SURAT

સુરતમાં શિક્ષણ સમિતિની બેઠકમાં આપના સભ્યોનું તોફાન, પોલીસ બોલાવવી પડી

સુરત(Surat) : સુરતમાં શિક્ષણ સમિતિની (ShikshanSamiti) બેઠક આજે તોફાની બની હતી. વિપક્ષ આપના (AAP) સભ્યોએ બેઠકમાં તીખા સવાલો કર્યા હતા, જેના લીધે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તણખાં ઝર્યા હતા. બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો.

શિક્ષણ ક્ષેત્રે હિસાબો જાહેર કરાતા નહીં હોવાનો આક્ષેપ કરી આપના સભ્યોએ બેઠકમાં ભારે ધાંધલ ધમાલ મચાવી હતી. બેઠકની અંદર બહારથી આપના સભ્યો, કોર્પોરેટરો ઘૂસી આવ્યા હતા, જેના પગલે વાતાવરણ ગરમાયું હતું. શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા. તોફાન વધે તેમ લાગતા પોલીસ બોલાવવી પડી હતી.

આજે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં બેઠક બોલાવાઈ હતી, જેમાં આપના સભ્યોએ તીખા સવાલો કર્યા હતા. હિસાબી ગોટાળાના સવાલો પૂછ્યા હતા, તેના જવાબ શાસક પક્ષ તરફથી મળી રહ્યાં નહોતા.

દરમિયાન બેઠકમાં બહારથી આપના કેટલાંક કાર્યકરો અને કોર્પોરેટરો મહેશ અણઘણ, વિપુલ સુહાગિયા વિગેરે બેઠકમાં ઘુસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. માહોલ તંગ બની ગયો હતો. આપના સભ્યો શાસક પક્ષ પર એલફેલ આક્ષેપો કરી રહ્યાં હતાં. સામા પક્ષે શાસક પક્ષના સભ્યો પણ ઉગ્રતાથી જવાબ આપી રહ્યાં હતા. તોફાન વધતા પોલીસ બોલાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

વિરોધ પક્ષના ઉપનેતા પત્રકાર બની સભામાં પ્રવેશવા પ્રયત્ન કર્યો
સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા શિક્ષણ સમિતિની બેઠકમાં પ્રવેશવા માટે ખોટો રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો.આજે શિક્ષણ સમિતિની સભામાં તેઓ અન્ય કોર્પોરેટર અને કાર્યકરોને લઈ તેઓ પહોંચી ગયા હતા. સભામાંથી અધ્યક્ષે બહાર જવા કહ્યું તો કહ્યું હું પત્રકાર છું મારી પાસે આઈ કાર્ડ પણ છે. આમ કહીને રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિયમ મુજબ તેમને સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે, અધ્યક્ષે નિયમ મુજબ તેઓ આ સભામાં બેસી ન શકે તેવું જણાવતા મહેશ વધુ આક્રમક બની ગયા હતા. પહેલા કહ્યું અમે કોર્પોરેટર છીએ અને ગ્રાન્ટ આપીએ છીએ. તો અમે બેસી શકીએ. ત્યારબાદ કહ્યું સામાન્ય નાગરિક તરીકે બેસી શકીએ છીએ. પરંતુ અધ્યક્ષે નિયમ મુજબ તેઓ બેસી ન શકે તેવું કહેતા. અણઘણે છેલ્લે હું પત્રકાર છું મારી પાસે આઈ કાર્ડ પણ છે એમ કહ્યું હતું. જોકે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આમ વધુ પડતા ઉત્સાહમાં આવેલા વિપક્ષના ઉપનેતા ઘડીકમાં સામાન્ય નાગરિક તો ઘડીકમાં કોર્પોરેટર તો ઘડીકમાં પત્રકાર બનીને સભામાં બેસવા માગતા હતા તેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે.

Most Popular

To Top