Business

સુપ્રીમ કોર્ટનો ચુકાદો રાજકારણમાં ભ્રષ્ટાચાર માટે લાલબત્તી સમાન છે

ભારતમાં ભ્રષ્ટાચાર બાબતમાં ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે જબરદસ્ત ગજગ્રાહ ચાલી રહ્યો છે. ન્યાયતંત્ર રાજકારણમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને જરા પણ ચલાવી લેવાના મૂડમાં નથી; પણ સરકાર અને સંસદ પણ ભ્રષ્ટાચાર માટે કૂણી લાગણી ધરાવે છે. ક્યારેક દેશની સુપ્રીમ કોર્ટ રાજકારણીઓના ભ્રષ્ટાચાર બાબતમાં કોઈ કડક ચુકાદો આપે તો સરકાર સંસદમાં કાયદો કરીને તે ચુકાદાને નકામો બનાવી દે છે. ક્યારેક સરકારના દબાણ હેઠળ સુપ્રીમ કોર્ટના જજો પણ ઝૂકી જતા હોય છે અને ભ્રષ્ટ રાજકારણીઓને ફાયદો થાય તેવા ચુકાદા આપતા હોય છે.

તેનું જ્વલંત ઉદાહરણ વર્ષ ૧૯૯૮નો ઝારખંડ મુક્તિ મોરચાના ભ્રષ્ટાચારના કેસનો ચુકાદો છે. આ કેસનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ઠરાવ્યું હતું કે વિધાનસભ્યો કે સંસદસભ્યો નોટ લઈને પોતાનો વોટ આપે તો પણ તેમની સામે કોર્ટમાં કામ ચલાવી શકાય નહીં. હવે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની સાત જજોની બેન્ચે આ ચુકાદો ઊલટાવી કાઢ્યો છે.

ઝારખંડ મુક્તિ મોરચાનો કેસ ભૂતપૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ સાથે સંબંધિત છે, જેમને ભારતરત્ન આપવાની જાહેરાત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી.  તેમાં શિબુ સોરેન અને તેમની પાર્ટીના કેટલાક સાંસદો પર તત્કાલીન પી.વી. નરસિંહ રાવ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરવા માટે લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કલમ ૧૦૫ (૨) હેઠળ ઇમ્યુનિટીનો હવાલો આપીને ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદો સામેનો કેસ રદ કર્યો હતો. રાજીવ ગાંધીની હત્યા બાદ ૧૯૯૧માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસે ૪૮૭ બેઠકો પર ચૂંટણી લડી હતી, તેમાંથી તેણે ૨૩૨ બેઠકો જીતી હતી. તેમ છતાં તે બહુમત માટે જરૂરી ૨૭૨નો આંકડો પાર કરી શકી નહોતી. પી.વી. નરસિંહ રાવ વડા પ્રધાન બન્યા હતા. તેમના રાજમાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો તેને કારણે દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

બાબરી મસ્જિદનો ધ્વંસ પી.વી. નરસિંહ રાવ સરકાર સામે અવિશ્વાસના પ્રસ્તાવનો આધાર બન્યો હતો. આ પ્રસ્તાવ ૨૬ જુલાઈ, ૧૯૯૩ રોજ ચોમાસુ સત્રમાં CPI(M)ના અજોય મુખોપાધ્યાયે રજૂ કર્યો હતો. ત્યારે લોકસભામાં ૫૨૮ સભ્યો હતા, જેમાંથી કોંગ્રેસ પાસે ૨૫૧ સભ્યો હતા. આનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટી સાદી બહુમતીથી ૧૩ સભ્યો દૂર હતી. ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ૨૮ જુલાઈએ જ્યારે અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન થયું, ત્યારે અવિશ્વાસની દરખાસ્ત ૧૪ મતથી નિષ્ફળ ગઈ હતી. તેની તરફેણમાં ૨૫૧ અને વિરુદ્ધમાં ૨૬૫ મત પડ્યા હતા. પી.વી. નરસિંહ રાવની કોંગ્રેસ સરકાર ચમત્કારિક રીતે બચી ગઈ હતી.

અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદોને આપવામાં આવેલી લાંચનો મામલો ત્રણ વર્ષ પછી પ્રકાશમાં આવ્યો હતો. રાષ્ટ્રીય મુક્તિ મોરચાના રવીન્દ્ર કુમારે ૧ ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ૨૮ જુલાઈ, ૧૯૯૩ના રોજ ગુનાહિત કાવતરાના ભાગરૂપે પી.વી. નરસિંહ રાવ, સતીશ શર્મા, અજીત સિંહ, ભજન લાલ, વી.સી. શુક્લા, આર.કે. ધવન અને વિવિધ રાજકીય પક્ષોના લલિત સૂરીએ સરકારને બચાવવા માટે કાવતરું ઘડ્યું હતું. સંસદસભ્યોને લાંચ આપીને ગૃહમાં બહુમતી પુરવાર કરવામાં આવી હતી. ઉપરોક્ત ગુનાહિત કાવતરાને આગળ વધારવા માટે ઉપરોક્ત વ્યક્તિઓ વતી રૂ. ૧.૧૦ કરોડની રકમ સૂરજ મંડલને સોંપવામાં આવી હતી.

