Sports

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકર પદ છોડશે?

BCCIને જણાવી મનની વાત, AGMમાં થયા મહત્વના નિર્ણયો

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજિત અગરકરના ભવિષ્યને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. અહેવાલ મુજબ અગરકરે BCCIના ટોચના અધિકારીઓને જણાવી દીધું છે કે તેઓ વર્તમાન કાર્યકાળ પૂર્ણ થયા બાદ ચીફ સિલેક્ટરના પદ પર ચાલુ રહેવા ઈચ્છતા નથી. તેમનો હાલનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂર્ણ થવાનો છે. જોકે, BCCIએ હજુ સુધી તેમના સ્થાને નવા ચીફ સિલેક્ટરની સત્તાવાર જાહેરાત કરી નથી.

મુંબઈમાં 18 સપ્ટેમ્બર 2026ના રોજ BCCIની 95મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. આ બેઠકમાં અજિત અગરકરના ભવિષ્યને લઈને ચર્ચા થઈ હતી, પરંતુ તેમને એક્સટેન્શન આપવું કે નવા ચીફ સિલેક્ટરની નિમણૂક કરવી તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. AGMમાં સિલેક્શન કમિટીને લગતા નિર્ણયો લેવા માટે BCCIના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ કહ્યું કે ક્રિકેટમાં 15 દિવસ ઘણો લાંબો સમય હોય છે અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે.

અહેવાલ અનુસાર અગરકરે આ મુદ્દે અગાઉ પણ BCCIને પોતાની ઇચ્છા અંગે જાણ કરી હતી. એક સૂત્રના જણાવ્યા પ્રમાણે તેમણે વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓને પોતાના વર્તમાન કાર્યકાળના અંતે વિકલ્પ શોધવા અંગે સૂચના આપી હતી. જોકે અગરકરના પદ છોડવા અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, તેથી હાલ તેમની સ્થિતિને લઈને અંતિમ નિર્ણય બાકી છે.અજિત અગરકર જુલાઈ 2023માં ભારતીય પુરુષ સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમમાં ત્રણેય ફોર્મેટમાં મોટા ફેરફારો થયા. વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. બાદમાં ગિલને વનડે ટીમનું નેતૃત્વ પણ મળ્યું. અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે 2024 T20 વર્લ્ડ કપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 T20 વર્લ્ડ કપ જીત્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

હવે જો અગરકર પદ છોડે તો નવા ચીફ સિલેક્ટરની પસંદગી પર સૌની નજર રહેશે. અહેવાલોમાં પાર્થિવ પટેલ અને પ્રજ્ઞાન ઓઝાના નામોની ચર્ચા થઈ રહી છે. BCCIના નિયમો અનુસાર સિલેક્શન કમિટીમાં સ્થાન મેળવવા માટે ખેલાડી પાસે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય અથવા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો અનુભવ હોવો જરૂરી છે.AGMમાં માત્ર અગરકરનો મુદ્દો જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટને લગતા અન્ય નિર્ણયો પણ લેવાયા. IPL ગવર્નિંગ કાઉન્સિલમાં પ્રતિનિધિઓની પસંદગી, BCCIના 2025-26ના ઓડિટેડ એકાઉન્ટ્સ અને 2026-27ના બજેટને મંજૂરી, ઓડિટરની નિમણૂક, 2027માં IPLની 20મી સિઝનની ઉજવણી અને 2028માં BCCIના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમોની તૈયારી જેવા મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી.આ ઉપરાંત અંપાયરો અને મેચ રેફરી માટે નવી પેમેન્ટ અને ગ્રેડિંગ સિસ્ટમ, BCCIની Age Verification Policyમાં ફેરફાર અને Prevention of Sexual Harassment Policy હેઠળ નવી આંતરિક સમિતિની રચનાને પણ મંજૂરી આપવામાં આવી. હવે સૌથી વધુ ધ્યાન BCCIના આગામી નિર્ણય પર છે કે અજિત અગરકરનો કાર્યકાળ આગળ વધારવામાં આવશે કે ભારતીય ક્રિકેટને નવો ચીફ સિલેક્ટર મળશે.

Most Popular

To Top