Columns

મજા અને મજાક મર્યાદામાં જ શોભે!

આજકાલ SMSથી આવતા જોકસને લોકો મનોરંજનનો મસાલો સમજે છે. મેળ પડે ત્યારે લોકો આવા હલકા જોકસ ટાંકતા રહે છે પણ ઘણી વાર કૃત્રિમતા નજરે પડે છે. આપણે કોઇ જોક કે ગપ્પું મારીએ ને પછી કોઇ હસે નહીં તો હાલત હસવાને બદલે રડવા જેવી થઇ જાય છે. આપણી મજાક કોઇની મજા વધારતી હોવી જોઇએ અથવા તો કોઇનું દુ:ખ ઘટાડતી હોવી જોઇએ. નંદિતાને ત્યાં આજે કિટી પાર્ટી હતી. અંજના જરાક મજાકિયા સ્વભાવની, હસતી હસતી ડોલતી ડોલતી આવી, સોફા પર પાકીટ નાંખ્યું ને બબડી, ‘આ સાસુજીથી તોબા’ ને સાસુપુરાણ શરૂ કર્યું.

અરે! જવા દો ને! આજે સવારે યોગા કરવામાં હું તો પતિદેવને ઉઠાડવાનું જ ભૂલી ગઈ. 9 વાગી ગયા. હવે કયારે પરવારશે ને કયારે જશે? એક બાજુ શરીરના અંગમરોડની મારી ડાન્સ કેસેટ ચાલુ ને ‘જગુ, જગુ’ કરું પણ તે ઊઠે નહીં. એટલામાં દેવસ્થાનમાં પૂજા કરતાં સાસુજી તાડુકયાં, ‘વહુ, મારા દીકરાનું નામ જગતેશ્વર છે. કાં તો આખું નામ બોલો અથવા નામ વગર વાત કરવાનું શીખી લો’ અને પછી લેકચર બંધ જ ન થાય.

આજકાલની આ વહુઓ કેવી સાવ તોછડી! અમારા જમાનામાં તો પતિનું નામ લેવાતું જ નહીં. એની પાછળ પતિના દીર્ઘાયુની શુભ ભાવના કારણરૂપ માનવામાં આવતી. એય સાંભળો છો? અથવા તો જગતના પપ્પા તમે સાંભળો છો એમ કહેતા. આજની મોડર્ન વહુઓ તો બસ, ‘તું આમ કર ને તું તેમ કર.’ પતિનું કોઇ માન જ નહીં. ત્યાં તો પલ્લવી બોલી, ‘આરતી તું તારા વરને કયા નામે બોલાવે છે?’

‘અરે! જવા દે ને. મારે ત્યાં પણ સાસુમા તારા સાસુ જેવી જ રામાયણ કરે છે. મારા પતિનું નામ છે – આરોહ. હું તો તેને ‘આહુ’ કહીને બોલાવું છું.’ સૌ હસવા લાગ્યા. ‘અલી! આવું ભૂતપ્રેત જેવું નામ? એના કરતાં ‘યાહુ’ કરીને બોલાવ ને! તો શમ્મી કપૂર પણ નજર સામે દેખાશે. ‘આહુ’ એમાં તો સાલુ ભૂત જ નજર સમક્ષ દેખાય છે.’ ‘પણ પલ્લવી તે તો તારા પતિદેવની વાત જ ન કરી!’

