Gujarat

તાત્કાલિક ધોરણે રાજય સરકારે 150 એમ્બ્યુલન્સ ખરીદી

ગાંધીનગર : કચ્છથી ડાંગ સુધી કોરોના મહામારી વચ્ચે કામ કરી શકાય તે માટે આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી ( vijay rupani) એ એકી સાથે 150 એમ્બ્યૂલન્સને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. કોરોના ( corona) સંક્રમણના કપરા કાળમાં માત્ર એક જ સપ્તાહમાં સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ નવી ૧પ૦ એમ્બ્યુલન્સ ( ambulance) ની ડિલીવરી આજે જ સરકારને મળી જવા પામી હતી.


મુખ્ય મંત્રીએ એક સપ્તાહ પહેલાં કોર કમિટિની બેઠકમાં ત્વરિત નિર્ણય લઇને નવી ૧૫૦ એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા આરોગ્યતંત્રને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારે ર૬.૩૮ કરોડના કુલ ખર્ચે માત્ર એક જ અઠવાડિયામાં સમગ્ર પ્રક્રિયાઓ પૂરી કરી આ એમ્બ્યુલન્સ આરોગ્ય સેવા કાફલામાં સેવારત કરી દીધી છે. આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સુવિધા, જરૂરી તબીબી સાધનો અને પેરામેડિકલ સ્ટાફ સહિતની સગવડો માત્ર ત્રણ જ દિવસના વિક્રમસર્જક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.


કોરોના સંક્રમણની વ્યાપકતાના આ સમયમાં રાજ્યમાં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારથી માંડી કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરતમંદ દર્દીઓની સારવાર માટે આ એમ્બ્યુલન્સ સેવાઓ સુસજ્જ છે. એટલું જ નહીં, જી.પી.એસ સિસ્ટમ, સ્માર્ટ ફોન, અનુભવી અને તાલિમબદ્ધ કર્મચારીઓ દ્વારા આ સેવાઓનું પેપરલેસ ડિઝીટલી મોનિટરિંગ સી.એમ ડેસ્ક બોર્ડ દ્વારા થઇ શકશે. આ નવી ૧પ૦ એમ્બ્યુલન્સ સેવાઓ આજથી જ કાર્યરત થઇ જતાં રાજ્યમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટેની સજ્જતામાં વધુ સગવડ જોડાઇ જવાથી સમયસર, ત્વરિત સુવિધા મળશે અને આ આરોગ્ય સેવા જીવનરક્ષક બની રહેશે. રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસસ્થાનેથી આ ૧પ૦ એમ્બ્યુલન્સને જિલ્લામાં સેવારત થવા પ્રસ્થાન કરાવ્યું હતું.

Most Popular

To Top