Gujarat

કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં ગુજરાતનો યુવાન સૈનિક શહીદ થયો, આખું ગામ અંતિમયાત્રામાં ઉમટ્યું

છેલ્લાં કેટલાંક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir Terrorist Attack) આતંકવાદીઓ હુમલા થઈ રહ્યાં છે. આંતકવાદીઓ પર કાબુ મેળવવા માટે ભારતીય સૈન્ય દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની ઘટનાઓ બની છે, જેમાં કેટલાંક સૈનિકો શહીદ થયા છે. શહીદ થયેલા સૈનિકોમાં એક ગુજરાતનો યુવાન પણ છે.

ખેડાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામમાં રહેતા હરીશસિંહ પરમાર (Soldier Harishsinh parmar) કાશ્મીરમાં આતંકવાદી અથડામણમાં શહીદ થયા છે. આજે વીર શહીદનો પાર્થિવ દેહ તેમના વતન લાવવામાં આવ્યો હતો. શહીદ સપૂતનો પાર્થિવ દેહ વતન લાવવામાં આવતા આખું ગામ ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. ગામના એક એક રહીશ વીર શહીદની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યું હતું. આસપાસના ગામના લોકો પણ શહીદની અંતિમ યાત્રામાં જોડાયા હતા. નોંધનીય છે કે, કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષીય હરીશસિંહ રાધેસિંહ પરમાર આંતકવાદી અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં શહીદ થયા છે. એક આતંકવાદીની ગોળી હરીશસિંહને વાગી હતી. જેથી તેઓ શહીદ થયા હતા.

છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી જવાન પરત જમ્મુમાં હાજર થયા હતા. પરતું કોઈએ જાણ્યુ પણ નહીં હોય કે આ જવાન આવી રીતે ઘરે પરત ફરશે, કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા જવાનનો પાર્થિવદેહ વતન કપડવંજ લવાયો હતો જે બાદ આજે એક કિ.મી. લાંબી શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં આસપાસની ગ્રામજનો અને આખું ગામ અંતિમ યાત્રામાં સામેલ થયું હતું.

આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે. જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જ્યાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા. કપડવંજ ખાતેની સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું.

હરીશસિંહને નાનપણથી આર્મીમાં જવાનો શોખ હતો. વર્ષ 2016માં આર્મીમાં સિલેક્શન થતાં હરીશસિંહે તેના પરિવારને ખુશીઓથી ભરી દીધું હતું. યુવાનની પહેલી પોસ્ટીંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી. નજીકના સ્વજનોએ જણાવ્યું છે કે આર્મી જવાનની 1 વર્ષ અગાઉ સગાઈ થઈ ચૂકી હતી. આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં સુધીમાં લગ્ન પણ થવાના હતા. અને એ દરમિયાન જ શહીદી વહોરી લીધી છે. આશરે 2500ની વસ્તી ધરાવતું આ વણઝારીયા ગામમાંથી હાલ 5 જેટલા નવયુવાનો ભારતીય સૈન્યમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવે છે. જ્યારે 25થી 30 જેટલા યુવકો ભારતીય સૈન્યમાં જોડાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

Most Popular

To Top