Columns

ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદનથી લઈને ભોજન સુધીની પ્રક્રિયા હાનિકારક હોઈ શકે છે

ગઈ કાલે આપણે ભારતની ૮૦ કરોડની જનતાના માથે મારવામાં આવેલા ફોર્ટિફાઈડ ચોખા વિશે જાણ્યું. કઈ રીતે આ ચોખા આપણા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે? તે બાબતે અનેક નિષ્ણાતોના અભિપ્રાયો જાણ્યા. કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધીમાં ૧૩૭.૭૪ લાખ મેટ્રિક ટન જેટલા ફોર્ટિફાઈડ ચોખાનું દેશનાં અનેક રાજ્યોમાં વિતરણ કરવામાં આવ્યું છે; પરંતુ ૧૫ રાજ્યોમાં અમલ કરવાના પાઈલોટ પ્રોજેક્ટો પૈકી ફક્ત અગિયાર રાજ્યોના જ પ્રોજેક્ટો અમલમાં મૂકી શકાયા હતા. આ અગિયાર પૈકી ફક્ત પાંચ જ પ્રોજેક્ટો વર્ષ ૨૦૨૨ના માર્ચ મહિનાની મૂળ મુદત સુધીમાં પૂર્ણ થયા હતા. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં ફોર્ટિફાઈડ ચોખા ઉપર એક ગોપનીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે ‘ધ રિપોર્ટર્સ કલેક્ટિવ’ના હાથમાં આવ્યો છે. આ અહેવાલ મુજબ ઓગસ્ટ, ૨૦૨૧થી લઈને એપ્રિલ, ૨૦૨૨ દરમ્યાન ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ઉપર નીતિ આયોગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીતિ આયોગ દ્વારા અગિયાર પૈકીના સાત પાઈલોટ પ્રોજેક્ટની તપાસ કરવામાં આવી હતી, જેમાં મળેલી માહિતી ચોંકાવનારી હતી. આ અહેવાલ મુજબ સરકાર દ્વારા ફોર્ટિફાઈડ ચોખાના પક્ષમાં વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવા માટે હાથ ધરવામાં આવેલ પાઈલોટ પ્રોજેક્ટમાં અનેક ગોટાળા કરવામાં આવ્યા હતા. લોકોના કુપોષણને દૂર કરતાં પહેલાં કુપોષણનું સ્તર જાણવું જરૂરી હોય છે પરંતુ અહેવાલ મુજબ એક પણ પ્રોજેક્ટમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરતાં પહેલાં લોકોમાં પોષણનું સ્તર માપવામાં આવ્યું નહોતું. ફોર્ટિફાઈડ ચોખાનો દાણો ‘હાઈ રિસ્ક કેટેગરી’માં આવતો હોવા છતાં તેના ઉત્પાદનની ગુણવત્તા ચકાસવામાં નહોતી આવતી. આ કેટેગરીમાં આવતા દરેક ખાદ્ય પદાર્થની ગુણવત્તા ચકાસણી જરૂરી છે, કેમકે તે પદાર્થ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. અહેવાલ મુજબ દરેક સ્થળે તંત્રના બેજવાબદારી અને અવૈજ્ઞાનિક અભિગમ જોવા મળ્યાં.

અહેવાલ મુજબ ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદન દરમ્યાન કૃત્રિમ પોષક તત્ત્વોની માત્રાની ચકાસણી કરવામાં નહોતી આવતી. આંગણવાડી, શાળાઓ કે રેશનની દુકાનોમાં મોકલાતા ચોખાના નમૂનાઓનું પરીક્ષણ નહોતું કરવામાં આવતું. યોજનાના યોગ્ય અમલીકરણની તપાસ કરવા માટે પણ કોઈ એકમની સ્થાપના નહોતી કરવામાં આવી. લોહ તત્ત્વ ધરાવતી દવાઓ કરતાં ફોર્ટિફાઈડ ચોખા લોકોને વધુ માફક આવશે તેવો સરકારનો દાવો હતો; પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનો અભિપ્રાય કંઈક જુદો હતો. ફોર્ટિફાઈડ ચોખાનો દેખાવ પ્લાસ્ટિક જેવો હોવાને કારણે અનેક લોકોએ તેને લેવાનો ઈનકાર કરી દીધો હતો. જે લોકોએ લીધા તેમની ફરિયાદ હતી કે આ ચોખાને રાંધવામાં વાર લાગે છે. ફોર્ટિફાઈડ ચોખા સામાન્ય ચોખાની સરખામણીમાં વજનમાં હલકા હોય છે. અમુક લોકોએ ચોખા પાણીમાં પલાળી ઉપર રહેલા ફોર્ટીફાઈડ ચોખા જુદા તારવી લીધા અને સામાન્ય ચોખાને ઉપયોગમાં લીધા હતા.

અહેવાલ મુજબ સરકારને ચોખાનું વિતરણ કરતાં પહેલાં લોકોમાં કુપોષણનું પ્રમાણ ખબર નહોતી અને તેથી ચોખાના વિતરણ બાદ આ પ્રમાણનો ફેરફાર માપી શકાય તેમ નહોતો. ‘ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ્ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’(એફએસએસએઆઈ)નો હેતુ દેશના ખાદ્ય પદાર્થોની આદર્શ ગુણવત્તા નક્કી કરવાનો અને ચકાસવાનો છે. આ સંસ્થાને ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદનથી લઈને વિતરણ સુધીના દરેક તબક્કાની ગુણવત્તાની ચકાસણીનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જો કે આ સંસ્થાના અધિકારીઓના કહેવા મુજબ તેમને ચોખાની ગુણવત્તા ચકાસણી માટે કોઈ અધિકારો આપવામાં નહોતા આવ્યા પરંતુ ફક્ત ચોખાના ઉત્પાદકોને પરવાના આપવાનું જ જણાવવામાં આવ્યું હતું. ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદનની ગુણવત્તા ચકાસણી એક પણ જિલ્લામાં કરવામાં નથી આવી.

