જાણો કોણ છે આ 8 દિવ્ય સખીઓ અને રાધા-કૃષ્ણની લીલામાં શું છે તેમનું મહત્વ?
રાધાષ્ટમીના પાવન અવસર પર બ્રજ અને વૃંદાવનની ભક્તિ પરંપરામાં રાધા રાણી સાથે તેમની અષ્ટ સખીઓનું સ્મરણ વિશેષ મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ આઠ સખીઓ રાધા-કૃષ્ણની દિવ્ય લીલાઓમાં અલગ-અલગ પ્રકારની સેવા અને સહયોગ કરતી હતી. લલિતા સખીથી લઈને દરેક સખીનું પોતાનું વિશિષ્ટ સ્થાન, સ્વભાવ અને સેવા વર્ણવવામાં આવી છે.
બ્રજની ભક્તિ પરંપરામાં માન્યતા છે કે રાધા રાણીની લીલાઓનું વર્ણન તેમની પ્રિય સખીઓ વિના અધૂરું છે. આઠ મુખ્ય સખીઓને ‘અષ્ટ સખી’ તરીકે ઓળખવામાં આવે છે. તેમના નામ છે,લલિતા સખી, વિશાખા સખી, ચિત્રા સખી, ચંપકલતા સખી, તુંગવિદ્યા સખી, ઇન્દુલેખા સખી, રંગદેવી સખી અને સુદેવી સખી. ધાર્મિક પરંપરાઓમાં તેમને રાધા-કૃષ્ણની અંતરંગ સહચારિણી અને વિવિધ દિવ્ય સેવાઓમાં સહયોગી તરીકે વર્ણવવામાં આવે છે.લલિતા સખીને અષ્ટ સખીઓમાં સૌથી પ્રમુખ અને રાધા રાણીની અત્યંત પ્રિય સખીઓમાંની એક માનવામાં આવે છે. પરંપરાગત વર્ણન મુજબ તેમનો સ્વભાવ સ્પષ્ટ, નિર્ભય અને પ્રેમાળ હતો. તેઓ રાધા રાણીની સેવા અને તેમના પક્ષની રક્ષા સાથે જોડાયેલી ભૂમિકામાં જોવા મળે છે. એવી ધાર્મિક માન્યતા પણ છે કે શ્રીકૃષ્ણ રાધા રાણીને કોઈ રીતે હેરાન કરે તો લલિતા સખી તેમને પ્રેમપૂર્વક ઠપકો આપતી હતી.
વિશાખા સખીને બુદ્ધિશાળી, ચતુર અને ઉત્તમ સંવાદક તરીકે વર્ણવવામાં આવે છે. રાધા-કૃષ્ણ વચ્ચે સંદેશ પહોંચાડવા તથા તેમની દિવ્ય લીલાઓમાં સમન્વય કરવામાં તેમની વિશેષ ભૂમિકા માનવામાં આવે છે. જ્યારે ચિત્રા સખીને કલા, સૌંદર્ય, વસ્ત્રો અને આભૂષણોની સમજ સાથે જોડવામાં આવે છે. રાધા રાણીના શૃંગાર તથા વિવિધ સજાવટની સેવાઓમાં તેમનું મહત્વ જણાવવામાં આવે છે.ચંપકલતા સખીને સેવાભાવી અને સરળ સ્વભાવની માનવામાં આવે છે. ધાર્મિક વર્ણનોમાં ફૂલ, ફળ તથા લીલાઓમાં ઉપયોગી સામગ્રી એકત્ર કરવાની અને ફૂલોની માળા તથા કુંજની સજાવટમાં સહયોગ કરવાની તેમની સેવા જણાવાય છે. તુંગવિદ્યા સખી વિવિધ વિદ્યાઓ, સંગીત, નૃત્ય અને કલાઓમાં નિપુણ હોવાનું વર્ણન મળે છે અને રાધા-કૃષ્ણની લીલાઓમાં સંગીત તથા સાંસ્કૃતિક સેવાઓ સાથે તેમનું જોડાણ માનવામાં આવે છે.
ઇન્દુલેખા સખીને ચતુર અને તીવ્ર બુદ્ધિ ધરાવતી સખી તરીકે ઓળખવામાં આવે છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં તેઓ કુશળ હોવાનું ધાર્મિક પરંપરામાં વર્ણવાય છે. રંગદેવી સખીનો સંબંધ આનંદ,ઉત્સવ અને રાસલીલા સાથે જોડાય છે, જ્યારે સુદેવી સખીને રંગદેવીની જોડિયા બહેન તરીકે માનવામાં આવે છે. તેમની સાથે ગૌસેવા, પ્રકૃતિ તથા રાધા રાણીની વ્યક્તિગત સેવા સંબંધિત માન્યતાઓ જોડાયેલી છે.
અષ્ટ સખીઓમાંથી લલિતા સખીને રાધા રાણીની પ્રમુખ અને અત્યંત પ્રિય સખી તરીકે કેટલીક વૈષ્ણવ પરંપરાઓમાં વિશેષ સ્થાન આપવામાં આવે છે. જોકે દરેક અષ્ટ સખીનું પોતાનું વિશિષ્ટ સ્થાન અને સેવા માનવામાં આવે છે.બ્રજ અને વૃંદાવનની ભક્તિ પરંપરામાં અષ્ટ સખીઓ માત્ર રાધા-કૃષ્ણની કથાઓ સાથે જોડાયેલા પાત્રો નથી, પરંતુ પ્રેમ, સેવા, સમર્પણ, સહયોગ અને ભક્તિભાવના પ્રતીક તરીકે પણ તેમને યાદ કરવામાં આવે છે. રાધાષ્ટમીના પાવન પ્રસંગે રાધા રાણી સાથે તેમની અષ્ટ સખીઓનું સ્મરણ કરવું ભક્તિ પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.