Comments

રાષ્ટ્રીય પર્વો: મનન કરવાના દિન

ભારત સરકાર બે રાષ્ટ્રીય રજાઓના તહેવારોની આગેવાની લે છે. સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. સ્વાતંત્ર્ય દિને એટલે કે તા. ૧૫ મી ઓગસ્ટે બ્રિટીશ રાજ સમાપ્ત થયું અને સત્તા ભારતીયોને સોંપાઇ, પણ આવું સંપૂર્ણપણે બન્યું ન હતું, પણ ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટ પછી પણ ભારતના રાજયના વડા તરીકે લોર્ડ માઉન્ટ બેટન વધુ દસ મહિના ચાલુ રહ્યા. આ સમયગાળામાં કોંગ્રેસ પક્ષે રજવાડાંઓને ઘણી વાર માઉન્ટ બેટનની સહાયથી ભારતીય સંઘમાં ભેળવવાનું શરૂ કર્યું. કેટલાંક રજવાડાં અન્યો કરતાં વધુ કાવતરાંખોર હતાં.

દા.ત. જોધપુરના હનવંત સિંહ નામના  રાજાને પાકિસ્તાન સાથે જોડાવું હતું અને હૈદ્રાબાદના નિઝામ ઓસ્માન અલી ખાનને સ્વતંત્ર જ રહેવું હતું. માઉન્ટ બેટને આ રાજાઓને ભારત તરફ વાળ્યા અને વિલીનીકરણની પ્રક્રિયામાં તેઓ કોંગ્રેસને વિલીનીકરણમાં મદદરૂપ થયા. કામ વિકટ હતું કારણ કે બ્રિટને ભારતમાંથી પોતાનું શાસન સમાપ્ત જાહેર કર્યું ત્યારથી બ્રિટીશ રાજ સાથેના તેમના કરાર રદબાતલ થયા.

સ્વાતંત્ર્ય દિનને એક વિભાજન બિંદુ તરીકે જોવામાં આવે છે. બ્રિટીશરોએ 1947 પહેલાં થોડાક દાયકાઓમાં ભારતીયોને નોંધપાત્ર સત્તા તબદીલ કરી હતી. 1930 ના દાયકાના અંત સુધીમાં એટલું તો સ્પષ્ટ થઇ ગયું હતું કે બ્રિટીશરો નજીકના ભવિષ્યમાં કોઇક તબક્કે ભારત છોડી જશે. સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરવાના હતા તે નેહરુ, પટેલ અને અન્ય તમામને ધારા ગૃહોનો અનુભવ હતો કારણ કે બ્રિટીશરોએ સત્તાની મર્યાદિત હિસ્સેદારી થવા દીધી હતી. અલબત્ત સર્જન અને સંવર્ધનમાં ભારતીય સૈન્ય ખરેખર તો બ્રિટીશ જ હતું.

આપણે જોયું તેમ આત્મનિર્ભર સરકાર 2021 માં પણ મોટી ખાધ સાથે ચાલે છે અને તે ખાધ બહારથી પૈસા લઇ પૂરી કરવી પડે. આ ઉપરાંત ચર્ચિલ અને અમેરિકી પ્રમુખ રૂઝવેલ્ટ વચ્ચે 1941માં એક ખતપત્રક પર હસ્તાક્ષર થયા હતા, જે અન્વયે તેઓ હિટલર હારી જાય પછી વિશ્વમાંથી સંસ્થાનો ખાલી કરવા અને લોકોને આત્મનિર્ણયો આપવા વચનબધ્ધ હતા.

આ તમામ કારણોસર  15 મી ઓગસ્ટ અનિવાર્ય હતી અને આઝાદી એક ક્ષણમાં મળી એ બતાવવા આપણે કહીએ છીએ કે અડધી રાતે આઝાદી પણ ખરેખર તે લાંબા ગાળામાં બન્યું હતું.

