Columns

મેટાવર્સ કંપનીઓનો ધંધો ટૂંકમાં ૧,૦૦૦ અબજ ડોલર પર પહોંચી જશે

વેબ.૧ અને વેબ.૨નો જમાનો હવે પૂરો થવાનો છે. વેબ.૧માં બેઝિક ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી, જેમાં વેબસાઇટ લોન્ચ કરવામાં આવતી હતી અને તેનો ઉપયોગ ઇ-મેઇલ જેવી પાયાની સુવિધાઓ આપવા માટે કરવામાં આવતો હતો. વેબ.૨માં ગૂગલ, ફેસબુક અને એમેઝોન જેવી કંપનીઓ દ્વારા સોશિયલ મીડિયા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા આપણા રોજબરોજના જીવન પર જબરદસ્ત પ્રભાવ પાડવામાં આવ્યો છે. હવે જમાનો વેબ.૩નો છે, જેમાં ટેક જાયન્ટ કંપનીઓ આપણને મેટાવર્સની આભાસી દુનિયામાં લઈ જવા માટે સ્પર્ધામાં ઊતરી છે.

ફેસબુક દ્વારા પોતાનું નામ બદલીને મેટા કરી નાખવામાં આવ્યું તે મેટાવર્સની દુનિયામાં લીડ મેળવવા તરફનું સૌથી બોલ્ડ પગલું હતું. ફેસબુકે મેટાવર્સની દુનિયામાં ઝંપલાવી દેવાની જાહેરાત કરી કે તરત માઇક્રોસોફ્ટે પણ તેના પગલે જવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં દુનિયાની તમામ ટેક જાયન્ટ કંપનીઓ પોતાનો મેટાવર્સ અવતાર ધારણ કરશે. તેમાં સક્રિય બનવા માટે જે કરન્સીનો ઉપયોગ કરવામાં આવશે તે પણ ક્રિપ્ટોકરન્સી હશે. ૨૦૨૫ની સાલ સુધીમાં મેટાવર્સની કંપનીઓમાં આશરે એક ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે.

ગ્રેસ્કેલ નામની માર્કેટ એનાલિસિસ કંપનીના અંદાજ મુજબ આજની તારીખમાં ઇન્ટરનેટની સેવાઓ આપતી કંપનીઓની કિંમત આશરે ૧૫ ટ્રિલિયન ડોલર છે. ૨૦૨૦ની સાલમાં વર્ચ્યુઅલ ગેમિંગ ઉદ્યોગની આવક ૧૮૦ અબજ ડોલર હતી. તે ૨૦૨૧માં ઉછળીને ૪૦૦ અબજ ડોલર પર પહોંચી જશે. નિષ્ણાતો મેટાવર્સની વ્યાખ્યા કરતા કહે છે કે ‘‘આ પરસ્પર જોડાયેલું ૩-ડી નેટવર્ક છે, જેમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા લોકો એકબીજા સાથે હળીમળી શકે છે, જાતજાતના અનુભવો કરી શકે છે અને જિંદગીનો આનંદ લૂંટી શકે છે. આ દુનિયામાં કલ્પના અને વાસ્તવિકતાની મિલાવટ કરવામાં આવી હશે. આ માયાવી દુનિયાનું પોતાનું પણ એક આગવું અર્થતંત્ર હશે.’’