‘કરું છું, કરું છું. તમને ખબર છે મારા પતિ તો સંસ્કૃતના પ્રોફેસર છે. એમને તો ભાષા પ્રત્યે બહુ આદર છે એટલે હું તો મારા સ્વામીને ‘સ્વામી, હે આર્યપુત્ર! કહીને બોલાવું છું.’ ત્યાં તો અનમેરીડ ઝીલુ બોલી – ‘આ સંબોધનમાં તો દાસીપણું છતું થતું નથી લાગતું? આ શબ્દમાં તો ‘અહમ્‌’ ભારોભાર પોષાતો લાગે છે.’ ‘અરે! ઝીલુ! તને કુંવારી કન્યાને પતિ શું? સંસાર શું? બાળકો શું? સાસુ શું? તને કાંઇ ખબર ન પડે!’ ત્યાં તો સૌના વડીલ જેવા શાંત સ્વભાવના શાંતાબેનને સૌએ પૂછયું – ‘તમે તમારા પતિને શું કહીને બોલાવો છો?’ તેમણે તો શરમથી બે હાથ મોઢા પર રાખીને કહ્યું ‘હું તો – સૂસ, સૂસ.’ ‘આ સૂસ એટલે શું? સૂસૂ તો નહીં ને?’ બધા ખૂબ હસ્યાં!

હવે વારો આવ્યો નીતાનો. નીતા તો કશું બોલવા માંગતી જ ન હતી. તેના પતિનું બે જ અક્ષરનું ‘જશ’ નામ. તેથી તેમને ખૂબ માનથી એ જ નામે બોલાવતી હતી પણ નીતાએ તેની નણંદ પ્રિષા જે અમેરિકાથી આવી છે, ‘મારા નણંદ એના પતિને ઘડી ઘડી મિસ્ટર – ડાર્લિંગ તું આમ કર ને તેમ કર. માય ડાર્લિંગ, માય ડાર્લિંગ બોલતાં મોઢું ન સુકાય.’ મેં એમને કહ્યું- ‘આવા બધા સંબોધનો દાદા – દાદી, પપ્પા – મમ્મી, બાળકોવાળા પરિવારમાં સારા ન લાગે.’ તો એકદમ મારા પર ગુસ્સો કરી કહેવા લાગ્યાં, ‘તો શું તમારી ભારતીય સ્ટાઇલમાં – ‘મારી સગી નણંદના વીરા જરા આમ આવ’ એમ કહું.’ હું તો ચૂપ જ થઇ ગઇ! મનમાં થયું વધુ બોલવા જઇશ તો હસવામાંથી ખસવું થઇ જશે.

ત્યાં એક બહેન બોલ્યાં, ‘જવા દો ને અમારા મહોલ્લામાં કાલે હસવામાંથી ખસવું થઇ ગયું. બધા છોકરાઓનું ટોળું ગણપતિના મંડપ આગળ બેઠું હતું. મહોલ્લાની છોકરીઓ ગણપતિ જોવા ઊભી રહી. છોકરાઓ અંતાક્ષરી રમતા હતા. છોકરીઓને જોઇને વલ્ગર ગીત મોટેથી ગાવા લાગ્યા – ‘ગોરી ચલો ન હંસ કી ચાલ – જમાના દુશ્મન હૈ’ ‘તું સોલા બરસ કી મૈં સતરા બરસ કા’ એ ગીતો સાંભળતા જ છોકરીઓએ ચંપલ કાઢીને તેઓને બરાબરના ઝૂડી નાંખ્યા. છોકરાઓ પગે લાગી કહેવા લાગ્યા સોરી, સોરી, અમે તો મજાક – મસ્તીમાં ગીતો ગાતા હતા. તમે તો સિરિયસલી લઇ લીધું. આ તો હસવામાંથી ભસવું અને લડવું બંને થઇ ગયું.’

ત્યાં તો આરતી બોલી, ‘કેટલીક વાર સામાન્ય ટોનમાં કહેવાયેલી વાત પણ કેવી ગંભીર બની જાય છે, તેની હું તમને વાત કરું. અમારા સંબંધીના સંબંધી પતિ – પત્ની બંનેએ લવમેરેજ કરેલા. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ. એક દિવસ સામાન્ય વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો. પતિ મજાકીયા સ્વભાવના હતા. પત્નીએ કહ્યું ‘મારે પિયર જવું છે,’ પતિએ કહ્યું પિયરમાં શું દાટેલું છે? ‘દાટેલું કંઇ નથી પણ મારાં માતાપિતા માંદા છે. તેમને મળવા તથા તેમની દવા માટે મારે થોડા પૈસા પણ આપવા છે.’ પતિએ અમસ્તું જ હસતાં હસતાં કહ્યું – ‘મારા પૈસા તારાં પપ્પા – મમ્મી માટે? જા, નહીં મળે. પતિ પત્નીને મજાકમાં ગુસ્સે કરવા માંગતા હતા.

