Columns

કોઇ પણ સત્કાર્ય કે દુષ્કાર્યનો બદલો આ જન્મે કે બીજા જન્મે મળતો જ હોય છે

સત્યવતી પોતાના અંગત જીવનમાં બનેલી એક ઘટના ભીષ્મને કહી સંભળાવે છે. મારા પિતા પાસે એક નાવ હતી, હું જયારે યુવાન હતી ત્યારે એ નાવ પાસે ગઇ. તે જ સમયે પરમ ઋષિ પરાશર નદી પાર જવા માટે મારી નાવ પર બેઠા. એ દરમિયાન તેઓ કામ વશ થઇ ગયા અને મને લોભાવવા મીઠી મીઠી વાતો કરવા લાગ્યા. હું મારા પિતાના ભયથી અને ઋષિવરના શાપના ભયથી તેમની વાતનો અસ્વીકાર કરી ન શકી. ત્યારે ઋષિએ ચારે બાજુ અંધકાર કરી દીધો અને મારી સાથે સહવાસ કર્યો. પહેલાં મારા શરીરમાંથી માછલીની વાસ આવ્યા કરતી હતી, મારું નામ પણ મત્સ્યગંધા પડયું હતું – હવે મારા શરીરમાંથી સુગંધ વહેવા લાગી અને ઋષિએ મારું કૌમાર્ય મને પાછું આપ્યું.

હવે જયારે આપણે આવી ઘટના સામે જોઇએ ત્યારે કયા પ્રતિભાવ જાગે? સત્યવતી શા માટે પરાશર ઋષિનો વિરોધ કરી ન શકી? અને વળી કૌમાર્ય પાછું આપવું એટલે શું? પરંતુ આ બધી કથાઓને આપણે સ્વીકારી લેવી પડે. પરાશર સાથેના સહવાસને કારણે સત્યવતીએ જે પુત્રને જન્મ આપ્યો તે વેદવ્યાસ. બધા વેદોનું વ્યવસ્થિત વિભાજન કર્યું એટલે તેમનું નામ એવું પડયું. તેમના શરીરનો રંગ કાળો હતો એટલે તેમનું નામ કૃષ્ણ દ્વૈપાયન પણ પડયું. આ વેદવ્યાસ આપણા બંનેની સંમતિથી તારી માતાને સંતાનો આપી શકે છે.

તેમણે પહેલાં પણ મને કહ્યું હતું કે કશી જરૂર પડે તો મને યાદ કરજો. હે ભીષ્મ, હવે જો તું કહેતો હોય તો હું એમને બોલાવું. તમારી સંમતિ હશે તો વેદવ્યાસ સંતાનોને જન્મ આપી શકશે.
એટલે ભીષ્મે બુદ્ધિમાન વ્યકિતનાં લક્ષણ ગણાવ્યાં અને સત્યવતીની વાત સ્વીકારી. સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું એટલે તરત જ માતા પાસે પ્રગટ થઇ ગયા. એટલે સત્યવતીએ તેને ગળે વળગાડયો, પોતાના સ્તનમાંથી પ્રગટેલા દૂધ વડે વ્યાસને સ્નાન કરાવ્યું, ઘણા સમયે પુત્રને જોઇને ગદગદ થઇ ગયાં. માતાને આશ્વાસન આપીને વ્યાસ બોલ્યા, ‘તમારી ઇચ્છા પૂરી કરવા હું આવ્યો છું એટલે કહો – શું કરું?’

સત્યવતીએ તેમને કહ્યું -પુત્ર ઉપર જેટલો પિતાનો અધિકાર, તેટલો જ માતાનો. જેવી રીતે તું મારો પ્રથમ પુત્ર એવી જ રીતે વિચિત્રવીર્ય પણ મારો પુત્ર. આમ વિચિત્રવીર્ય પણ તારો ભાઇ. વિચિત્રવીર્યના મૃત્યુ પછી ભીષ્મે તો તેમની રાણીઓને પુત્ર આપવાની ના પાડી. હવે બધાના કલ્યાણ માટે બંને રાણીઓને પુત્રસુખ આપો. વ્યાસે હા પાડી. પછી એ બંને રાણીઓએ મારા બતાવેલા વ્રત પાળવાના. સત્યવતી બહુ ધીરજ રાખી શકે એમ ન હતી એટલે રાણીઓ સગર્ભા થાય તેમ કરવા જણાવ્યું. ભીષ્મ એ પુત્રોને ભણાવશે.

હવે આમાં એક પ્રશ્ન તો હતો. વેદવ્યાસ કુરૂપ હતા, રાણીઓએ તેમની કુરૂપતા વેઠવી પડે એટલે જો અમ્બિકા મારા આ રૂપને ગ્રહી શકશે તો આજે જ તે સગર્ભા થઇ શકશે. વ્યાસ જતાં રહ્યા એટલે સત્યવતીએ પુત્રવધૂને સમજાવી અને તે પણ સંમત થઇ. તારો એક દિયર છે. તે આજે રાતે તારી પાસે આવશે. અમ્બિકાએ એ કૃષ્ણ વર્ણના, પિંગલજય અને લાંબી દાઢી અને અગ્નિસદશ નેત્રો જોઇ આંખો મીંચી દીધી. આમ તે રાણી વ્યાસને જોઇ ન શકી. વિદાય લેતાં વ્યાસને સત્યવતીએ પૂછયું આ રાણીને ગુણવાન પુત્ર તો જનમશે ને? આનો પ્રત્યુત્તર આપતાં વ્યાસે કહ્યું આ પુત્ર 10 હજાર હાથી જેટલું બળ ધરાવશે, વિદ્વાન, મહાપરાક્રમી હશે. તે 100 પુત્રોને જન્મ આપશે પણ માતાના વાંકે તે અંધ રહેશે.

