Comments

પોલીસ વિભાગ હવે વ્યાપાર પણ કરશે

વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ વાપરવામાં આ બાબતનો ખ્યાલ રાખવામાં આવે છે. લાલ અને ભૂરો રંગ એક સાથે જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે એ રંગ પોલીસ વિભાગનો છે. પોલીસ વિશે વિચારતાં આપણા પગ સહેજ પાછા પડે એ નૈસર્ગિક પ્રતિક્રિયા હોય છે. પોલીસ વિભાગ સાથે સંકળાયા ન હોય એવાં ઘણાં લોકો ખોટે ખોટો રોફ જમાવવા માટે પોતાનાં વાહનો પર આ રંગોનો ઉપયોગ કરતાં જોવા મળે છે. અલબત્ત, દિલ્હી પોલીસ આ રંગ અને તેની સાથે સંકળાયેલી માનસિકતાને બદલવા માટે એક આવકાર્ય પહેલ કરી છે.

દિલ્હી પોલીસે આમ જનતા માટે રોજબરોજના વપરાશ માટેની ઉપયોગી ચીજો તૈયાર કરી છે, જેમાં હેન્ડબેગ, બૅકપૅક, પર્સ, વૉલેટ, બેલ્ટ, કૅપ, કી-ચેઈન, કફલીક્ન જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ ચીજોની ડિઝાઈન ખ્યાતનામ ફેશન ડિઝાઈનર રીતુ બેરીએ તૈયાર કરી છે. પોલીસ વિભાગ સાથે અભિન્ન ગણાતા ખાખી રંગ પર તેની ઓળખ જેવા લાલ અને ભૂરા રંગની પટ્ટીઓ મૂકવામાં આવી છે. આ આવશ્યક ચીજો તૈયાર કરતી વખતે, રીતુના જણાવ્યા અનુસાર ‘ગહન સંશોધન પછી, વૈશ્વિક પ્રવાહો ઉપરાંત પોલીસોની ફરજ અને જવાબદારીઓ તેમજ લોકોની તેમની પાસેની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.’

પોલીસ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘બ્રાન્ડેડ ચીજવસ્તુઓ થકી તેના ગ્રાહકો, ખાસ કરીને યુવાઓ સાથે મજબૂત રીતે જોડાણ સાધી શકાશે અને પોલીસની કામગીરી બાબતે તેમના મનમાં કદર તેમજ આકાંક્ષા પેદા કરી શકાશે.’ આમ થવામાં કેટલી સફળતા મળશે એ તો વેચાણના આંકડા થકી ખ્યાલ આવશે, પણ એટલું ખરું કે પોલીસ વિભાગનો આ અભિગમ નવતર છે. ખાખી, તેમજ લાલ અને ભૂરા રંગને સાથે જોઈને મનમાં પેદા થતો અકારણ ડર તેનાથી ઘટે તોય ઘણું.

આ ઉપરાંત દિલ્હી પોલીસે કુલ પંચોતેર પોલીસ બૂથ ઊભાં કર્યા છે, જે બહુહેતુક છે. નાગરિકો પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવવાને બદલે અહીં ફરિયાદ નોંધાવી શકશે. તદુપરાંત ફરજ પરના પોલીસ કર્મચારીઓ અહીં આરામ કરી શકશે. આ બૂથ ચોવીસે કલાક ખુલ્લાં રહેશે. પોલીસની કામગીરી સતત તાણયુક્ત બની રહે છે. આથી તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવાં બૂથ તૈયાર કરાયાં છે.

વિવિધ રાજ્યોના પોલીસ વિભાગની ખાસિયતો અલગ અલગ હોય છે. એ જ રીતે તેમની કાર્યપદ્ધતિ પણ જુદી હોય છે. ક્યારેક તેઓ પોતાની પ્રચલિત છબીથી કશુંક અલગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રસાર માધ્યમોમાં એ ચર્ચાતું હોય છે. જેમ કે, મુમ્બઈના પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે કરવામાં આવતાં રમૂજી ટ્વીટ મજાનાં હોય છે. કેરળના પોલીસ વિભાગે કોવિડની મહામારી દરમિયાન હાથ ધોવા તેમજ અંતર જાળવવા અંગેની સાવચેતી રાખવાનું જણાવતી નૃત્યની એક વિડીયો ક્લીપ ઘણી પ્રસરી હતી.

