ભાજપે સાબિત કરી આપ્યું કે મુખ્ય પ્રધાન સહિતના પ્રધાનો કઠપૂતળી છે

ભારતનાં બંધારણ મુજબ બહુમતી મેળવનારા પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો મીટિંગ કરીને પોતાના નેતાની પસંદગી કરતા હોય છે, જેને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લેવડાવે છે. જો કોઈ મુખ્ય પ્રધાનને અધવચ્ચે બદલવાનો હોય તો તેના માટે ગૃહમાં અવિશ્વાસનો ઠરાવ પસાર કરવો પડે છે. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણી સરકાર સામે કોઈ અવિશ્વાસનો ઠરાવ પસાર કરવામાં આવ્યો નહોતો; તો પણ તેમને રાજીનામું આપવાની ફરજ પાડીને ભાજપના મોવડીમંડળે વિધાનસભાનું પણ અપમાન કર્યું છે.

જ્યારે કોઈ નવા નેતાની પસંદગી કરવાની હોય ત્યારે વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવે છે અને તેમને પોતાનો નેતા ચૂંટવાની તક આપવામાં આવે છે. અહીં તો વિધાનસભ્યોને પૂછ્યા વિના ભાજપના મોવડીમંડળે ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન તરીકે ઠોકી બેસાડ્યા હતા. તમામ જૂના પ્રધાનોને ઘરે બેસાડીને અને નવા ૨૪ મંત્રીઓના હાથમાં સત્તા સોંપવા દ્વારા ભાજપના મોવડીમંડળે સાબિત કર્યું કે મુખ્ય પ્રધાન સહિતના તમામ પ્રધાનો તેમની કઠપૂતળી સમાન છે. મોવડીમંડળ જ્યારે ચાહે ત્યારે તેમને ખુરશી પરથી ઊતારી શકે છે.

હજુ એક મહિના પહેલાં જે વિજય રૂપાણી સરકારના સફળ પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી તેના તમામ પ્રધાનોને ઘરે બેસાડીને ભાજપે સ્વીકારી લીધું છે કે વિજય રૂપાણીની સરકાર નિષ્ફળ હતી અને તેને ચાલુ રાખીને ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતી શકે તેમ નથી. ભારતની લોકશાહીમાં કોઈ પણ ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનો અધિકાર માત્ર મતદારોને હોય છે. અહીં તો ભાજપના મોવડીમંડળે અભૂતપૂર્વ પગલું ભરીને પોતાની જ આખી સરકારને બરતરફ કરીને તેના સ્થાને નવી સરકારની સ્થાપના કરી છે. વિદાય લેનારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રીસાયેલા ભૂતપૂર્વ પ્રધાનોને કહી રહ્યા હતા કે ગુજરાતમાં સરકારવિરોધી જે મોજું ચાલી રહ્યું છે તેનાથી બચવા અને આવતી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા આ જથ્થાબંધ બરતરફીની કવાયત જરૂરી હતી.

ગુજરાતમાં વિજય રૂપાણીની જે સરકાર હતી તેના મોટા ભાગના  પ્રધાનો ફેસલેસ હતા; મતલબ કે તેમનું પોતાનું કોઈ વ્યક્તિત્વ નહોતું. તેઓ પ્રધાન બન્યા તેમાં તેમની કોઈ તાકાત કામ નહોતી કરી ગઈ પણ તેમના પરની ભાજપના મોવડીમંડળની કૃપા જ કામ કરી ગઈ હતી. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને બાદ કરતાં બીજા પ્રધાનો તેમને હાંકી કાઢવાનો કોઈ પ્રતિકાર પણ કરી શકે તેમ નહોતા. નીતિન પટેલે મહેસાણા જઈને જાહેર સભામાં પોતાની હતાશા વ્યક્ત કરી હતી, પણ ગાંધીનગર આવીને તેઓ ડાહ્યાડમરા થઈ ગયા હતા. કુંવરજી બાવળિયા જેવા કોંગ્રેસમાંથી આવેલા નેતાએ થોડો ગણગણાટ કર્યો હતો; પણ તેમને ખબર હતી કે મોવડીમંડળ સામે તેમનું કાંઈ ચાલવાનું નથી. વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા જેવા નેતાઓને પણ જે રીતે તેમને ગડગડિયું આપવામાં આવ્યું તેથી આંચકો લાગ્યો હતો. તેમણે કેન્દ્રિય નિરીક્ષકો સાથે લાંબી મીટિંગ કરીને પોતાની ફરિયાદો વ્યક્ત કરી હતી, પણ પહેલા તેમને સમજાવી લેવામાં આવ્યા હતા. પછી અન્ય અસંતુષ્ટ પ્રધાનોને સમજાવી લેવાનું કામ ત્રિપુટીને સોંપવામાં આવ્યું હતું.

આ સમગ્ર કસરતમાં જો કોઈ નેતા સૌથી પાવરફુલ બનીને બહાર આવ્યા હોય તો તે ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટિલ છે. તેમને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા તે પછી સતત તેમની નજર મુખ્ય પ્રધાનની ખુરશી પર હતી. વચ્ચે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ત્યારે પણ તેમણે કેબિનેટમાં સ્થાન હાંસલ કરવા બહુ ખટપટ કરી હતી, પણ તેમની દાળ ગળી નહોતી. વિજય રૂપાણીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી ત્યારે પણ સી.આર. પાટિલે મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે પોતાનું નામ ઉછાળ્યું હતું; પણ નવા મુખ્ય પ્રધાન પાટીદાર જ હશે તે નક્કી હતું.