સત્યવતી આ સાંભળી બોલી, ‘આ અંધ રાજા કેવી રીતે બનશે? એટલે બીજો એક પુત્ર આપો અને આમ અંબિકાએ અંધ ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો. ફરી સત્યવતીએ વ્યાસને નિમંત્ર્યા. આ રાણી પણ વ્યાસને જોઇને ફીકી પડી ગઇ એટલે વ્યાસે કહ્યું આનો પુત્ર પણ પાંડુરોગી બનશે. આમ તે પુત્રનું નામ પડયું પાંડુ. વ્યાસ પાસેથી વાત સાંભળીને સત્યવતીએ ત્રીજા પુત્રની માગણી કરી. અંબાલિકાએ તેજસ્વી, પાંડુ વર્ણના, પુત્રને જન્મ આપ્યો અને તેના પાંચ પુત્રો પાંડવ નામે ઓળખાયા. ફરી એક રાણીને સત્યવતીએ તૈયાર કરી પણ તે વ્યાસના રૂપ અને ગંધથી ત્રસ્ત થઇને તેણે પોતાની અપ્સરા જેવી એક દાસીને વ્યાસ પાસે મોકલી. ઋષિએ કહ્યું તારો પુત્ર મહા ધર્માળા થશે અને પુત્ર વિદુર નામે જાણીતા થયા.

આટલી કથા સાંભળીને જનમેજયે પ્રશ્ન કર્યો – ધર્મે એવું તે કેવું કર્મ કર્યું હતું જેથી તેમને શુદ્ર વર્ણમાં જન્મ લેવો પડયો? આ પ્રશ્ન શું સૂચવે છે? કોઇક રીતે પોતાના પાપને કારણે વ્યકિતએ શુદ્ર વર્ણમાં જન્મ લેવો પડે છે. એટલે વૈશેપાયન જનમેજયને ભૂતકાળની એક કથા કહી સંભળાવે છે. ભૂતકાળમાં માંડવ્ય નામના એક સત્યપ્રિય તપોરત બ્રાહ્મણ થઇ ગયા. તેઓ આશ્રમના આંગણે તપ કરી રહ્યા હતા. ત્યાં એક દિવસ લૂંટારુઓ લૂંટેલો માલસામાન લઇને તેમના આશ્રમમાં આવ્યા. રક્ષકોથી ડરીને આશ્રમમાં જ તેમણે લૂંટ સંતાડી અને પોતે પણ ત્યાં જ સંતાઇ ગયા. લૂંટારુઓને શોધવા આવી ચઢેલા રક્ષકોએ ઋષિને જોયા. તેમણે ઋષિને ચોરો વિશે પૂછયું પણ ઋષિ કશું બોલ્યા નહીં. રક્ષકોને ઋષિ પર વહેમ આવ્યો. રાજાએ ઋષિ સમેત બધા ચોરોને મૃત્યુદંડ આપ્યો. રક્ષકોએ માંડવ્ય ઋષિને શૂળી પર ચઢાવી દીધા. પણ દિવસો પછી પણ તે ઋષિ મૃત્યુ ન પામ્યા અને તેમણે બીજા ઋષિઓને બોલાવ્યા.

ઋષિઓ પક્ષીઓનું રૂપ લઇને ત્યાં આવ્યા. તેમણે ઋષિને પૂછયું તમે એવું કયું પાપ કર્યું હતું? રાજાએ બધી વાત જાણી એટલે ત્યાં જઇને માંડવ્ય ઋષિની સ્તુતિ કરી. શૂળી પરથી ઋષિને ઉતાર્યા, શૂળીની જડ કાઢી નાખી, પણ બાકી રહેલી જડને કારણે તે અણી માંડવ્ય નામે પ્રસિદ્ધ થયા. તેઓએ એક સમયે ધર્મ પાસે જઇને પોતાના કયા કુકર્મને કારણે આ સજા મળી તે પૂછયું. ધર્મરાજે કહ્યું – એક વખત તમે કોઇ પતંગિયાની કાયામાં સળી પેસાડી હતી – એનું આ પરિણામ. એટલે ઋષિએ કહ્યું, ‘મારા નાનકડા અપરાધની આવી સજા? તો તમે મનુષ્ય દેહ લઇ શુદ્ર જાતિમાં અવતરશો અને હું એક નિયમ સ્થાપું છું કે 14 વર્ષની ઉંમર સુધી કોઇ સંતાનને તેના કોઇ કાર્ય માટે દંડ નહીં આપવો. આમ આ રીતે ઋષિએ અપરાધ કરનારની મર્યાદા બાંધી અને સાથે સાથે સૂચવાયું કે આપણા કોઇ પણ સત્કાર્ય કે દુષ્કાર્યનો બદલો આ જન્મે કે બીજા જન્મે મળતો જ હોય છે.

Most Popular

To Top