પોલીસ વિભાગ જનજાગૃતિ માટે આવું કશુંક, હળવાશપૂર્વક કરે એ બાબત સમાચારનો વિષય બને એ જ સૂચવે છે કે આ સામાન્ય નહીં, પણ જૂજ બનતી ઘટના છે. એ જ રીતે પોલીસો ક્યાંક મૈત્રીપૂર્ણ વર્તાવ કરે યા લોકોને મદદરૂપ બને તો એ નવાઈની વાત લાગે છે. પોલીસની મૈત્રીપૂર્ણ છબી હજી આપણા દેશમાં સ્વપ્નવત્ જ રહી છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યે પોણો સો વરસ વીત્યાં એટલે હવે એ માટે અંગ્રેજોને પણ જવાબદાર ઠેરવી શકાય એમ નથી. પોલીસ વિભાગની છાપ એવી છે કે કેટલાક લોકો નકલી પોલીસ બનીને લોકો પર ધોંસ જમાવીને તેમનો ગેરલાભ લેવા જાય તો પણ લોકોને એ ખોટું હોવા બાબતે શંકા જતી નથી.

પોલીસ વિભાગમાં સુધારણાની વાતો વખતોવખત સંભળાય છે, પણ ઍ દિશામાં ભાગ્યે જ કશું નક્કર કામ થઈ શક્યું છે એ હકીકત છે. આથી દિલ્હી પોલીસ લોકોની નજીક પહોંચવાનો આવો પ્રયત્ન કરે ત્યારે એ પણ યાદ રાખવું રહ્યું કે ચીજવસ્તુઓ ડિઝાઈન કરાવીને વેચવાનો વિચાર આવકાર્ય છે, પણ એ બાબતને પોલીસ વિભાગમાં સુધારણા સાથે કશી લેવાદેવા નથી. એ મહત્ત્વની બાબત હજી બાકી જ રહે છે.

ઘણું ખરું જોવા મળે છે એમ, પોલીસ વિભાગ રાજકીય પક્ષ, ખાસ કરીને સત્તાધારી પક્ષનો હાથો બની રહે છે અને આ હકીકત તમામ પક્ષના શાસકોને લાગુ પડતી આવી છે. પોતાને થયેલા નુકસાન બાબતે સાચી રીતે પણ જો પોલીસ ફરિયાદ લખાવવાની આવે તો મોટા ભાગનાં લોકો એમ કરવાનું ટાળે છે અને નુકસાન વહોરી લેવાનું પસંદ કરે છે. આ જ દર્શાવે છે કે હજી પોલીસ બાબતે લોકોને એમ નથી લાગતું કે તેનો સંપર્ક સરળતાથી કરી શકાય એમ છે અને એ પછી પણ પોતાની વાતને સહાનુભૂતિપૂર્વક સાંભળીને તેની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી આવી પહેલ આવકાર્ય છે. ખાસ કરીને તેની પાછળનો આશય પ્રશંસનીય છે એમ કહી શકાય. પણ આ પ્રયાસ છૂટોછવાયો અને હજી પ્રાયોગિક સ્તરે છે એટલે કેટલો સફળ રહે છે એ તો સમય જ કહેશે. પોલીસ વિભાગમાં સુધારણાનું મુહૂર્ત ક્યારે આવશે અને આવશે કે કેમ, એ જોવાનું રહે છે, કેમ કે, દેશની સ્વાતંત્રતા પછી આ કાર્યક્રમ હાથ ધરવાની વિચારણા અને તેના અંગે વિવિધ કાર્યવાહી થતી આવી છે, પણ એનો જોઈએ એવો અમલ થઈ શક્યો નથી. આ પરિસ્થિતિમાં દિલ્હી પોલીસની આવી પહેલ આશ્વાસનરૂપ પુરવાર થાય એવી આશા સેવી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top