Comments

કોલોરાડો નદીસંકટ પશ્ચિમ અમેરિકા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે

‘અમેરિકન નાઇલ’ તરીકે ઓળખાતી કોલોરાડો નદી પશ્ચિમ અમેરિકાની જીવાદોરી છે, જે આ પ્રદેશ તેમજ મેક્સિકોમાં લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ કોલોરાડો હેડવોટરથી કેલિફોર્નિયાના અખાત સુધી વિસ્તરતો ૨૩૩૦ કિ.મી. લાંબો આ જળમાર્ગ સંકટમાં છે. એક બાજુ વધતી જતી વસતી અને ખેતી માટે પાણીનો વધતો ઉપયોગ તો બીજી બાજુ જળવાયુ પરિવર્તનને કારણે દુષ્કાળનાં વર્ષોમાં વધારાને કારણે નદીનું સ્તર ઐતિહાસિક રીતે નીચું ગયું છે.

ઓગસ્ટ ૨૦૨૧માં, વોશિંગ્ટને કોલોરાડો નદીના બેસિનમાં પ્રથમ વખત પાણીની અછત જાહેર કરી ત્યારથી પાણીના વપરાશમાં ઘટાડો કેવી રીતે કરવો તે અંગે આ વિસ્તારનાં શહેરો, ખેડૂતો અને સમુદાયો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે કોલોરાડો નદી પર આધારિત જળાશયો – લેક પોવેલ અને લેક ​​મીડ, બંનેનું જળસ્તર નીચું જઈ શકે છે. આનાથી મેક્સિકો અને સાત યુએસ બેસિન રાજ્યો વ્યોમિંગ, કોલોરાડો, ઉટાહ, ન્યુ મેક્સિકો, એરિઝોના, નેવાડા અને કેલિફોર્નિયામાં ખેડૂતો તેમજ લાખો લોકોને અસર થશે. નિષ્ણાતોનું કહેવું છે કે લેક મીડ અને લેક ​​પોવેલ જોખમમાં મૂકાય તેનો અર્થ એ છે કે આ બે ડેમમાં પાણીનું સ્તર એટલું નીચું થઈ જશે કે તે હવે નીચેની તરફ વહી શકશે નહીં. લેક ​​મીડ અમેરિકાનું સૌથી મોટું કૃત્રિમ જળાશય છે અને લેક પોવેલ બીજા નંબરનું સૌથી મોટું છે. આ બે લેક મોટા ભાગના પશ્ચિમ અમેરિકા અને મેક્સિકોને પાણી પુરવઠો પૂરો પાડે છે. આ જળાશયો અતિ મહત્ત્વનાં છે.

પશ્ચિમ અમેરિકા હંમેશા પાણીની અછતવાળો વિસ્તાર રહ્યો છે. રણ પ્રદેશ હોવાથી આ વિસ્તાર ખૂબ સૂકો છે અને વસતી સતત વધી રહી છે જેથી પહેલેથી જ અછતગ્રસ્ત વિસ્તાર ભારે દબાણ હેઠળ છે. અમેરિકાનું મોટા ભાગનું ફળ ઉત્પાદન પશ્ચિમ અમેરિકા, ખાસ કરીને કેલિફોર્નિયામાં થાય છે અને એ રીતે તે અમેરિકાનું બ્રેડબાસ્કેટ છે. ખેતી માટે વપરાતી સિંચાઈ ત્યાંનાં જળ સંસાધનો પર ભારે દબાણ લાવે છે. વસતીવધારો અને બિનકાર્યક્ષમ કૃષિ પદ્ધતિઓના સંયોજન સાથે જળવાયુ પરિવર્તનની વિપરીત અસરો ભળતાં પરિસ્થિતિ બગડી રહી છે.

પશ્ચિમ અમેરિકામાં છેલ્લાં ૨૦ વર્ષોથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. નિષ્ણાતો તો આને દુષ્કાળથી આગળ વધીને શુષ્કીકરણ કહી રહ્યા છે જે હવે સામાન્ય બની રહ્યું છે અને લોકોએ આની આદત પાડવી પડશે. લોકો વરસાદી પાણીને રિસાયકલ કરવા માટે ઘરોને રિટ્રોફિટિંગ કરવાનું વિચારતા થયા છે. શૌચાલયમાં ફ્લશિંગમાં ઓછું પાણી વાપરતી અથવા શાવરહેડ્સમાં પાણીની બચત થાય એવી ઘણી તકનીકો મોજૂદ છે. લોકોની રોજિંદી જીવનશૈલી અથવા આદતોમાં બહુ ઓછા ફેરફાર સાથે આમાંની ઘણી બધી બાબતોનો અમલ કરી શકાય છે. પરંતુ મોટો મુદ્દો ખેતીનો છે. ખેતી કુલ પાણીના ૯૦ ટકા વાપરે કરે છે.

અમલમાં મૂકી શકાય એવી એક ખૂબ જ સરળ પદ્ધતિ છે ટપક સિંચાઈ, જે ચોક્કસ પાક માટે જરૂરી હોય એટલું જ પાણી વાપરે છે અને એ રીતે ઘણું પાણી બચાવીને જોઈતો પાક ઉગાડી શકાય છે. બીજી પદ્ધતિમાં ગંદા પાણીને સુરક્ષિત રીતે વાપરીને પણ ખેતી થઈ શકે છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં અમુક પાક ઉગાડવો ન જોઈએ, પછી ભલે તે મુખ્ય રોકડિયો પાક હોય. ખેતી અને ઉદ્યોગોની આમાં મોટી ભૂમિકા છે. પાણીની અછત વૈશ્વિક બનતી જાય છે. એક અનુમાન મુજબ વિશ્વભરમાં એક અબજ લોકો લાંબા સમયથી પાણીની અછત ધરાવતા પ્રદેશોમાં રહે છે અને વિશ્વભરના ૨.૩ અબજ લોકો વર્ષના કેટલાક મહિનાઓ પાણીની અછત અનુભવે છે. આગામી ૧૦ વર્ષમાં સંખ્યા ૩.૫ અબજ લોકો સુધી પહોંચી શકે છે. જળવાયુ પરિવર્તન અને પર્યાવરણીય અસરો હંમેશા રહેવાની છે એવું સ્વીકારીને આપણી આદતોમાં બદલાવ કરવાની જરૂર છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top