સરકાર આપણી જે બીજી રજામાં સરદારી કરે છે તે પ્રજાસત્તાક દિન છે. આ દિવસે 1950 માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આમ તો બ્રિટીશ સરકારની મંજૂરીથી ભારતનું બંધારણ આઝાદી પહેલાં લખાવાનું શરૂ થયું હતું. પ્રજાસત્તાકનો અર્થ એ થાય કે એવા સ્વરૂપની સરકાર જેમાં સત્તા પ્રજાના હાથમાં છે. ભારતનાં લોકો સાર્વભૌમ છે, રાજા છે, બીજી કોઇ વ્યકિત નહીં. લોકોના પ્રતિનિધિઓની સરકાર બને છે. આથી પ્રજાસત્તાક દિન બંધારણની ઉજવણી છે, એ બંધારણની ઉજવણી છે જે કહે છે કે ભારતના લોકો સાર્વભૌમ છે. આપણે છીએ? ના.

ભારતમાં સાચે સાચ સાર્વભૌમ કોઇ હોય તો તે રાજ્ય છે એટલે કે સરકાર છે અને તેના નિયંત્રણ હેઠળની તમામ સંસ્થાઓ છે. લોકો સાર્વભૌમ નથી. ભારતમાં લોકો રાજ્ય માટે ઉપયોગી છે. કારણ કે તેઓ રાજયને કાયદેસરતા બક્ષે છે, પણ તેમને ઉપદ્રવકારક ગણવામાં આવે છે. આથી જ બંધારણનું વર્ષોવર્ષ અવમૂલ્યાંકન થતું રહ્યું છે. એ સાચું છે કે એવું બધી સરકારના હાથે થતું રહ્યું છે પણ હાલની સરકારમાં આ પ્રક્રિયા વધુ ઝડપી બની છે.

આવું ત્રણ રીતે બન્યું છે. 1. મૂળભૂત હક્કો પર હુમલા, બંધારણો આપણને સમાનતાનો, અભિવ્યકિતનો, ધંધા-વ્યવસાયનો, ધર્મનો, હરવા-ફરવાનો, સભા ભરવાનો અને ભેગા થવાનો અને જીવવાનો તેમ જ સ્વતંત્ર રહેવાનો હક્ક આપ્યો છે પણ ભારતમાં તેનું કોઇ અર્થપૂર્ણ અસ્તિત્વ નથી. કેમ? એવો પ્રશ્ન મારે નથી પૂછવો, પણ બંધારણના નિષ્ણાતને પૂછવું છે અને તેઓ મારી સાથે સંમત થશે જ. મારા છેલ્લા પુસ્તક ‘અવર હિંદુ રાષ્ટ્ર’માં મેં આની સવિસ્તર ચર્ચા કરી જ છે.

2. બીજો હુમલો રાજયના તંત્રના દુરુપયોગ દ્વારા થયો છે, જે અનુસાર જેઓ કાયદાનો ભંગ કરે, પણ શાસક પક્ષની તરફેણમાં હોય તેમની સામે ખટલો પણ નહીં ચાલે અને સજા પણ નહીં થાય તેની કાળજી રખાય છે. આવા લોકોમાં ધારાસભ્યો અને પ્રધાનો અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા લોકોનો સમાવેશ થાય છે. આવા લોકો સામે એફ.આઇ.આર. દાખલ કરવાનો એક ન્યાયાધીશે હુકમ કર્યો પણ તે જ રાતે તેની બદલી થઇ ગઇ અને એફ.આઇ.આર. દાખલ નહોતી થઇ.

3. ત્રીજા કારણને સંસદ સાથે સંબંધ છે. જે પક્ષોને ભારતીયોએ મત આપ્યો છે તેઓ સરકારનો હિસ્સો નથી અને જાણે તેમના મતદારો અસંબધ્ધ હોય તેથી આ પક્ષોને આંગળિયાત ગણવામાં આવે છે. સરકારે સંસદમાં ઉપદ્રવ કરવા માટે આ પક્ષોનો ખૂબ ઉપયોગ કર્યો છે છતાં સમસ્યા એ છે કે સંસદીય નિયમોના ભંગની શરૂઆત ખુદ સરકારે કરી હતી. ખેતીના કાયદાને રાજય સભામાં મતદાન વગર પસાર કરવા તે ગેરબંધારણીય હતું. પ્રશ્ન થાય છે કે આપણે કેટલા પ્રજાસત્તાક છીએ? સ્વતંત્રતાના સાત દાયકાઓ પછી પણ આપણે ખાસ પ્રજાસત્તાક ન હોય તો આપણું ભવિષ્ય શું? રાષ્ટ્ર તરીકે આપણે આ વાત વિચારવાની છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top