‘તમે મને પૈસા નહીં આપો એમ? જો જો ત્યારે હું તમને બતાવી દઇશ. પાછી નહીં ફરું. મરી જઇશ.’ ઘરની બહાર જતાં જતાં પતિ હસવામાં જ એમ બોલ્યા કે એમ કાંઇ મરવાનું રસ્તામાં પડયું નથી, જોઉં છું કેવી મરી જાય છે તું! પતિ કામ પતાવીને બહારથી 2 – 4 કલાકે આવ્યા તો ખરેખર પત્ની મરેલી હાલતમાં પડી હતી. પતિ બિચારો આખી જિંદગી પોતાના આ મજાકિયા સ્વભાવને દોષ દેતો રહ્યો. એ તો ચાલી ગઇ પણ હું મારી મજાકની સજા આજે પણ ભોગવી રહ્યો છું.’

તો વાચક મિત્રો! મજાક મસ્તી મર્યાદામાં જ શોભે. મજાક કરતાં પહેલાં, ઠઠ્ઠા – મશ્કરી કરતા પહેલાં માણસે થોડું વિચારવું જોઇએ કે આપણી મજાકની અસર સામેની વ્યકિત પર કેવી પડશે. કેટલીક વ્યકિત મજાક સહન કરી શકતી નથી. જ્યારે કેટલીક વ્યકિતને કોઇ ગમે તેટલી મશ્કરી કરે તો પણ કંઇ અસર થતી નથી. ગમે તેવી મજાકમાં સંબંધો વણસે છે. મજાક ક્ષણભરના આનંદ માટે હોય છે. તેને બદલે મજાક એકબીજાના મનને ચોટ પહોંચાડી જિંદગીભરના સંબંધો તોડે છે. એકબીજાની દુશ્મની વહોરવી પડે છે. આપણી મજા અને મજાક કોઇને હર્ટ ન કરે તે ખાસ ધ્યાન રાખવું જોઇએ.

હસો – હસાવો પણ હસવા સમી જિંદગી ન બને તેનું ધ્યાન રાખો. અગર હસબન્ડ તમારા ડ્રાઇવિંગની, ટેક્નિકલ નોલેજની કે તમારા ફીગરની મજાક ઉડાવે તો ઉડાવવા દો. એમની સાથે હસવામાં તમે પણ સામેલ થઇ જાઓ અને કહી દો કે ‘જૈસી ભી હું દિલવાલી હું, તેરી ઘરવાલી હું – કુછ ભી કર લે ડરનેવાલી નહીં, ચાહે જો બોલના હૈ વો બોલ… તેરે આગે પીછે હી રહનેવાલી હું.’ બસ વાત ખતમ. મજાકનો જવાબ મજાકમાં આપો. મન પર નહીં લો! જેથી પરિણામ વિપરીત આવે.

મતલબ કે દુ:ખમાં, ગુસ્સામાં, મજાકમાં કે અપમાનમાં ફાયદો દલીલો કે ઝઘડવામાં નહીં પરંતુ હસવા – હસાવવામાં છે. તો પ્રતિજ્ઞા કરીએ. મજાક કરવી મારો સ્વભાવ છે. સૌને હસાવવું મારો ધર્મ છે. હસી કાઢવું મારો ગુણ છે. મજાક મર્યાદામાં રહીને જ કરીશ. બોલો સૌ મજાક – મસ્તીનો જય જયકાર…
સુવર્ણરજ :
જે વ્યકિત પોતાની જાત પર હસી શકે, એને જીવનમાં કયારેય રડવાની જરૂર ન પડે.

Most Popular

To Top