Charchapatra

પિતા નેપથ્ય પાછળના હિરો

હમણાં ફાધર્સ ડે આવ્યો અને ગયો પણ પિતા તો હંમેશ છે. પિતા કુટુંબનું છત્ર છે, તેમ છતાં તે નેપથ્ય પાછળના હિરો છે. કુટુંબને માટે તે ચંપલ તુટેલી હોય તો મોચી પાસે જઇ બે ટાંકા મરાવી ચલાવી લે છે. શર્ટ કે પેન્ટ થોડું ફાટેલ હોય તો જાતે જ સોય દોરો લઇને સાંધી લે છે. આજકાલ ફાટેલ અને થીંગડાવાળા કપડાની ફેશન ચાલે છે, જે વર્ષો પહેલા આપણા બાપ – દાદાએ એનો અમલ કર્યો હતો. પિતા કુટુંબને માટે જાત ઘસી નાંખે. તોય તે પડદા પાછળના હિરો જ રહે છે. પિતાને વહાલી એની દીકરી હોય છે. દીકરીના લગ્ન થયા પછી તેને વિદાય કરવામાં આવે છે, ત્યારે પણ પિતા ઘરના એક ખુણામાં જઇને રડી લે છે, ત્યાં પણ નેપથ્ય! પિતા દીકરીના સાસરે જાય તો ત્યાંનું પાણી પણ ન પીએ અને જો એ જમે તો દીકરીને સારી એવી રકમ આપી દે છે.

આ છે પિતાની દીકરી માટેની ભાવના – લાગણી. જો પિતાએ પોતાના સંતાનને સારા સંસ્કાર આપ્યા હોય અને એને ધન દોલત ભલે ન આપ્યા હોય તો પણ સંતાન જાતે ધન દોલત મેળવી લેશે. પિતાનું હૃદય નાળિયેર જેવું હોય છે, ઉપરથી કઠણ પણ અંદરથી કોમળ. પત્નીનું મૃત્યુ થતાં પિતા સંતાનને માટે માતા અને પિતા બંનેની ફરજ બજાવે છે. તો એવા પિતા ધન્યવાદને પાત્ર છે. પિતા બાળકની આંગળી પકડીને શેરી મહોલ્લામાં લઇ જઇ દુનિયાદારીનું ભાન કરાવે છે. નાનું બાળક પૂછે પિતાને કે પપ્પા આ શું? પિતા કહે છે કાગડો. બાળક પાછો પૂછે, પપ્પા આ શું? પિતા કહે છે કાગડો. આમ પ્રશ્નોત્તર ઘણીવાર થાય તોયે પિતા કંટાળતા નથી. દીકરો મોટો થાય પછી પિતા એક જ પ્રશ્ન 2 – 4 વખત પૂછે તો યુવાન ગુસ્સે થઇ જાય છે. આ પિતા અને પુત્રમાં ફરક છે. દરેક સંતાન પોતાના પિતાને માન આપે, તેનું સન્માન કરે એ જરૂરી જ નહીં અનિવાર્ય છે.
નવસારી           – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top