈજ્ઞાનિક શોધો વડે તેમને આવી આફતો સામે ઝીંક ઝીલવા વધુ સક્ષમ બનાવી શકાય. માણસ આટલું તો કરી શકે છે.

Most Popular

To Top