Editorial

સરકારે શેરી ગરબાની મંજૂરી આપી દીધી પરંતુ કોરોના મામલે તકેદારી જરૂરી

જેને ગરબા કરતાં આવડતા નહી હોય તે ગુજરાતી નહી હોય. ગરબા અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે પરંતુ ગત વર્ષે કોરોનાને કારણે રાજ્યમાં ગરબાના આયોજનો કરી શકાયા નહોતા. સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી નહોતી. કોરોના વધે તેવી સંભાવનાને કારણે સરકારે અંકુશો રાખ્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કેસ ઘટી જતાં અને વેક્સિનેશન મોટાપાયે થતાં આખરે ગુજરાત સરકારે રાજ્યમાં ગરબાઓ રમવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે જાહેર કર્યું છે કે આ વર્ષે શેરી ગરબા યોજી શકાશે પરંતુ ધંધાદારી આયોજનો કરી શકાશે નહીં. એટલે કે પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતાં ગરબાના આયોજનો કરી શકાશે નહીં. સરકારે ગરબા માટે વધુમાં વધુ 400 લોકોની મર્યાદા જાહેર કરી છે. સરકારે ગરબા માટે કરફ્યુના સમયમાં પણ એક કલાકનો ઘટાડો કર્યો છે અને તેને કારણે આ વખતે ગુજરાતમાં જોરશોર સાથે શેરી ગરબા થશે.

પહેલા માત્ર ગુજરાતમાં અને ગુજરાતીઓ દ્વારા જ ગરબાઓ કરવામાં આવતા હતા પરંતુ બાદમાં ગુજરાતી જ્યાં પણ ગયા ત્યાં ગરબાને લઈ ગયા. દરેક શુભ પ્રસંગોની સાથે હવે રાજકારણીઓ પણ પોતાની પ્રચારયાત્રામાં ગરબાને જોડતા થઈ ગયા છે અને તેને કારણે ગરબામાં હવે ગુજરાતીઓની સાથે તમામ સમાજ જોડાવવા લાગ્યો છે. ગુજરાતમાં તો ઠીક પરંતુ મુંબઈમાં જ્યારે ગરબા થાય છે ત્યારે જાણે આખું ભારત ગરબામાં જોડાય છે. જેવી રીતે પંજાબમાં ભાંગડા સામાન્ય છે તેવી રીતે ગુજરાતમાં ગરબાનું મહત્વ છે. ગરબાને ધાર્મિકની સાથે ફિટનેસ તરીકે પણ જોડવામાં આવ્યા છે. ગરબા કરનાર વ્યક્તિની તંદુરસ્તી પણ અકબંધ રહેતી હોવાથી કેટલાક ખાસ ફિટનેસ માટે પણ ગરબા શીખતા અને કરતા હોય છે. સરકારે ગરબાને મંજૂરી આપીને ગુજરાતીઓની લાગણી જીતવા માટે મોટો પ્રયાસ કર્યો છે પરંતુ સાથે સાથે જે મૂળભૂત ડર છે તે કોરોનાના કેસ વધવાનો ડર પણ તેની સાથે રહેલો જ છે.

ગરબા થશે, મોટી સંખ્યામાં લોકો પણ તેમાં જોડાશે પરંતુ સાથે સાથે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન પણ રાખવું પડશે. ગરબા કરવા માટે વેક્સિન લઈ લેવી જરૂરી છે. વેક્સિન લીધા હોય તે જ વ્યક્તિ ગરબા કરી શકે તેવો નિયમ નથી. સરકાર આવો નિયમ બનાવીને તેને પાળી શકે તેમ પણ નથી. લોકોએ જાતે જ કોરોનાથી બચવાનું રહેશે. શેરી ગરબાના આયોજનમાં પણ આયોજકોએ એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે શક્ય હોય ત્યાં સુધી કોરોનાની ગાઈડલાઈનને પાળવાનો પ્રયાસ કરવામાં આવે. કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ કોરોના જતો રહ્યો નથી. ગમે ત્યારે કોરોનાના કેસમાં ઉછાળો આવી શકે તેમ છે. બે-બે ડોઝ વેક્સિન લીધી હોય તો પણ કોરોના થઈ રહ્યો હોવાનો કેસ વધી રહ્યાં છે.

શક્ય છે કે વેક્સિન લીધી હોય તેને કારણે કોરોના ગંભીર રીતે થતો નથી પરંતુ કોરોના વાયરસ સતત બદલાતો રહેતો હોવાથી જોખમ લેવા જેવું નથી. સરકાર અને સાથે સાથે લોકો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે. સરકારે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી શેરી ગરબાને મંજૂરી આપી દીધી છે. સાથે સાથે દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનોને પણ 400 લોકોની મર્યાદામાં ઉજવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ગરબાની સાથે આ તમામ તહેવારોમાં તકેદારી હવે લોકોએ જ રાખવાની રહેશે. લોકો સમજશે તો કોરોનાને કાબુમાં રાખી શકાશે અન્યથા કોરોનાની ત્રીજી લહેર દરવાજા પર દસ્તક દેતી ઊભી જ છે તે નક્કી છે.

Most Popular

To Top