Surat Main

જાનૈયા વરઘોડામાં નાચી રહ્યા હતા અને બગી પર બેઠેલા વરરાજાને ચપ્પુ મારી દેવાયું!

સુરત : ઉત્તરાયણમાં થયેલા ઝઘડાની અદાવત રાખીને યુવકે વરરાજા ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. લગ્નમુર્હૂતમાં યુવકનો વરઘોડો નીકળ્યો હતો, લોકો વરઘોડામાં નાચી રહ્યા હતા ત્યારે જ વરરાજા ઉપર ચપ્પુથી હુમલો થતા દોડાદોડી થઇ ગઇ હતી. આ બાબતે પોલીસે ત્રણ યુવકોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

  • ‘તુને મુજે મકરસંક્રાતિ પે મારા થા ના, આજ તું બચ ગયા, અલગી બાર જાન સે માર ડાલુગા’
  • ઉત્તરાયણમાં થયેલી અદાવતમાં અન્ય યુવક ચપ્પુ લઇને બગી ઉપર ચઢી ગયો, વરરાજાને હાથમાં ઈજા થઈ

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલીમાં લક્ષ્મણ નગરમાં રહેતા ભુષણ ઉર્ફે બબુલ બંસીલાલ પાટીલ અને ઉધનામાં રહેતા જગદીશ ઉર્ફે વિક્કી ગણેશ પાટીલની વચ્ચે ઉત્તરાયણમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને જગદીશે તેના મિત્ર ગોલ્ડન તેમજ અન્ય યુવકની સાથે મળીને ભુષણની ઉપર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. ભુષણના લગ્ન યોજાયા હતા, અને તે મહાદેવ મંદિરમાં ભગવાનની પૂજા કરીને વરઘોડામાં બેઠો હતો, અન્ય સગાસંબંધીઓ વરઘોડામાં નાચી રહ્યા હતા, ત્યારે જગદીશ અને તેના મિત્રો આવ્યા હતા અને તેને ભુષણની બગીમાં ચઢીને તેની ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. જગદીશના હુમલાની સામે ભુષણે હાથ ઊંચા કરી દેતા હાથમાં ઇજા થઇ હતી. આ દરમિયાન જગદીશે કહ્યું કે, તુને મુજે મકરસંક્રાતી પે મારા થાના, આજ તો તું બચ ગયા, અલગી બાર તુજે જાન સે માર ડાલુગા’ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને જગદીશ તેમજ ગોલ્ડનને પકડી પાડ્યો હતો.

બળાત્કારના ગુનામાં હોમગાર્ડના જામીન નામંજૂર કરાયા
સુરત : પાંડેસરામાં મહિલાને લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવાના ગુનામાં હોમગાર્ડ જવાનના જામીન નામંજૂર કરાયા હતા. આ કેસની વિગત મુજબ પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે મરાઠા નગરમાં રહેતો એકનાથ સાહેબરાવ પાટીલે પોતે પરિણીત હોવા છતાં પણ મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં એકનાથએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બાબતે મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે એકનાથની સામે બળાત્કાર ઉપરાંત એસસીએસટી એક્ટ અને બળાત્કારનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. દરમિયાન જામીન મુક્ત થવા માટે એકનાથએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરીને જામીન નામંજૂર કરવા જણાવ્યું હતું. વકીલે દલીલો કરતા કહ્યું હતું કે, આરોપી પોતે હોમગાર્ડ છે અને જો તેને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થાય તેમ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી એકનાથના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top