સીબીઆઈએ સૂરજ મંડલ, શિબુ સોરેન, સિમોન મરાંડી અને શૈલેન્દ્ર મહતો સહિત ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તે સમયે સંસદમાં ઝારખંડ મુક્તિ મોરચાના કુલ છ સાંસદો હતા. સીબીઆઈએ આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કરતી વખતે કહ્યું હતું કે તેની પાસે પૂરતા પુરાવા છે કે ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓએ ઠરાવની વિરુદ્ધ મતદાન કરવા માટે લાંચ લીધી હતી અને તેમના મતો અને અન્ય કેટલાક મતોને કારણે પી. વી. નરસિંહ રાવની આગેવાની હેઠળની સરકાર અવિશ્વાસની દરખાસ્તના મતદાનમાં બચી ગઈ હતી.

આ કેસમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જસ્ટિસ એસ.પી. ભરૂચાએ કહ્યું હતું કે ‘‘કોઈ પણ સંસદસભ્ય કાયદાની અદાલતમાં અથવા તેના જેવી કોઈ ટ્રિબ્યુનલમાં તેણે સંસદમાં જે કહ્યું છે તેના માટે જવાબદાર નથી. સંસદસભ્યને તેની વિરુદ્ધ કાર્યવાહી થવાના ડર વિના સંસદમાં તેને જે યોગ્ય લાગે છે તે કહેવાની સ્વતંત્રતા ધરાવે છે. સંસદસભ્યના વોટને વાણીના વિસ્તરણ અથવા વિકલ્પ તરીકે ગણવામાં આવે છે અને તેને બોલવામાં આવેલા શબ્દની જેમ જ બંધારણનું રક્ષણ આપવું જોઈએ.’’ જસ્ટિસ એસ.પી. ભરૂચાએ તેમના ચુકાદામાં કહ્યું હતું કે ‘‘અમે ગુનાની ગંભીરતા પ્રત્યે સંપૂર્ણપણે સભાન છીએ. જો આ સાચું છે તો લાંચ લેનારા સંસદસભ્યોએ જનતા દ્વારા તેમને આપવામાં આવેલા વિશ્વાસનો વેપાર કર્યો છે. તેઓને મળેલા નાણાંને કારણે તેઓ સરકારને બચાવી શક્યા હતા. તેમ છતાં તેઓ તે રક્ષણ મેળવવા માટે હકદાર છે, જે બંધારણ તેમને સ્પષ્ટપણે પ્રદાન કરે છે.’’

વોટ ફોર નોટનો કેસ વર્ષ ૨૦૧૨માં ફરીથી સપાટી પર આવ્યો હતો. શિબુ સોરેનની પુત્રવધૂ સીતા સોરેન પર રાજ્યસભાની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારને મત આપવા માટે લાંચ લેવાનો આરોપ હતો. સીતા સોરેને કલમ ૧૯૪ (૨) ની જોગવાઈઓ પર આધાર રાખીને તેમની સામેની ચાર્જશીટ અને ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં બે જજોની બેન્ચે અભિપ્રાય આપ્યો કે તેને ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ મૂકવો જોઈએ.

જ્યારે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે અપીલની સુનાવણી કરી ત્યારે તેણે કહ્યું કે હાઈ કોર્ટનો નિર્ણય નરસિંહ રાવના નિર્ણય સાથે સંબંધિત છે, તેથી તેને મોટી બેંચને મોકલવો જોઈએ. આ મામલો ઉઠાવતા જસ્ટિસ એ.એસ. બોપન્ના, એમ.એમ. સુંદરેશ, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે અમારું માનવું છે કે પી.વી. નરસિંહ રાવના કેસમાં બહુમતીનો અભિપ્રાય સાચો છે. આ કેસની સાત જજોની મોટી બેંચ દ્વારા પુનર્વિચારણા થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ દ્વારા ૧૯૯૮માં આપવામાં આવેલા  ચુકાદાને સાત જજોની બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેને કારણે સંસદસભ્યોને પોતાના વોટ સામે લાંચ લેવાનું કાનૂની લાઈસન્સ મળી જતું હતું. તેનો ચુકાદો આપતાં સોમવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદસભ્યો અને ધારાસભ્યોને મતદાન માટે અથવા ગૃહમાં ભાષણ આપવા માટે લાંચ લેવાના કેસમાં કાર્યવાહીમાંથી મુક્તિ મળતી નથી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કેસમાં પાંચ જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ૧૯૯૮ના ચુકાદાને સર્વસંમતિથી ઊલટાવી દીધો હતો.

ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે લાંચનો કેસ સંસદીય વિશેષાધિકાર દ્વારા સુરક્ષિત નથી અને ૧૯૯૮ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ ૧૦૫ અને ૧૯૪ની વિરુદ્ધ છે. કલમ ૧૦૫ અને ૧૯૪ સંસદ અને વિધાનસભાઓમાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે ચુકાદાનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું કે લાંચના કેસમાં આ કલમો હેઠળ સુરક્ષા મળતી નથી, કારણ કે તે જાહેર જીવનમાં નૈતિકતાનો નાશ કરે છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.­­

a

Most Popular

To Top