Sports

શૂટિંગ દરમિયાન કેચ પકડવા જતાં રચિન રવીન્દ્રનો ખભો ડિસલોકેટ, ભારત સામેની T20I સિરીઝ પર સસ્પેન્સ

ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રને મેચ દરમિયાન નહીં પરંતુ એક પ્રમોશનલ શૂટ દરમિયાન ઈજા થઈ છે. ડાઇવ લગાવીને કેચ પકડવાની કોશિશ કરતી વખતે તેમનો જમણો ખભો ડિસલોકેટ થઈ ગયો હતો. હવે 22 ઓક્ટોબરથી ભારત સામે શરૂ થનારી પાંચ મેચની T20I સિરીઝમાં તેમના રમવા અંગે સવાલ ઊભો થયો છે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અનુસાર રચિન રવીન્દ્રને આ ઈજા 16 સપ્ટેમ્બર 2026ના રોજ ઓકલેન્ડમાં Sky સાથેના પ્રમોશનલ શૂટ દરમિયાન થઈ હતી. શૂટિંગ દરમિયાન રચિન ડાઇવ લગાવીને કેચ પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેઓ સેફ્ટી મેટ પર અજીબ રીતે લેન્ડ થયા અને તેમના જમણા ખભાનું ડિસલોકેશન થયું. આ ઘટના મેચ અથવા પ્રેક્ટિસ દરમિયાન નહીં પરંતુ કમર્શિયલ શૂટ દરમિયાન બની હોવાથી ન્યૂઝીલેન્ડ ટીમ માટે પણ આ એક અણધારી ઘટના બની છે.ઈજા બાદ 18 સપ્ટેમ્બરે મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સ દ્વારા રચિનની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે તપાસમાં ખભામાં કોઈ મોટું સ્ટ્રક્ચરલ ડેમેજ જોવા મળ્યું નથી. જોકે, રચિન મેદાન પર ક્યારે પરત ફરશે તેની ચોક્કસ સમયમર્યાદા હજુ નક્કી થઈ નથી. આગામી થોડા અઠવાડિયામાં રિહેબિલિટેશન દરમિયાન તેમની રિકવરી કેટલી ઝડપથી થાય છે તેના આધારે નિર્ણય લેવામાં આવશે.

ન્યૂઝીલેન્ડના પરફોર્મન્સ મેનેજર માઈક સૅન્ડલે આ ઈજાને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રચિનની સારી રીતે રિકવરી કરાવવી ટીમની પ્રાથમિકતા છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કમર્શિયલ શૂટ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અગાઉથી નક્કી કરવામાં આવી હતી અને જરૂરી સલામતી વ્યવસ્થાઓ રાખવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ હવે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યની પ્રક્રિયાઓની પણ સમીક્ષા કરશે.ન્યૂઝીલેન્ડના હેડ કોચ રૉબ વૉલ્ટરે પણ રચિનની વાપસીમાં ઉતાવળ નહીં કરવાની વાત કરી છે. આગામી છ મહિનામાં ટીમનો ટેસ્ટ ક્રિકેટનો વ્યસ્ત કાર્યક્રમ હોવાથી રચિનને સંપૂર્ણ રીતે ફિટ થયા પહેલાં મેદાન પર ઉતારવામાં નહીં આવે.

હાલમાં તેમનું ધ્યાન રિહેબિલિટેશન પર છે.ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની T20I સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થવાની છે. પ્રથમ મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે, ત્યારબાદ 24 ઓક્ટોબરે બીજી મેચ પણ ક્રાઇસ્ટચર્ચમાં, 27 ઓક્ટોબરે ત્રીજી મેચ વેલિંગ્ટનમાં, 30 ઓક્ટોબરે ચોથી મેચ ઓકલેન્ડમાં અને 1 નવેમ્બરે પાંચમી મેચ હેમિલ્ટનમાં રમાશે. રચિનની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય તેમની રિકવરીની પ્રગતિ બાદ લેવામાં આવશે.રચિન રવીન્દ્ર ન્યૂઝીલેન્ડના મહત્વના ઓલરાઉન્ડર છે અને બેટિંગ ઉપરાંત ડાબોડી સ્પિન બોલિંગમાં પણ યોગદાન આપે છે. તેથી તેમની ઈજા ભારત સામેની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના ટીમ કોમ્બિનેશન માટે મહત્વનો મુદ્દો બની છે. હાલ તેઓ T20I સિરીઝમાંથી બહાર થયા છે એવું સત્તાવાર રીતે જાહેર થયું નથી, પરંતુ તેમની ઉપલબ્ધતા અંગે સસ્પેન્સ યથાવત છે.

Most Popular

To Top