Columns

પૈસાના દિલની વાત

એક શેઠ પૈસા ગણી ગણીને તિજોરીમાં મૂકી રહ્યા હતા.એક યુવાન માતાના ઈલાજ માટે પૈસા કમાવા મજૂરી કરી રહ્યો હતો.એક ભિખારી એક એક પૈસાની ભીખ માંગી રહ્યો હતો.એક શ્રીમંત નબીરો પૈસા ખરાબ તેવો પાછળ બરબાદ કરી રહ્યો હતો.એક સ્ત્રી પડોશણ સ્ત્રીની નવી સાડી જોઇને પતિ પાસે તે સાડી લેવા વધુ પૈસા માંગી રહી હતી.બે ભાઈઓ પૈસા માટે ઝઘડી રહ્યા હતા. બધાને જરૂર હતી પૈસાની.આ પૈસો બહુ મહત્ત્વનો છે.પૈસો પોતે આ બધું જોઇને હસી રહ્યો હતો.કોઈકે પૂછ્યું, ‘ભાઈ, તું કેમ હસે છે?’પૈસાએ કહ્યું, ‘બધાને મારી જરૂર છે એટલે રાજી થાઉં છું.’કોઈકે કહ્યું, ‘પૈસો જ પરમેશ્વર છે ’અને બીજાએ કહ્યું, ‘અરે, પૈસો તો હાથનો મેલ છે.’ત્રીજાએ કહ્યું, ‘પૈસો તમને ઓળખાણ આપે છે.

પૈસા વિના કોઈ તમને ઓળખતું નથી.’ચોથાએ કહ્યું, ‘પૈસો બધા ઝઘડાનું મૂળ છે.’આમ બધાના વિચાર પૈસા માટે જુદા જુદા હતા પણ પૈસો મેળવવો બધાને જ હતો. પૈસો બોલ્યો, ‘અરે, દુનિયામાં ભલે બધા મારા માટે કંઈ પણ બોલે, પણ બધા મને મેળવવા દોડે છે.હવે હું બોલું છું સાંભળજો. રોજ સવાર પડે ને બધા પૈસા કમાવા નીકળે છે.પૈસા ન ક્માનારની કોઈ કિંમત નથી.હું મહેનત કરનારને મળું જ છું અને આળસુ બેસી રહેનાર, તક શોધનાર તક્વાદીઓને હંમેશા મળતો નથી.તમે બધા તમારે માટે મહેનત કરી મને કમાવ છો ત્યારે હું ખુશી ખુશી તમારી સાથે આવું છું અને તમારી ઇચ્છાઓ પૂરી કરવાના કામમાં લાગુ છું.પણ જયારે તમે  કમાયેલા પૈસાથી બીજાનું ભલું કરો છો ત્યારે હું આંદથી નાચી ઊઠું છું અને વધુ ને વધુ તમારી તરફ ખેંચતો જાઉં છું.’

પૈસો મનની વાત બોલી રહ્યો હતો અને બધા તેને સાંભળી રહ્યા હતા.પૈસાએ કહ્યું, ‘કોઈ મને કંઈ પણ કહે, ખરાબ શબ્દોનું હું માઠું નથી લગાડતો અને સારા શબ્દો સાંભળી છકી નથી જતો.મને કમાઈ લીધા બાદ જે છકી જાય છે અને મને વેડફવા લાગે છે તેની પાસે હું વધુ સમય ટકતો નથી અને ધીમેથી ખબર ન પડે તેમ સરકી જાઉં છું.મને કમાઈ લીધા બાદ જે મને જાળવે છે, જે મારી કિંમત કરતાં વધારે મને મહત્ત્વ આપી સમજીને મારો ઉપયોગ કરે છે,જે મને આજે બચાવે છે તેની આવતી કાલ હું શણગારી દઉં છું.ભલે બધા કહે કે પૈસો સાથ નથી આપતો અને ઉપર જઈશું ત્યારે સાથે નથી આવતો.પણ સ્મશાનના લાકડા સુધી મારી જરૂર પડે છે અને જયારે હું નીચે રહું છું ત્યારે મને મેળવનારને બહુ ઉપર લઇ જાઉં છું.માટે મહેનતથી મને કમાવ, સમજીને સારી રીતે વાપરો, બચત કરો તો હું હંમેશા સાથ આપીશ.’પૈસાએ પોતાના દિલની વાત બધાને કહી દીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top