ફોર્ટિફાઈડ ચોખાની ગુણવત્તાની ચકાસણી દર ત્રણ મહિને સરકાર દ્વારા પ્રમાણિત પ્રયોગશાળામાં કરાવવાની હોય છે. આવી પ્રયોગશાળાઓ આખા દેશમાં ફક્ત વીસ છે અને તે પણ ફક્ત દસ રાજ્યોમાં છે. આ પ્રયોગશાળામાં ચકાસણીની ક્ષમતા એક વર્ષમાં ૨.૬ લાખ નમૂના જેટલી છે, જ્યારે દેશવ્યાપી ફોર્ટિફાઈડ ચોખાના વિતરણનું પ્રમાણ જોતાં આ ક્ષમતા વર્ષે ૨૦ લાખ નમૂનાઓ કરતાં પણ વધુ હોવી જોઈએ. હકીકતમાં ફોર્ટિફાઈડ ચોખાની ગુણવત્તાની ચકાસણી તેના ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ દરમ્યાન કોઈ સરકારી સંસ્થા દ્વારા નથી કરવામાં આવતી. ઉત્પાદક દ્વારા જાતે જ તેની ગુણવત્તાનું પ્રમાણ આપી દેવામાં આવે છે, જે વિતરણ સંસ્થાઓ સ્વીકારી લે છે.

ફોર્ટિફાઈડ ચોખામાં લોહ તત્ત્વ ઉમેરવામાં આવે છે, જે થેલેસેમિયા, સિકલ સેલ અને ટી.બી.થી પીડાતાં લોકો માટે હાનિકારક છે. સામાન્ય રીતે આ રોગો ગરીબ અને કુપોષણથી પીડાતાં લોકોમાં જ વધુ જોવામાં આવે છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં બહારથી પોષક તત્ત્વો ઉમેરવામાં આવ્યાં હોય તો તેની જાણ કરવી જરૂરી છે, પરંતુ ફોર્ટિફાઈડ ચોખાના થેલા ઉપર મહિનાઓ સુધી આ પ્રકારની માહિતી જોવા મળી નહોતી. જો કે સરકાર માટે એ જાણવું શક્ય નથી કે આ ચોખાના લાભાર્થીઓ પૈકી કોનાથી લોહ તત્ત્વ ધરાવતા ખોરાકનું સેવન ન થઈ શકે. ઝારખંડના એક ગામમાં જ્યારે ફોર્ટિફાઈડ ચોખા પહોંચાડવામાં આવ્યા ત્યારે ગામવાસીઓ ચોખા જેવા દેખાતા પરંતુ બેસ્વાદ ધાન્યને જોઈને ગભરાઈ ગયા હતા. એક વૃદ્ધ ખેડૂતના કહેવા મુજબ ચોખાનું સેવન કરવાથી તેને ઝાડા થઈ ગયા હતા અને સાદા ચોખાનું સેવન ફરી ચાલુ કર્યા બાદ જ તેની તબિયત સુધરી હતી.

અહેવાલ મુજબ લોકોમાં ફોર્ટિફાઈડ ચોખા સામેનો ડર માહિતીના અભાવને કારણે છે પરંતુ અનેક જિલ્લાના સરકારી અધિકારીઓને પણ આ ચોખાના ફાયદા, તેના ઉપયોગ, તેનો સંગ્રહ અને તેના સેવન બાબતે કોઈ માહિતી નથી. અનેક ગામોમાં ચોખાને ધોતી વખતે ઉપર તરી આવતા ફોર્ટિફાઈડ ચોખાને ફેંકી દેવામાં આવતા. અનેક મહિલાઓ સરકારી યોજનામાંથી મળેલા ચોખામાંથી ફોર્ટિફાઈડ ચોખાના દાણા વીણીને કાઢી નાખતી જોવા મળી હતી. ફોર્ટિફાઈડ ચોખા વિષે માહિતી આપવા માટે જિલ્લા દીઠ બે લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પણ જો રેશનની દુકાનના માલિક, શાળા સંચાલક, બાળ વિકાસ યોજનાના અધિકારી, આંગણવાડીના કાર્યકરો વગેરેને જ આ યોજનાની માહિતી ન હોય તો ગરીબ અથવા વનવાસી જનતા પાસેથી શું અપેક્ષા રાખી શકાય?

કેન્દ્રના ખોરાક અને જાહેર વિતરણ વિભાગના નિયમો મુજબ દરેક જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સ્તરે ફોર્ટિફાઈડ ચોખાના ઉત્પાદન અને વિતરણ ઉપર નજર રાખે તેવા એકમની સ્થાપના કરવી જરૂરી હોય છે. નીતિ આયોગના અહેવાલ મુજબ એક પણ જિલ્લાઓમાં આ પ્રકારના એકમની સ્થાપના કરવામાં નથી આવી. ભાજપના મોરચાની સરકાર દ્વારા દેશનાં ૮૦ કરોડ લોકોને એવો પદાર્થ આપવામાં આવી રહ્યો છે જેની તેમને જરૂર છે કે નહીં તે ખબર નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે તેને સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે, એફએસએસએઆઈ દ્વારા તેને ‘હાઈ રિસ્ક કેટેગરી’માં મૂકવામાં આવ્યા છે અને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં નથી આવતી. તો પછી ભારત સરકાર દ્વારા આવો જોખમી નિર્ણય કેમ લેવામાં આવ્યો? આ મુદ્દાની ચર્ચા આપણે આવતી કાલે કરીશું.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top