છેવટે સી.આર. પાટિલને નવા મંત્રીમંડળની પસંદગી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને કારણે મુખ્ય પ્રધાન કરતાં પણ વધુ સત્તા તેમના હાથમાં આવી ગઈ હતી. મંત્રી બનવા ઉત્સુક વિધાનસભ્યો તેમને મળવા પડાપડી કરતા હતા. છેવટે જે ૨૪ સભ્યો પસંદ કરવામાં આવ્યા તેમાંના મોટા ભાગના સી.આર. પાટિલની પસંદગી છે. સી.આર. પાટિલ હવે પડદા પાછળ રહીને સરકારનું સંચાલન કરશે. આગામી ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવાની જવાબદારી પણ સી.આર. પાટિલને સોંપવામાં આવી છે. કદાચ જે રીતે બધા મંત્રીઓને બદલી કાઢવામાં આવ્યા તેમ બધા વિધાનસભ્યોને પણ બદલી કાઢવામાં આવશે. સી.આર. પાટિલ જો ભાજપને ચૂંટણી જીતાડવામાં સફળ થાય તો તેમને ઇનામમાં મુખ્ય મંત્રીની ખુરશી પણ મળી શકે છે.

ગુજરાતમાં જે રાજકીય ઉથલપાથલ થઇ તેમાં પાટીદાર ફેક્ટર બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી ગયું હતું. અગાઉ રાજકોટ નજીકના ખોડલ ધામમાં પાટીદારોની મીટિંગ ચાલી રહી હતી ત્યારે ચાલુ મીટિંગે ભાજપના મોવડીમંડળને સંદેશો મોકલવામાં આવ્યો હતો. તેના પરિણામે મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા જેવા પાટીદાર આગેવાનોને કેન્દ્રમાં કેબિનેટનો દરજ્જો આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ તા. ૧૧ સપ્ટેમ્બરના અમદાવાદ ખાતે સરદાર ધામમાં લોકાર્પણ વખતે પાટીદારોની મીટિંગ ચાલી રહી હતી ત્યારે વિજય રૂપાણીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી.

ભાજપે ૨૦૧૫ના અનામત આંદોલન વખતે પાટીદારોની ઉપેક્ષા કરી હતી, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લેઉઆ અને કડવા પાટીદારો ભેગા થઈ ગયા છે અને તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. તેનો ચમત્કાર સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો. સુરતના પાટીદારોની વસતિ ધરાવતા વોર્ડમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો મળી હતી. જો તેનું પુનરાવર્તન વિધાનસભાની ચૂંટણી વખતે થાય તો ભાજપ માટે સરકાર બનાવવી દુષ્કર બની જાય. ભાજપથી રીસાઈ ગયેલા પાટીદારોને મનાવી લેવા માટે ભાજપે મોટો જુગાર રમ્યો છે અને આખી સરકાર બદલી કાઢી છે.

ગુજરાતમાં જૈન મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાની ફરજ પાડીને પાટીદાર મુખ્ય પ્રધાન લાવવામાં આવશે તેથી પાટીદાર કોમનો ઉદ્ધાર થઈ જશે, તેવું માની લેવાની જરૂર નથી. પાટીદાર કોમના પ્રતિનિધિ તરીકે જે મુખ્ય પ્રધાનને ખુરશી પર બેસાડવામાં આવ્યા છે તેમના હાથમાં કોઈ સત્તા નથી. તેમની કિંમત રબ્બર સ્ટેમ્પ જેટલી જ છે. મોવડીમંડળની મરજી વિરુદ્ધ તેઓ પાટીદાર કોમને કંઈ આપી શકે તેમ નથી. એમ તો ૨૦૧૫માં જ્યારે પાટીદારોએ અનામત આંદોલન કર્યું ત્યારે આનંદીબહેન પટેલ મુખ્ય મંત્રી હતા તેઓ પણ પાટીદાર હતા. તેમ છતાં તેઓ પાટીદારોને અનામત અપાવી શક્યા નહોતા.

પાટીદારોના આંદોલનને કારણે જ તેમને રાજીનામું આપવું પડ્યું હતું. હવે ભૂપેન્દ્ર પટેલ પણ પાટીદાર કોમનો ઉદ્ધાર કરી શકે તેવું માની શકાય નહીં. ગુજરાતની પ્રજાની મુખ્ય સમસ્યાઓ ભ્રષ્ટાચાર, બેકારી, મોંઘવારી, અપોષણ અને ગેરવહીવટ છે. તેને કારણે માત્ર પાટીદારો નહીં પણ ગુજરાતના સાડા છ કરોડ લોકો પરેશાન છે. આ દૂષણોને નાથવાને બદલે ભાજપના નેતાઓ મુખ્ય મંત્રી બદલવાના નાટક કર્યા કરશે તેથી પ્રજા ગુમરાહ થવાની નથી. જો પાટીદારો ગુજરાતની જનતાનું કલ્યાણ કરવા માગતા હોય તો તેમણે આ દૂષણો સામે જંગ છેડવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Related Posts