આજ સુધી બાળકો કે પુખ્ત વયના લોકો ઇન્ટરનેટ પર જે ગેમ્સ રમે છે તે મફતમાં રમતા હોય છે. તેમાં પૈસાની લેવડદેવડને બહુ સ્કોપ હોતો નથી. કેટલીક ઇન્ટરનેટ ગેમ્સમાં રમનારને પ્રોત્સાહન તરીકે જે ઇનામો આપવામાં આવે છે, તેની વાસ્તવિક જિંદગીમાં કોઈ કિંમત હોતી નથી. તેનો ઉપયોગ કરીને બજારમાંથી કોઈ ચીજવસ્તુ ખરીદી શકાતી નથી. હવે મેટાવર્સમાં વિવિધ ચીજો ખરીદવા માટે કે વેચવા માટે જે કરન્સીનો ઉપયોગ કરવામાં આવશે તે ક્રિપ્ટોકરન્સી હશે. તેનો ઉપયોગ કરીને કાલ્પનિક દુનિયામાં ધંધો કરી શકાશે અને નફો પણ રળી શકાશે. આ નફાનો ઉપયોગ કરીને કાલ્પનિક દુનિયાની જેમ વાસ્તવિક દુનિયામાં મિલકતો પણ ખરીદી શકાશે. કાલ્પનિક દુનિયામાં ચીજવસ્તુઓ ખરીદવા માટે જે કરન્સી વાપરવામાં આવે છે તેને નોન ફંજિબલ ટોકન્સ (એનએફટી) કહેવામાં આવે છે. ૨૦૨૧ના ત્રીજા ત્રિમાસમાં જે ૮.૨ અબજ ડોલરની ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં આવી તેના ૧.૮ અબજ ડોલરનો ઉપયોગ એનએફટી માટે થયો હતો.

વર્તમાનમાં આપણને જેટલો ફુરસદનો સમય મળે છે તેના ત્રીજા ભાગનો ઉપયોગ આપણે ટીવી જોવામાં, વીડિયો ગેમ રમવામાં કે સોશિયલ મીડિયામાં કરીએ છીએ. કોરોના અને લોકડાઉનના સાયકલને કારણે આપણને ઘરની અંદર પૂરાઇ રહેવાની ફરજ પાડવામાં આવશે. તેને કારણે ઘરે રહીને કામ કરવાનું કલ્ચર વિકસતું જશે. આ કલ્ચરમાં ૩-ડી ગેમિંગ ઉદ્યોગનો ઝડપી વિકાસ થશે. હવે આપણો વધુ સમય કાલ્પનિક દુનિયામાં જીવવામાં જાય છે. મેટાવર્સમાં કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયાનો સમાગમ થઈ જશે. આજે વિદ્યાર્થીઓ જેમ વાસ્તવિક વર્ગખંડમાં જઈને શિક્ષણ મેળવે છે તેમ ભવિષ્યમાં તેઓ મેટાવર્સનો ઉપયોગ શિક્ષણ મેળવવા માટે કરી શકશે. આજે વેપારીઓ દુકાનમાં બેસીને માલ વેચે છે તેમ ભવિષ્યમાં વેપારીઓ મેટાવર્સમાં પોતાની દુકાન ખરીદશે, તેમાં કાલ્પનિક જણસોનું વેચાણ કરશે અને વાસ્તવિક નાણાંની કમાણી કરશે.

ફેસબુક દ્વારા મેટાવર્સનું લોન્ચિંગ કરવાની જાહેરાત કરવામાં આવી તે સાથે દુનિયાની અનેક કંપનીઓ દ્વારા ક્રિપ્ટોકરન્સીના ઉપયોગથી જ રમી શકાય તેવી ૩-ડી ગેમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હોંગકોંગની કંપની એનિમોકા બ્રાન્ડ્સ દ્વારા ચાર વર્ષની મહેનત પછી સેન્ડબોક્સ નામની ગેમ તૈયાર કરવામાં આવી છે, જેનું તા. ૨૯ નવેમ્બરના લોન્ચિંગ થવાનું છે. આ ગેમ રમનાર ખેલાડીઓને સેન્ડ નામના નોન ફંજિબલ ટોકન્સ (એનએફટી) આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ ગેમમાં સાધનો ખરીદવા માટે કરી શકશે અને તેનો ઉપયોગ કરીને વાસ્તવિક કમાણી પણ કરી શકશે.

