Columns

એક નફરતના પ્યાલાની કિંમત

એક માણસ લાગણીઓની દુકાનમાં નફરત ખરીદવા ગયો તેને ખબર ન હતી કે તે જે ખરીદવા માંગતો હતો તે તેને કેટલું મોંઘુ પડવાનું હતું.તેણે લાગણીની દુકાનમાં પગ મુક્યો એક સારા બિઝનેસમેનની ખાસિયત પ્રમાણે દુકાનદારે તરત પૂછ્યું, ‘શું જોઈએ છે તમને ??’ માણસે પૂછ્યું, ‘નફરત મળશે ??? મારે એક પ્યાલો નફરત લેવી છે.’ દુકાનદારે નવાઈથી માણસની સામે જોયું અને સ્મિત આપી ધીમેથી પૂછ્યું, ‘શું તમને એક પ્યાલો નફરતનો ખરીદવો પોસાશે??’ માણસે બોલ્યો, ‘શું કિંમત છે નફરતના એક પ્યાલાની ???પહેલા કિંમત તો કહો.

દુકાનદાર બે ઘડી ચુપ રહ્યો અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યો, ‘ સાંભળો નફરતના એક પ્યાલાની કિંમત …..સૌથી પહેલા તમારે તમારી આંતરિક શાંતિ આપવી પડશે.પછી તમને ચિંતાઓનો ભાર વેઠવો પડશે.પછી તે તમારા અંતને સતત કોરી ખાશે.તમારું મન કડવું થઇ જશે અને જયારે જયારે તમે જેના માટે નફરત ખરીદવા આવ્યા છો તેને જોઇને મનની કડવાશ વધશે જે તમને નુકસાન પહોચાડશે.જયારે અન્ય કોઈ તે વ્યક્તિના વ્કાહ્ન કરશે તમે બળીને ખાખ થઈ જશો.તે વ્યક્તિને જોઇને તમને વિના કારણ દુઃખ થશે.

જેને માટે નફરત ખરીદવા આવ્યા છો તેને ખુશ જોઇને તમને રડવું આવશે.બીજા જયારે પોતાના ભવિષ્ય માટે મહેનત કરતા હશે ત્યારે તમે જેને નફરત કરોછો તેને કેમ નીચે પાડવા તેના વિચારોમાં અટવાયેલા રહેશો.તમારા મનમાં નફરતનું સામ્રાજ્ય વધતું જશે એટલે ઈશ્વરનો અંશ ઓછો થતો જશે અને મનમાં શેતાની વૃત્તિ વધતી જશે.મનમાં નફરત રાખવાથી શરીરને પણ નુકસાન થશે અને ઘણા રોગોનું ઘર બનશે તમારું શરીર..

જો તમે નફરતનો એક પ્યાલો ખરીદીને પીશો એટલે સાથે સાથે કડવાશ,પૂર્વગ્રહ,ગુસ્સો,ઈર્ષ્યા,અસંતોષ અને અમાફી જેવી વૃત્તિઓ મનમાં વધી જશે જે તમારા જ શરીરને નુકસાન પહોચાડશે.કોઈ પ્રાર્થના કે દવા તમારા શરીરને સારું નહી કરી શકે………..’ દુકાનદાર હજી નફરતના એક પ્યાલાની કિંમત જણાવતો હતો ત્યાં જ માણસ ચુપચાપ ત્યાંથી નીકળી ગયો કારણ કે એક પ્યાલા નફરતની આ કિંમત જો તે ચુકવે તો શું થાય તે તેને સમજાઈ ગયું હતું. માણસ સમજી ગયો હતો કે એક પ્યાલા નફરતની કિંમત તે આટલું નુકસાન વેઠીને ચુકવે તો તેના ભાર હેઠળ તેનું આખું જીવન દબાઈ જવાનું હતું. નફરત હેઠળ જીવનને ન દબાવા દો…કોઈને નફરત ન કરો બધાને ચાહો.

Most Popular

To Top