SURAT

બિમાર બાળકને પરિવાર સુરત સિવિલમાં તરછોડી ભાગી ગયો, તબીબોએ બચાવવા પ્રયાસ કર્યો પણ..

સુરત: પોતાનું સંતાન બિમાર થાય તો તેની સારવાર પાછળ માતા પિતા આકાશ પાતાળ એક કરી દેતાં હોય છે. બાળકના ઈલાજ પાછળ જાત ખર્ચી નાંખતા હોય છે, પરંતુ સુરત શહેરમાં બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. નવજાત બાળક બિમાર હોય પરિવાર તેને સિવિલ હોસ્પિટલમાં છોડીને ભાગી ગયો હતો. આ બાળકના જીવને બચાવવા તબીબોએ ખૂબ મહેનત કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. દોઢ મહિના સુધી રિબાયા બાદ બાળકનું આખરે મૃત્યુ થયું છે. દુ:ખની વાત એ છે કે બાળકના મૃતદેહની અંતિમ વિધિ કરનાર પણ કોઈ નથી.

આ ઘટનાની વિગત એવી છે કે, સિવિલ હોસ્પિટલમાં જન્મતાની સાથે જ દાખલ કરાયેલા બિમાર બાળકને તરછોડીને પરિવાર ફરાર થઈ ગયું હતું. ચાર મહિનાથી આ બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. બાળકને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી હતી. બાળકનું ચાર મહિના બાદ મોત નિપજ્યું છે.

વાત જાણે એમ છે કે, ગઈ 30 ઓકટોબરના રોજ એક નવજાત બાળક (બેબી ઓફ મનિષાબેન સુરેશભાઇ)નો જન્મ કામરેજ CHC સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર- કરવામાં આવ્યું હતું. બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે NICUમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેથી ડોક્ટર તેના માતા-પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત 8 ડિસેમ્બરના રોજ આ બાળકના માતા – પિતાને બાળકની કંડીશન કેવી છે તેવુ જણાવવા માટે બોલાવતા નવજાત બાળકના માતા પિતા હોસ્પિટલમાં ક્યાંય મળ્યા નહોતા. જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પુછપરછ કરતાં આ બાળકની માતા પિતા છેલ્લા ચાર-પાંચ દિવસથી આવતાં ન હોવાનું જણાયું હતું. આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલભાઈ બાંભરોલીયાએ ગઈ તા. 26 ડિસેમ્બર 2023ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે માતા પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકને જ્યારે પણ દૂધની જરૂર પડતી હતી ત્યારે શરૂઆતમાં માતાનું દૂધ આપવામાં આવતું હતું. જોકે તેની માતા બીમાર થઈ હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આખો પરિવાર ભાગી ગયો હતો. છેલ્લા 4 મહિનાથી આ બાળકની સાર સંભાળ એસ એન સી યુ વોર્ડના તબીબો રાખી રહ્યા હતા. બાળકને સિવિલ હોસ્પિટલમાં આવેલી મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવી રહ્યું હતું. જોકે સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top