સેન્ડ ટોકન એક જાતની ક્રિપ્ટોકરન્સી છે, જે સેન્ડબોક્સ રમનારને ઇનામ તરીકે આપવામાં આવે છે. આ સેન્ડ ટોકનની કિંમત આજની તારીખમાં ૫.૫૯ ડોલર (આશરે ૪૫૦ રૂપિયા) જેટલી છે. મોબાઇલ પર ગેમ રમતાં રમતાં કમાણી કરવાની તેમાં તક હશે. આજની તારીખમાં સેન્ડ ટોકન ૪૧મા નંબરની ક્રિપ્ટોકરન્સી છે. તેનું માર્કેટ કેપ આશરે પાંચ અબજ ડોલરનું છે. તાજેતરમાં તેણે નવી ગેમ લોન્ચ કરવાની તૈયારી કરી તેને કારણે તેના ભાવમાં ૨૬૦ ટકાની વૃદ્ધિ થઈ હતી. પગરખાં બનાવતી કંપની એડિદાસ દ્વારા કાલ્પનિક દુનિયા માટે કાલ્પનિક ‘એડિવર્સ’ પગરખાં બનાવવાની જાહેરાત કરી હતી. આ કાલ્પનિક પગરખાં સેન્ડ ટોકનનો ઉપયોગ કરીને જ ખરીદી શકાશે. આ જાહેરાતને પગલે સેન્ડ ટોકનની કિંમત એક દિવસમાં ૨૬૦ ટકા વધી ગઈ હતી. સેન્ડબોક્સ દ્વારા આલ્ફા નામની ગેમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં રમનારા ૧૦૦૦ સેન્ડ ટોકન ખરીદી શકશે.

સેન્ડબોક્સની જેમ ડિસેન્ટ્રાલેન્ડ નામની કંપની પણ કાલ્પનિક દુનિયા અને ક્રિપ્ટોકરન્સીના પાયા પર ચાલે છે. આ ગેમ રમનારને ‘માના ટોકન’ નામની ક્રિપ્ટોકરન્સી ભેટમાં આપવામાં આવે છે. આ ગેમમાં માનાનો ઉપયોગ કરીને કાલ્પનિક દુનિયામાં જમીનો અને મકાનો ખરીદી શકાય છે. જોકે સાઉથ કોરિયાના કેટલાક રોકાણકારો દ્વારા આ વેબસાઇટ પર અગાઉથી જ ઘણી પ્રોપર્ટી પાણીના ભાવે ખરીદી રાખવામાં આવી છે. હવે તેઓ તેનું વેચાણ કરીને નફો ગાંઠે બાંધી રહ્યા છે. જે લોકોને મિલકતના ભાવો વધવાની લાલચ છે તેઓ આ મિલકતો ખરીદી પણ રહ્યા છે. માના ટોકનનું માર્કેટ કેપ સાત અબજ ડોલર જેટલું છે. તેના વઝિરેક્સ નામના ક્રિપ્ટો એક્સચેન્જ પર ખરીદી અને વેચાણ પણ કરી શકાય છે. તેના ભાવોમાં સપ્તાહમાં ૨૦ ટકાની વૃદ્ધિ થઈ છે.

ગાલા ગેમ્સ નામની કંપની તેની ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને એક નહીં પણ પાંચ ૩-ડી વીડિયો ગેમ્સ રમવાની સગવડ આપે છે. તેના ગાલા ટોકનની કિંમત ૦.૬૮ ડોલર જેટલી છે, પણ સમય જતાં વધી શકે છે. આ કંપનીનો દાવો છે કે તેણે કંપનીનું નિર્માણ કરવા માટે કોઈ વેન્ચર કેપિટાલિસ્ટ કંપની પાસેથી લોન લીધી નથી. તેમની કમાણીનું સાધન નોડનાં લાઇસન્સનું વેચાણ છે. સ્ટાર એટલાસ નામની કંપની પણ બ્લોકચેઇન ટેકનોલોજી આધારીત ગેમ તૈયાર કરી રહી છે, જે એટલાસ તરીકે ઓળખવામાં આવશે. આ ગેમની ખાસિયત એ છે કે દુનિયાના જુદા જુદા ખૂણામાં બેઠેલા માણસો તે ભેગા મળીને રમી શકે છે. તેવી રીતે બ્લોકટોપિયા કંપની બ્લોક નામના ટોકન લઈને આવી રહી છે. મેટાવર્સની દુનિયામાં રમનારો માણસ વાસ્તવિક દુનિયા જ ભૂલી જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top